Israel Iran War Update: મિડલ ઈસ્ટમાં સ્થિતિ હવે કાબૂ બહાર જઈ રહી છે. શનિવારે વહેલી સવારે ઈઝરાયેલ અને અમેરિકાએ સંયુક્ત રીતે ઈરાનના 10 શહેરો પર ભીષણ હવાઈ હુમલા કર્યા છે. આ હુમલામાં ઈરાનના રક્ષા મંત્રીનું (Defense Minister) મોત થયું હોવાનો મોટો દાવો કરવામાં આવી રહ્યો છે. બીજી તરફ, ઈરાને પણ મચક આપ્યા વગર ઈઝરાયેલ અને દુબઈ સહિતના વિસ્તારો પર 400 જેટલી મિસાઈલો છોડીને યુદ્ધને વધુ તેજ બનાવ્યું છે.
Israel Iran War: ‘ઓપરેશન લિયોન્સ રોર’
ઈઝરાયેલે ઈરાન વિરુદ્ધના આ નવા સૈન્ય અભિયાનને ‘લિયોન્સ રોર’ (સિંહની ગર્જના) નામ આપ્યું છે, જેમાં અમેરિકા અને ઈઝરાયેલની સેનાએ સંયુક્ત રીતે તેહરાન સહિત ઈરાનના મુખ્ય શહેરોને નિશાન બનાવ્યા છે. આ ભયાનક હુમલાઓમાં દક્ષિણ ઈરાનમાં 40 જેટલી વિદ્યાર્થિનીઓના કરૂણ મોત થયાના અહેવાલ છે અને અનેક લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આ સૈન્ય કાર્યવાહીને અમેરિકા અને તેના સાથી દેશોની સુરક્ષા માટે અનિવાર્ય ગણાવતા સ્પષ્ટ કર્યું છે કે, ઈરાનના મિસાઈલ પ્રોગ્રામને નેસ્તનાબૂદ કરવો એ જ આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ્ય છે.

ઈરાનનો વળતો પ્રહાર, 7 દેશો પર હુમલા
પોતાના પર થયેલા હુમલાના જવાબમાં ઈરાને પણ આક્રમક વલણ અપનાવ્યું છે. ઈરાને મિસાઈલ હુમલા દ્વારા ઈઝરાયેલ, અબુ ધાબી (દુબઈ), કતાર, બહેરીન, કુવૈત, સાઉદી અને જોર્ડનને ટાર્ગેટ કર્યા છે. ખાસ કરીને આ દેશોમાં આવેલા અમેરિકન સૈન્ય બેઝ (Military Bases) ઈરાનના નિશાના પર છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં આકાશમાં આગના ગોળા અને પ્રચંડ ધડાકા સ્પષ્ટ જોઈ શકાય છે.
એરસ્પેસ બંધ અને હાઈ એલર્ટ
હુમલા બાદ ઈરાને પોતાની તમામ ફ્લાઈટ્સ રોકી દીધી છે અને એરસ્પેસ સંપૂર્ણપણે ખાલી કરાવી દીધું છે. ઈઝરાયેલમાં પણ સતત એર એટેકના સાયરન વાગી રહ્યા છે. સંવેદનશીલ વિસ્તારોમાં રહેતા લોકોને ઘરોમાં રહેવા અને સુરક્ષિત બંકરોનો આશરો લેવા અપીલ કરવામાં આવી છે.
અમેરિકાએ પહેલાથી જ પોતાના નાગરિકોને ઈઝરાયેલ છોડવા કહી દીધું હતું, જે સૂચવે છે કે આ હુમલો પૂર્વ આયોજિત હતો. હાલમાં આખું મિડલ ઈસ્ટ યુદ્ધની જ્વાળાઓમાં સપડાયું છે અને દુનિયાભરના દેશો ચિંતિત છે.
આ પણ વાંચો: ઈરાન પર હુમલો થતાં જ પાકિસ્તાનો બદલો સ્વર: ‘આ બિનજરૂરી…
આ પણ વાંચો: ઇઝરાયલે ઇરાન પર કર્યો મોટો હુમલો, તેહરાનમાં વિસ્ફોટો અને આકાશમાં ધુમાડાના ગોટેગોટા છવાઈ ગયા
આ પણ વાંચો: ઈરાને એકસાથે 7 દેશો પર કર્યા મિસાઈલ હુમલા, UAE અને કુવૈતે તાત્કાલિક એરસ્પેસ કર્યું બંધ
