Surat College Girls Suicide: સુરતના સણિયા કણદે વિસ્તારમાં આવેલા નવનિર્મિત આત્મીય સંસ્કારધામ સ્વામિનારાયણ મંદિરના બાથરૂમમાંથી બી.કોમમાં અભ્યાસ કરતી બે તેજસ્વી વિદ્યાર્થિનીઓના મૃતદેહ મળતા સમગ્ર શહેરમાં ચકચાર મચી ગઈ છે. ડિંડોલી વિસ્તારમાં રહેતી રોશની અને જ્યોત્સનાએ એનેસ્થેસિયાના ઈન્જેક્શનનો ઓવરડોઝ લઈને જીવન ટૂંકાવ્યું છે. પોલીસ તપાસમાં જે ખુલાસા થયા છે તે કોઈપણ માતા-પિતા માટે લાલબત્તી સમાન છે.
Surat : બંનેએ એનેસ્થેસિયાના ઈન્જેક્શન માર્યા હતા
પોલીસની પ્રાથમિક તપાસ મુજબ, 6 માર્ચના રોજ કોલેજ જવા નીકળેલી આ બંને યુવતીઓ ઘરે પરત ન ફરતા પરિવારે શોધખોળ આદરી હતી. મોબાઈલ લોકેશનના આધારે પોલીસ મંદિર પહોંચી ત્યારે બાથરૂમ અંદરથી બંધ હતું. દરવાજો તોડીને જોતા બંને બેભાન હાલતમાં મળી આવી હતી. રોશનીની ઉપર જ્યોત્સના ઢળી પડી હતી. બંનેએ પોતાના ડાબા હાથમાં એનેસ્થેસિયાના ઈન્જેક્શન માર્યા હતા.

11 મહિના જૂની ઘટનામાંથી લીધી પ્રેરણા?
તપાસમાં સૌથી ચોંકાવનારો ખુલાસો એ થયો છે કે આ બંને યુવતીઓ આપઘાત કરવાની રીત 11 મહિના પહેલા બનેલી એક ઘટનામાંથી શીખી હતી. ગત 7 એપ્રિલ 2025ના રોજ સુરતની કિરણ હોસ્પિટલની નર્સે પણ એનેસ્થેસિયાનું ઈન્જેક્શન લઈ આપઘાત કર્યો હતો. આ ઘટનાનું ન્યૂઝ કટિંગ અને તે કેવી રીતે લેવાય તેની વિગતો યુવતીઓના મોબાઈલમાંથી મળી આવી છે.
ઇન્ટરનેટ અને AI પર સર્ચ કર્યું – ‘આપઘાત કેમ કરવો?’
આ ચોંકાવનારી ઘટના આજના ડિજિટલ યુગના ગંભીર જોખમો તરફ લાલ બત્તી સમાન છે. તપાસમાં ખૂલ્યું છે કે બંને યુવતીઓએ મોબાઈલમાં ‘આપઘાત કઈ રીતે કરવો’ તે અંગે સર્ચ કર્યું હતું. એટલું જ નહીં, તેમણે ચેટજીપીટી (ChatGPT) જેવા એડવાન્સ પ્લેટફોર્મ પર પણ આત્મહત્યાની રીતો વિશે જાણકારી મેળવી હોવાનું સામે આવ્યું છે. વધુમાં, તેમની ફોન ગેલેરીમાંથી ઇન્જેક્શન કઈ રીતે મારવું તેની વિગતો દર્શાવતા ફોટા પણ મળી આવ્યા છે, જે અત્યંત ચિંતાજનક બાબત છે.

પોલીસ બનવાનું હતું સપનું, પણ…
રોશની (18) અને જ્યોત્સના (20) બંને બાળપણની બહેનપણીઓ હતી અને ભણવામાં પણ તેજસ્વી હતી. ધોરણ-12માં 70 ટકાથી વધુ માર્ક્સ મેળવનાર આ બંને દીકરીઓનું સપનું ખાખી વર્દી (પોલીસ) પહેરવાનું હતું. જોકે, કયા કારણોસર તેમણે આવું અંતિમ પગલું ભર્યું તે રહસ્ય હજુ પણ અકબંધ છે.
એક દિવસ પહેલા જ ઉજવી હતી એનિવર્સરી
રોશનીના પિતા વજન કાંટાનો વેપાર કરે છે, જ્યારે જ્યોત્સનાના પિતા સ્મીમેર હોસ્પિટલમાં લેબ ટેકનીશિયન છે. હૃદયદ્રાવક વાત એ છે કે, આપઘાતના એક દિવસ પહેલા જ 5 માર્ચે રોશનીના માતા-પિતાની મેરેજ એનિવર્સરી હતી, જેમાં બંને ભાઈ-બહેને કેક કાપીને ખુશીઓ ઉજવી હતી. કોને ખબર હતી કે બીજા જ દિવસે આ ખુશીઓ માતમમાં ફેરવાઈ જશે.
આ પણ વાંચો: સુરત: વરાછામાં 44 વર્ષીય પરણીતાનો આપઘાત
આ પણ વાંચો: સુરતના બિલ્ડર તુષાર ઘેલાણી આપઘાત કેસમાં મહિલા મિત્રની અટકાયત
આ પણ વાંચો: સુરતમાં ડિવોર્સી માતાએ 4 વર્ષના પુત્રની હત્યા કરી પોતે કર્યો આપઘાત
