Supreme Court Covid Vaccine Compensation: કોરોનાકાળમાં રસીકરણ બાદ જે લોકોને ગંભીર આડઅસરો થઈ છે અથવા જેમણે પોતાના સ્વજનો ગુમાવ્યા છે, તેમના માટે સુપ્રીમ કોર્ટમાંથી મોટા સમાચાર આવ્યા છે. સુપ્રીમ કોર્ટે 10 માર્ચના રોજ કેન્દ્ર સરકારને આદેશ આપ્યો છે કે વેક્સિનની સાઈડ-ઇફેક્ટથી પીડાતા લોકો માટે ‘વળતર નીતિ’ (Compensation Policy) તૈયાર કરવામાં આવે.
‘નો-ફોલ્ટ’ ધોરણે વળતર આપવા સૂચના
જસ્ટિસ વિક્રમ નાથ અને સંદીપ મહેતાની બેન્ચે સ્પષ્ટ કર્યું હતું કે આ વળતર ‘નો-ફોલ્ટ’ (No-fault basis) ધોરણે આપવું જોઈએ. કોર્ટે સરકારને ટકોર કરતા જણાવ્યું હતું કે વળતર આપવાનો અર્થ એ નથી થતો કે સરકાર પોતાની કોઈ ભૂલ સ્વીકારી રહી છે. આ પ્રકારની વળતર યોજનાને ક્યારેય ‘ભૂલની કબૂલાત’ તરીકે ન જોતા તેને માત્ર એક માનવીય અભિગમ તરીકે જ જોવી જોઈએ.
બે મૃતક યુવતીઓના માતા-પિતાની અરજી પર સુનાવણી
સુપ્રીમ કોર્ટ બે એવી યુવતીઓના પરિવારની અરજી પર સુનાવણી કરી રહી હતી, જેમનું મૃત્યુ કોવિડ વેક્સિનની આડઅસરને કારણે થયું હોવાનો દાવો કરાયો હતો. આ મામલે પરિવારે એવી માંગ કરી હતી કે આ મૃત્યુની સ્વતંત્ર તપાસ કરવામાં આવે, આર્થિક વળતરની યોગ્ય નીતિ ઘડાય અને વેક્સિનની આડઅસરોની વહેલી ઓળખ થઈ શકે તે માટે નવી ગાઈડલાઈન્સ પણ બનાવવામાં આવે.
નિષ્ણાત સમિતિની જરૂર નથી: Supreme Court
કોર્ટે આ મામલે અવલોકન કર્યું કે વેક્સિનની આડઅસર તપાસવા માટે કોઈ નવી નિષ્ણાત સમિતિ બનાવવાની જરૂર નથી, કારણ કે હાલની વૈજ્ઞાનિક પદ્ધતિઓ પૂરતી છે. જોકે, આ ચુકાદો અન્ય પીડિતોને તેમના વ્યક્તિગત કાયદાકીય ઉપાયો (Legal Remedies) શોધતા અટકાવશે નહીં.

કેન્દ્ર સરકારની દલીલ શું છે?
કેન્દ્ર સરકારે અગાઉ કોર્ટમાં દલીલ કરી હતી કે, ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ હેઠળ માત્ર મહામારી માટે જ વળતરની જોગવાઈ કરવામાં આવી છે, વેક્સિનની આડઅસર માટે નહીં. વધુમાં સરકારે જણાવ્યું હતું કે રસીકરણના પ્રોટોકોલ વૈશ્વિક સ્તરના છે અને રસી લીધા પછી થતી કોઈપણ આડઅસરની તપાસ માટે AEFI (Adverse Event Following Immunization) સિસ્ટમ પહેલેથી જ દેશમાં કાર્યરત છે.
કેરળ હાઈકોર્ટનો સંદર્ભ
આ પહેલા સપ્ટેમ્બર 2022માં કેરળ હાઈકોર્ટે પણ વેક્સિનથી થતા મૃત્યુ માટે વળતરની ગાઈડલાઈન્સ બનાવવા આદેશ આપ્યો હતો. કેન્દ્રએ આ નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો, જેની પર હવે સર્વોચ્ચ અદાલતે સરકારને નીતિ ઘડવા માટે નિર્દેશ આપ્યો છે.
આ પણ વાંચો: યૌન શોષણ કેસમાં નવો વળાંક! શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદની ધરપકડ પર હાઈકોર્ટની રોક
આ પણ વાંચો:રાજસ્થાન હાઈકોર્ટનો નિર્ણય, 13 વર્ષની બળાત્કાર પીડિતાને ગર્ભપાતનો અધિકાર મળ્યો
આ પણ વાંચો:‘પત્ની માટે બીજા પુરુષ સાથે સેક્સ કરવું ગુનો નથી’, જાણો રાજસ્થાન હાઈકોર્ટે કેમ કહ્યું આવું?
