Ambalal Patel Rain Forecast Gujarat: ગુજરાતમાં કમોસમી વરસાદ (Unseasonal Rain) જાણે પીછો છોડવાનું નામ નથી લઈ રહ્યો. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની નવી આગાહીએ જગતના તાતની ઊંઘ ઉડાવી દીધી છે. પશ્ચિમ વિક્ષેપ (Western Disturbance) ના કારણે રાજ્યના વાતાવરણમાં આવેલા અચાનક પલટા બાદ હવે માર્ચના અંત સુધી જ નહીં, પણ એપ્રિલમાં પણ માવઠું થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
પશ્ચિમ વિક્ષેપનો ત્રિપલ એટેક! : Ambalal Patel
અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર, રાજ્યમાં હજુ એક નહીં પણ વધુ ત્રણ પશ્ચિમ વિક્ષેપ આવવાની શક્યતા છે. જેના કારણે આવતીકાલ સુધી રાજ્યભરમાં વાદળછાયું વાતાવરણ રહેશે અને છૂટાછવાયા વરસાદી ઝાપટાં પડી શકે છે. આ ઉપરાંત, માત્ર વરસાદ જ નહીં, પણ ભારે પવન અને આંધી વંટોળ આવવાની પણ પૂરેપૂરી શક્યતા છે.

હોળી-ધૂળેટી પછી પણ વાતાવરણમાં પલટો
આગાહી મુજબ, માર્ચ મહિનો ખેડૂતો માટે કષ્ટદાયક સાબિત થશે. 25 અને 26 માર્ચના રોજ વાતાવરણમાં ફરી મોટો પલટો જોવા મળશે અને ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે. આ ઉપરાંત, માર્ચ મહિનાના અંતિમ દિવસોમાં પણ વાતાવરણ ડહોળાયેલું રહેવાની પૂરેપૂરી શક્યતા છે, જે ખેડૂતોની ચિંતામાં વધુ વધારો કરી શકે છે.
એપ્રિલમાં પણ આફત યથાવત
સૌથી વધુ ચિંતાજનક વાત એ છે કે, અંબાલાલ પટેલે એપ્રિલ મહિનામાં પણ કમોસમી માવઠાની આગાહી કરી છે. સામાન્ય રીતે એપ્રિલમાં કાળઝાળ ગરમી પડતી હોય છે, પરંતુ આ વર્ષે પશ્ચિમ વિક્ષેપના કારણે વારંવાર માવઠું થતા રવિ પાકને વ્યાપક નુકસાન થવાની ભીતિ છે.
જગતનો તાત ચિંતાતુર
ખેતરોમાં હાલ ઘઉં, જીરું, ચણા અને રાયડા જેવા પાકો તૈયાર થઈ ગયા છે અથવા લણણીની પ્રક્રિયા ચાલી રહી છે. આવા સમયે જો વરસાદ અને આંધી આવે તો ખેડૂતોના મોઢે આવેલો કોળિયો છીનવાઈ શકે તેમ છે. અંબાલાલની આ આગાહીથી ખેડૂતોમાં ભારે ફફડાટ ફેલાયો છે.
આ પણ વાંચો:ગુજરાતમાં પવન સાથે મિશ્ર હવામાન, દિવસે ગરમી, રાત્રે ઠંડીનો અહેસાસ
આ પણ વાંચો:ગુજરાતમાં ભરશિયાળે કમોસમી વરસાદની એન્ટ્રી, હવામાન વિભાગે જાહેર કર્યું યલો અલર્ટ, ખેડૂતોમાં ચિંતા વધી
આ પણ વાંચો:ગુજરાતમાં કાતિલ ઠંડીની એન્ટ્રી! હવામાન વિભાગે કરી બેવડી ઋતુની આગાહી
