Ahmedabad Weather Update Today: અમદાવાદમાં કાળઝાળ ગરમી વચ્ચે કુદરતે અચાનક પોતાનો મિજાજ બદલ્યો છે. આજે દિવસભરના ઉકળાટ બાદ મોડી સાંજે વાતાવરણમાં એકાએક પલટો આવ્યો હતો. જોરદાર પવન ફૂંકાવાને કારણે શહેરના અનેક વિસ્તારોમાં ધૂળની ડમરીઓ ઉડી હતી, જેના કારણે વાહનચાલકો અને રાહદારીઓ મુશ્કેલીમાં મુકાયા હતા. ભર ઉનાળે સર્જાયેલા આ દ્રશ્યોએ અમદાવાદીઓને ચોમાસાની યાદ અપાવી દીધી છે.

Ahmedabadમાં ધૂળની ડમરીઓ અને મિની વાવાઝોડું
સાંજના સમયે અચાનક આકાશમાં ધૂળનું સામ્રાજ્ય છવાઈ ગયું હતું. પશ્ચિમ અને પૂર્વ અમદાવાદના અનેક વિસ્તારોમાં તેજ પવન ફૂંકાતા જાણે ‘મિની વાવાઝોડું’ આવ્યું હોય તેવો અહેસાસ થયો હતો. એસ.જી. હાઈવે, સેટેલાઇટ, પ્રહલાદનગરથી લઈને મણીનગર અને બાપુનગર સુધી ધૂળની ડમરીઓને કારણે વિઝિબિલિટી ઓછી થઈ ગઈ હતી.

ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ
ગરમીથી ત્રસ્ત અમદાવાદીઓ માટે આ ઠંડો પવન રાહત લઈને આવ્યો છે. વાતાવરણમાં આવેલા આ પલટાને કારણે તાપમાનમાં ઘટાડો નોંધાયો છે અને વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. આકાશમાં કાળા ડિબાંગ વાદળો ઘેરાતા અને વીજળીના કડાકા-ભડાકા સાથે અનેક સ્થળોએ હળવા વરસાદી ઝાપટાંની પણ શક્યતા સેવાઈ રહી છે.
હવામાન વિભાગની આગાહી
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને લો-પ્રેશર સિસ્ટમને કારણે આ અચાનક પલટો આવ્યો છે. આગામી 24 કલાક દરમિયાન અમદાવાદ સહિત ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં કમોસમી વરસાદ (માવઠું) પડવાની આગાહી કરવામાં આવી છે.
આ પણ વાંચો:રાતોરાત બદલાશે હવામાન, રાજ્યના અનેક વિસ્તારો માટે IMDની ચેતવણી
આ પણ વાંચો:ગુજરાતમાં ઠંડી વધશે કે ગરમી? વેસ્ટર્ન ડિસ્ટર્બન્સથી ફરી બદલાશે હવામાન!
આ પણ વાંચો:દાહોદ સહિત અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ, ખેડૂતોની ચિંતા વધી, સરકાર પાસે સહાયની રજૂઆત
