Banaskantha Un Village Clash News: ભાભરના ઉણ ગામે રબારી અને ચૌધરી સમાજ વચ્ચે થયેલા હિંસક ઘર્ષણ બાદ સમગ્ર પંથકમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ છે. પથ્થરમારો, તોડફોડ અને પોલીસના લાઠીચાર્જ બાદ હવે ચૌધરી સમાજના વરિષ્ઠ આગેવાનો મેદાને આવ્યા છે અને આ ઘટનાની નિંદા કરી બંને પક્ષે શાંતિ જાળવવા વિનંતી કરી છે.
આગેવાન અણદા ચૌધરી અને પુરાભાઈ ચૌધરીનું નિવેદન
ચૌધરી સમાજના અગ્રણી અણદા ચૌધરીએ આ ઘટના અંગે ખેદ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, સમાજના સંમેલન દરમિયાન ઉકેલ માટે 11 દિવસનો સમય માંગવામાં આવ્યો હતો, પરંતુ ઉત્તેજિત યુવાનો માન્યા નહોતા અને આક્રોશમાં આવી આ ઘટના બની ગઈ. તેમણે ઉણ ગામની ઘટનાની કડક શબ્દોમાં નિંદા કરતા તમામ પક્ષોને શાંતિ જાળવી રાખવા માટે નમ્ર અપીલ કરી છે. વધુમાં તેમણે ખાતરી આપી છે કે આગામી સમયમાં ચૌધરી અને રબારી બંને સમાજના વડીલો એકસાથે બેઠક કરશે અને આ વિવાદનો કાયમી ઉકેલ લાવવા માટે ઠોસ નિર્ણય લેવામાં આવશે.
તેમજ પુરાભાઈ ચૌધરીએ પણ સ્વીકાર્યું હતું કે, યુવાનોના આક્રોશને કારણે સ્થિતિ કાબૂ બહાર ગઈ હતી. તેમણે પણ અત્યારે વાતાવરણ શાંત કરવા પર ભાર મૂક્યો છે.
Un Villageની અથડામણ બાદ કડક કાર્યવાહી
ઉણ ગામની આ હિંસક અથડામણ બાદ પોલીસે કડક કાર્યવાહી શરૂ કરી છે. પોલીસે પથ્થરમારો અને તોડફોડ કરનારા 800થી વધુ લોકોના ટોળા સામે ગુનો નોંધ્યો છે. આ ફરિયાદમાં ચૌધરી સમાજના અનેક જાણીતા આગેવાનોના નામ પણ સામેલ છે, જેના કારણે ધરપકડના ડરથી અનેક અગ્રણીઓ હાલ ભૂગર્ભમાં ઉતરી ગયા છે. આ ઉપરાંત, પોલીસે ગામમાં શાંતિ જાળવવા માટે સ્થાનિકો સાથે બેઠક કરી છે અને હુમલો કરનારા તત્વોને ઝડપી પાડવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
શાંતિ સમિતિની બેઠક પર નજર
તણાવ ઓછો કરવા માટે બંને સમાજના આગેવાનો ટૂંક સમયમાં ભેગા મળીને ચર્ચા કરશે તેવી શક્યતા છે. પોલીસ તંત્ર પણ સતત મોનિટરિંગ કરી રહ્યું છે જેથી ફરી કોઈ અનિચ્છનીય બનાવ ન બને.
આ પણ વાંચો: કિંજલ રબારીના લગ્ન વિવાદનો નવો વળાંક! સમાજના આગેવાનોની બેઠક બાદ ગાયિકા ઘરે પરત ફરી
આ પણ વાંચો: ગુજરાતમાં ફરી આંતરજ્ઞાતિય લગ્નને લઈને ચર્ચા: લોકગાયિકા કિંજલ રબારીએ કર્યા પ્રેમ લગ્ન, પોલીસ સુરક્ષા માગી
આ પણ વાંચો: બનાસકાંઠા રણમેદાનમાં ફેરવાયું! દીકરીને પરત લાવવા ચૌધરી સમાજનું મહાસંમેલન ઉગ્ર બન્યું, પોલીસ પર પથ્થરમારો
