INS Aridaman nuclear submarine: ભારતની દરિયાઈ શક્તિમાં આજે એક નવો અધ્યાય જોડાવા જઈ રહ્યો છે. શુક્રવારે સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ વિશાખાપટ્ટનમમાં અત્યાધુનિક યુદ્ધ જહાજ INS તારાગિરીને ભારતીય નૌસેનાના બેડામાં સામેલ કરશે. જોકે, આ કાર્યક્રમ પહેલા રાજનાથ સિંહના એક ટ્વીટથી પાડોશી દેશો ચીન અને પાકિસ્તાનમાં ફફડાટ મચી ગયો છે. સંરક્ષણ મંત્રીએ સ્વદેશી પરમાણુ સબમરીન અરિદમન વિશે પોસ્ટ કરતા લખ્યું – “શબ્દ નહીં શક્તિ છે અરિદમન.”
સમુદ્રમાં ભારતનું નવું બ્રહ્માસ્ત્ર (submarine)
અરિદમન એ ભારતની ત્રીજી સ્વદેશી પરમાણુ સંચાલિત બેલિસ્ટિક મિસાઇલ સબમરીન (SSBN) છે, જેની ખાસિયતો દુશ્મનોની ઊંઘ ઉડાડી દે તેવી છે. આ સબમરીન સમુદ્રના પેટાળમાંથી પરમાણુ હુમલો કરવાની ક્ષમતા ધરાવે છે. 90% સ્વદેશી એવી આ સબમરીનનું નિર્માણ વિશાખાપટ્ટનમ શિપ બિલ્ડિંગ સેન્ટરમાં થયું છે, જેમાં પરમાણુ રિએક્ટર સહિતની 90% ટેકનોલોજી સંપૂર્ણપણે ભારતીય છે. આ ઉપરાંત, તેની સેકન્ડ-સ્ટ્રાઈક ક્ષમતા પણ અત્યંત ઘાતક છે. ભારતની ‘નો-ફર્સ્ટ-યુઝ’ નીતિ હેઠળ, જો કોઈ દેશ ભારત પર પરમાણુ હુમલો કરે, તો અરિદમન સમુદ્રમાંથી વળતો પ્રહાર કરીને દુશ્મનને નેસ્તનાબૂદ કરી શકે છે.
નૌસેનાનું અદ્રશ્ય યોદ્ધા
આજે નૌસેનામાં સામેલ થનાર INS તારાગિરી પણ ઓછી શક્તિશાળી નથી. ‘પ્રોજેક્ટ 17A’ હેઠળ નિર્મિત આ ચોથું યુદ્ધ જહાજ છે, જેની ડિઝાઇન એવી રીતે તૈયાર કરવામાં આવી છે કે તે દુશ્મનના રડારમાં સરળતાથી ઝડપાતું નથી (Stealth Technology). ઘાતક હથિયારોની વાત કરીએ તો, તે સુપરસોનિક સરફેસ-ટુ-સરફેસ મિસાઇલો અને સબમરીન વિરોધી આધુનિક પ્રણાલીથી સજ્જ છે. આત્મનિર્ભર ભારત અભિયાન અંતર્ગત 6,670 ટનનું આ જહાજ 75% થી વધુ સ્વદેશી સામગ્રીથી બનેલું છે, જેમાં 200 થી વધુ ભારતીય MSME કંપનીઓનું યોગદાન રહેલું છે.
શા માટે ચીન-પાકિસ્તાન ટેન્શનમાં છે?
હિંદ મહાસાગરમાં ચીનની વધતી દખલગીરી વચ્ચે અરિદમન અને તારાગિરીની જોડી ભારતની પકડ મજબૂત કરશે. અરિહંત અને અરિઘાત બાદ હવે અરિદમન આવવાથી ભારત સમુદ્રમાં સતત વ્યૂહાત્મક દેખરેખ રાખી શકશે. રાજનાથ સિંહે જણાવ્યું કે, તારાગિરીનું આગમન ભારતના પૂર્વી દરિયાકાંઠાના સામરિક મહત્વને વધારે છે.
આ પણ વાંચો : પાકિસ્તાનમાં મોંઘવારીનો વિસ્ફોટ! પેટ્રોલ-ડીઝલના ભાવમાં એકસાથે ₹184 સુધીનો તોતિંગ વધારો
આ પણ વાંચો : ટ્રમ્પની નીતિઓથી અમેરિકા એકલું પડી રહ્યું છે? યુરોપમાં વધતો વિરોધ
આ પણ વાંચો : અમેરિકા,ઇઝરાયલે ઇરાનના ઇસ્ફહાનમાં બંકર-બસ્ટર બોમ્બ ફેંક્યા, ટ્રમ્પે શેર કર્યો વીડિયો
