Pakistan Petrol Diesel Price Hike: મિડલ ઇસ્ટમાં ચાલી રહેલા યુદ્ધના પડઘા હવે પાડોશી દેશ પાકિસ્તાનમાં સંભળાઈ રહ્યા છે. આર્થિક પાયમાલીના આરે ઉભેલા પાકિસ્તાનમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં એટલો મોટો વધારો થયો છે કે સામાન્ય જનતાની કમર તૂટી ગઈ છે. પાકિસ્તાન સરકારે ઇંધણના ભાવમાં ધરખમ વધારો ઝીંકતા હવે પેટ્રોલ ₹458 અને ડીઝલ ₹520 પ્રતિ લીટરના ઐતિહાસિક સ્તરે પહોંચી ગયું છે.
એકસાથે કેટલો વધારો થયો?
પાકિસ્તાની મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ઇંધણના ભાવમાં એકસાથે થયેલો આ વધારો અત્યાર સુધીનો સૌથી મોટો વધારો માનવામાં આવે છે. આ ભાવ વધારા અંતર્ગત પેટ્રોલના ભાવમાં પ્રતિ લીટર ₹137.24 નો તોતિંગ વધારો થતાં તેની નવી કિંમત ₹458 થઈ ગઈ છે, જ્યારે ડીઝલના ભાવમાં પ્રતિ લીટર ₹184.49 નો તોતિંગ વધારો ઝીંકવામાં આવતા તેની નવી કિંમત ₹520 પર પહોંચી ગઈ છે.

શા માટે વધ્યા ભાવ?
મિડલ ઇસ્ટમાં યુદ્ધની સ્થિતિને કારણે ક્રૂડ ઓઈલના પુરવઠા પર અસર પડી છે. પાકિસ્તાન પાસે વિદેશી મુદ્રા ભંડાર (Forex Reserve) ખૂબ ઓછો હોવાથી તેને મોંઘા ભાવે તેલ ખરીદવામાં ભારે મુશ્કેલી પડી રહી છે. અગાઉ 6 માર્ચે પણ પાકિસ્તાનમાં પેટ્રોલ ₹48 અને ડીઝલ ₹61 મોંઘું થયું હતું, પરંતુ આ વખતનો વધારો તમામ રેકોર્ડ તોડી રહ્યો છે.
મોંઘવારીમાં થશે અસહ્ય વધારો
ઇંધણના ભાવ વધતા જ પાકિસ્તાનમાં ટ્રાન્સપોર્ટેશન ખર્ચમાં મોટો ઉછાળો આવશે, જેની સીધી અસર શાકભાજી, દૂધ અને અનાજ જેવી જીવનજરૂરી ચીજવસ્તુઓ પર પડશે. પાકિસ્તાની જનતામાં આ નિર્ણયને લઈ ભારે રોષ જોવા મળી રહ્યો છે અને લોકો રસ્તા પર ઉતરે તેવી શક્યતા છે.
Pakistanની કથળતી આર્થિક સ્થિતિ
નિષ્ણાતોનું માનવું છે કે જો મિડલ ઇસ્ટમાં યુદ્ધ લાંબુ ચાલશે, તો પાકિસ્તાનમાં પેટ્રોલના ભાવ ₹600 સુધી પણ પહોંચી શકે છે. શ્રીલંકા જેવી સ્થિતિ પાકિસ્તાનમાં ન સર્જાય તે માટે સરકાર આકરા નિર્ણયો લઈ રહી છે, પરંતુ તેની કિંમત સામાન્ય નાગરિકો ચૂકવી રહ્યા છે.
આ પણ વાંચો :ઈરાન યુદ્ધનો 16 લાખ કરોડનો ખર્ચ આરબ દેશો ચૂકવશે? ટ્રમ્પના ‘ઓપરેશન એપિક ફ્યુરી’ થી દુનિયામાં મંદીનો ખતરો
આ પણ વાંચો : ટ્રમ્પની નીતિઓથી અમેરિકા એકલું પડી રહ્યું છે? યુરોપમાં વધતો વિરોધ
આ પણ વાંચો : અમેરિકા,ઇઝરાયલે ઇરાનના ઇસ્ફહાનમાં બંકર-બસ્ટર બોમ્બ ફેંક્યા, ટ્રમ્પે શેર કર્યો વીડિયો
