Gujarat Police Leaves Cancelled: ગુજરાતમાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને લઈને રાજકીય ગરમાવો તો છે જ, પરંતુ હવે વહીવટી તંત્ર અને પોલીસ વિભાગ પણ સંપૂર્ણ ‘એક્શન મોડ’ માં આવી ગયા છે. રાજ્યની 15 મહાનગરપાલિકાઓ તેમજ જિલ્લા અને તાલુકા પંચાયતોની ચૂંટણીઓ સંપૂર્ણ શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે માટે રાજ્યભરના સવા લાખ જેટલા પોલીસકર્મીઓની રજાઓ તાત્કાલિક અસરથી રદ કરી દેવામાં આવી છે.
11,000 બૂથ પર ખાસ નજર
રાજ્યમાં ચૂંટણી પ્રક્રિયા દરમિયાન કોઈપણ અનિચ્છનીય બનાવ ન બને તે માટે જડબેસલાક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. ચૂંટણી પંચ અને પોલીસ વિભાગના આંકડાઓ મુજબ રાજ્યમાં કુલ 48,591 મતદાન બૂથો ઊભા કરવામાં આવ્યા છે, જેમાંથી 11,000 જેટલા સંવેદનશીલ બૂથો પર ચાંપતી નજર રાખવામાં આવશે. આ સાથે જ 4.19 કરોડ મતદારો સુરક્ષિત રીતે મતદાન કરી શકે તે માટે 1.25 લાખ પોલીસ જવાનો, હોમગાર્ડ્સ, ટ્રાફિક બ્રિગેડ અને અર્ધલશ્કરી દળો (પેરામિલિટરી ફોર્સ) નો મોટો સુરક્ષા કાફલો તૈનાત કરવામાં આવ્યો છે.
અતિ સંવેદનશીલ વિસ્તારોમાં કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવા માટે ખાસ પેરામિલિટરી ફોર્સને તૈનાત કરવામાં આવશે.
Police વિભાગ માટે આખો મહિનો ‘સ્ટેન્ડ-ટુ’
ચૂંટણીની જાહેરાત થતાં જ પોલીસ વિભાગ માટે આકરી કસોટી શરૂ થઈ ગઈ છે. આખો એપ્રિલ મહિનો પોલીસ કાફલાએ 24 કલાક ‘સ્ટેન્ડ-ટુ’ (ખડેપગે) રહેવું પડશે. પોલીસની જવાબદારી માત્ર મતદાન મથકો પૂરતી સીમિત નથી; પરંતુ EVM મશીનોના સ્ટ્રોંગરૂમની સુરક્ષા અને ડિસ્પેચ-રીસીવીંગ સેન્ટરો પર પણ લોખંડી બંદોબસ્ત ગોઠવવાનું આયોજન કરાયું છે.
ફરજ પરના જવાનો પોસ્ટલ બેલેટથી કરશે મતદાન
પોલીસ જવાનો દિવસ-રાત ફરજ બજાવતા હોવાથી તેઓ પોતાના લોકશાહીના અધિકારથી વંચિત ન રહી જાય, તેની પણ વિશેષ તકેદારી ચૂંટણી પંચે રાખી છે. બંદોબસ્તમાં રોકાયેલા તમામ જવાનો ‘પોસ્ટલ બેલેટ’ (ટપાલ મતપત્ર) દ્વારા મતદાન કરી શકે તે માટેની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે અને હાલમાં તેમની વિગતો એકત્રિત કરવામાં આવી રહી છે.
વૈશ્વિક અને સ્થાનિક તણાવ વચ્ચે, ગુજરાતના 4.19 કરોડ મતદારો નિર્ભયપણે અને શાંતિપૂર્ણ રીતે મતદાન કરી શકે તે માટે ગુજરાત પોલીસ કટિબદ્ધ છે.
આ પણ વાંચો:અમદાવાદમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને ભાજપમાં શરૂ થઈ સેન્સ મેળવવાની પ્રક્રિયા
આ પણ વાંચો:ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની જાહેરાતઃ 26 એપ્રિલે મતદાન, 28એ મતગણતરી
આ પણ વાંચો:સુરતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે ભાજપે શરૂ કરી સેન્સ પ્રક્રિયા
