Mathura News : શુક્રવારે બપોરે મથુરાના વૃંદાવનમાં યમુના(Yamuna) નદીમાં એક દુર્ઘટના સર્જાઈ હતી, જેમાં અંદાજે 30 પ્રવાસીઓને લઈ જતું સ્ટીમર પલટી ગયું. આ ઘટનામાં અત્યાર સુધીમાં 6 લોકોના મોતની પુષ્ટિ કરવામાં આવી છે, જ્યારે 10 થી વધુ લોકો હજુ લાપતા હોવાનું કહેવાય છે.

જિલ્લા મેજિસ્ટ્રેટ ચંદ્ર પ્રકાશ સિંહના જણાવ્યા મુજબ, તમામ પ્રવાસીઓ પંજાબમાંથી ફરવા આવ્યા હતા. અકસ્માતની જાણ થતાં જ પોલીસ અને વહીવટી તંત્ર તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયું અને બચાવ કામગીરી શરૂ કરી દીધી હતી. અત્યાર સુધીમાં 16 થી 17 લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા છે.
બચાવ કામગીરી માટે SDRF અને NDRFની ટીમોને પણ તાત્કાલિક બોલાવવામાં આવી છે. ડાઇવર્સ યમુના નદીના ઊંડા પાણીમાં લાપતા લોકોને શોધવાનો પ્રયત્ન કરી રહ્યા છે.

ઘટનાસ્થળે મોટી સંખ્યામાં લોકો ભેગા થઈ જતાં બચાવ કામગીરીમાં થોડો વિઘ્ન ઉભો થયો હતો. અધિકારીઓએ લોકોને શાંતિ જાળવવા અને બચાવ ટીમોને સહકાર આપવા અપીલ કરી છે. હાલ પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે અને લાપતા લોકોની શોધ ચાલુ છે.
