Asha Bhosle Passed Away: ભારતીય સંગીત જગત અને કરોડો ચાહકો માટે એક અત્યંત દુઃખદ અને આઘાતજનક સમાચાર સામે આવ્યા છે. પોતાના જાદુઈ અવાજથી આઠ દાયકા સુધી લોકોના દિલો પર રાજ કરનાર સુપ્રસિદ્ધ અને દિગ્ગજ ગાયિકા આશા ભોંસલે (Asha Bhosle) નું 92 વર્ષની વયે નિધન થયું છે. તેમણે મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં પોતાના અંતિમ શ્વાસ લીધા હતા. આ સમાચાર સામે આવતા જ બોલિવૂડ, રાજકારણ અને સંગીત જગતમાં શોકની લહેર ફરી વળી છે.
ગઈકાલે હાર્ટ એટેક આવતા કરાયા હતા દાખલ
પ્રાપ્ત વિગતો અનુસાર, આશા ભોંસલેને ગઈકાલે (શનિવારે) શ્વાસ લેવામાં તકલીફ અને હાર્ટ એટેક (Cardiac Arrest) ની ફરિયાદ બાદ તાત્કાલિક મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં (Breach Candy Hospital) દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં તેઓને ICU માં સઘન નિરીક્ષણ હેઠળ રાખવામાં આવ્યા હતા. તબીબોની વિશેષ ટીમ દ્વારા તેમને બચાવવાના તમામ પ્રયાસો કરવામાં આવ્યા, પરંતુ આજે તેમની પ્રાણજ્યોત માલવાઈ ગઈ છે.

આવતીકાલે સાંજે 4 વાગ્યે થશે અંતિમ સંસ્કાર
પ્રાપ્ત માહિતી મુજબ, આશા ભોંસલેના અંતિમ સંસ્કાર આવતીકાલે (સોમવારે) સાંજે 4 વાગ્યે મુંબઈ ખાતે કરવામાં આવશે.આશાજીના નિધનથી મંગેશકર અને ભોંસલે પરિવાર પર આભ તૂટી પડ્યું છે.
ભારતીય સંગીતના એક સુવર્ણ યુગનો અંત
આશા ભોંસલેનું વિદાય લેવું એ ભારતીય સિનેમા અને સંગીત ઉદ્યોગ માટે ક્યારેય ન પૂરી શકાય તેવી ખોટ છે. તેમણે પોતાના કરિયરમાં 20 થી વધુ ભાષાઓમાં 12,000 થી વધુ ગીતો ગાયા છે. રોમેન્ટિક ગીતોથી લઈને કેબરે, ગઝલ અને ભજનો સુધી, દરેક શૈલીમાં તેમનો અવાજ અજોડ અને ચિરતરુણ રહ્યો. લતા મંગેશકરના નિધન બાદ હવે આશાજીના નિધનથી ભારતીય સંગીતના એક સૌથી મધુર અને સુવર્ણ યુગનો સંપૂર્ણ અંત આવ્યો છે.
આ પણ વાંચો: બંગાળી અભિનેતા રાહુલ બેનર્જીનું શૂટિંગ દરમિયાન દરિયામાં ડૂબી જવાથી મોત, મનોરંજન જગત સ્તબ્ધ
આ પણ વાંચો: સમય રૈનાએ મૌન તોડ્યું! કેમ ડિલીટ કરવા પડ્યા ‘India’s Got Latent’ ના એપિસોડ?
