Ahmedabad News/ સેશન્સ કોર્ટે આપી હતી ફાંસી, પણ પ્રેમિકા કોર્ટમાં ફરી જતા હાઈકોર્ટે આરોપી પ્રેમીને કર્યો નિર્દોષ જાહેર

Ahmedabadના સાસુ અને પતિના ડબલ મર્ડર કેસમાં હાઈકોર્ટનો મોટો ચુકાદો. સેશન્સ કોર્ટે ‘રેરેસ્ટ ઓફ રેર’ ગણી ફટકારેલી ફાંસીની સજા રદ. પ્રેમિકા કોર્ટમાં ફરી જતા અને પોલીસ પુરાવા ન એકઠા કરી શકતા આરોપી પ્રેમી નિર્દોષ જાહેર.

Gujarat Top Stories Ahmedabad
Ahmedabad Double Murder Case

Ahmedabad Double Murder Case: અનૈતિક સંબંધો ઘણીવાર ભયાનક ગુનાઓને જન્મ આપે છે, પરંતુ જ્યારે કાયદાની કસોટી પર પુરાવાઓ નબળા પડે છે, ત્યારે કેસમાં કેવા મોટા વળાંક આવે છે તેનું આ એક મોટું ઉદાહરણ છે. અમદાવાદના એક ચકચારી સાસુ અને પતિના ડબલ મર્ડર કેસમાં ગુજરાત હાઈકોર્ટે એક અત્યંત મહત્વનો ચુકાદો આપ્યો છે. સેશન્સ કોર્ટે જે આરોપીને ‘પશુ તુલ્ય કૃત્ય’ ગણીને ફાંસીની સજા ફટકારી હતી, તેને પુરાવાના અભાવે હાઈકોર્ટે નિર્દોષ છોડી મુક્યો છે. આ કેસમાં સૌથી મોટો ખેલ ખુદ આરોપીની પ્રેમિકાએ જ કર્યો હતો!

Ahmedabad : કોર્ટમાં પ્રેમીને ઓળખવાનો જ કરી દીધો ઈનકાર

આ કેસની સૌથી આશ્ચર્યજનક બાબત એ રહી કે, જે પ્રેમિકાને પામવા માટે આરોપીએ કથિત રીતે આ ડબલ મર્ડરને અંજામ આપ્યો હતો, તે જ પ્રેમિકાએ કોર્ટમાં પોતાના પ્રેમીને ઓળખવાનો સાફ ઇનકાર કરી દીધો હતો.

આ ઉપરાંત, સેશન્સ કોર્ટે અગાઉ નોંધ્યું હતું કે, જ્યારે પત્નીને પોતાના જ પતિ અને સાસુની નિર્મમ હત્યાની જાણ થઈ, છતાં તે મહારાષ્ટ્રથી અમદાવાદ પરત ન આવી. કોર્ટના મતે, પત્નીનું આ વર્તન માત્ર પોતાની જાતને બચાવવા તરફનો સ્પષ્ટ નિર્દેશ કરી રહ્યું હતું.

‘અનૈતિક સંબંધોએ 2 નિર્દોષના જીવ લીધા’

જ્યારે ગુનો બન્યો ત્યારે આરોપીની ઉંમર 33 વર્ષ હતી અને જ્યારે સેશન્સ કોર્ટે તેને સજા સંભળાવી ત્યારે તે 40 વર્ષનો થઈ ચૂક્યો હતો. નીચલી કોર્ટે (સેશન્સ કોર્ટ) આરોપીને IPC ની કલમ 302 મુજબ કસૂરવાર ઠેરવીને દેહાંત દંડ (ફાંસી) ની સજા ફટકારી હતી.

કોર્ટે આકરા શબ્દોમાં નોંધ્યું હતું કે, “આ એક અત્યંત ઘાતકી અને પશુ તુલ્ય કૃત્ય છે. અનૈતિક સંબંધોએ બે નિર્દોષ વ્યક્તિઓના જીવ લઈ લીધા છે. આ કેસ ‘રેરેસ્ટ ઓફ રેર’ (Rarest of Rare) ની કેટેગરીમાં આવે છે. જો આવા આરોપીને ફાંસી નહીં અપાય તો સમાજમાં આવા ગુનાઓ વધશે અને ગુનેગારોમાં કાયદાનો ડર રહેશે નહીં.”

પોલીસની તપાસ પર ઉઠ્યા સવાલ

કાયદા મુજબ, સેશન્સ કોર્ટ દ્વારા અપાયેલી ફાંસીની સજાના અમલ માટે હાઇકોર્ટની બહાલી (મંજૂરી) જરૂરી હોય છે. પરંતુ જ્યારે આ કેસ હાઈકોર્ટમાં પહોંચ્યો, ત્યારે તપાસની મોટી ખામીઓ સામે આવી. પોલીસ આરોપીના કોલ ડેટા રેકોર્ડ (CDR) પણ મેળવી શકી ન હતી, જે કેસની કડી જોડવા માટે સૌથી મહત્વના હતા.

પુરાવાઓના અભાવ અને સાક્ષીઓ (ખાસ કરીને પ્રેમિકા) ના ફરી જવાના કારણે હાઇકોર્ટે સેશન્સ કોર્ટની ફાંસીની સજાને બહાલી આપવાનો ઇનકાર કરી દીધો. આખરે, શંકાનો લાભ આપીને હાઈકોર્ટે ડબલ મર્ડરના આ આરોપીને નિર્દોષ જાહેર કરી મુક્ત કરવાનો આદેશ આપ્યો છે.


આ પણ વાંચો :માનવ અધિકાર આયોગ ખાનગી સિવિલ વિવાદો ઉકેલવાનું મંચ નથી: ગુજરાત હાઈકોર્ટ

આ પણ વાંચો :માલિકની મંજૂરી વગર બાંધકામ કરનાર ભાડુઆતને મિલકત ખાલી કરવી પડશે: ગુજરાત હાઈકોર્ટ

આ પણ વાંચો :જીવલેણ દોરી સામે ગુજરાત હાઈકોર્ટનો સખ્ત વલણ: ચાઈનીઝ દોરી-તુક્કલ હવે નહીં ચાલે!