Ahemadabad/ રથયાત્રા માટે અભૂતપૂર્વ 30 હજાર જવાનોનું સુરક્ષા કવચ : AI ફેશિયલ રેકગ્નિશન અને વોઈસ બોટ સાથે રહેશે ચુસ્ત બંદોબસ્ત

અમદાવાદની 149મી જગન્નાથ રથયાત્રા માટે 30 હજાર પોલીસ જવાનો, AI ફેશિયલ રેકગ્નિશન, AI વોઈસ બોટ, ડાર્ક વેબ મોનિટરિંગ સહિતની હાઈટેક સુરક્ષા વ્યવસ્થા ગોઠવાઈ છે. ગૃહમંત્રી હર્ષ સંઘવીએ સમગ્ર સુરક્ષા આયોજનની મિડીયા સમક્ષ માહિતી આપી છે.

Gujarat Ahmedabad Top Stories Breaking News
Rath Yatra

Ahemdabad News: અમદાવાદમાં અષાઢી બીજના પાવન અવસરે યોજાનારી ભગવાન જગન્નાથજીની 149મી રથયાત્રાને લઈને રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર દ્વારા વ્યાપક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ રથયાત્રા પૂર્વે સુરક્ષા તૈયારીઓની સમીક્ષા કર્યા બાદ જણાવ્યું હતું કે, આ વખતે 30 હજારથી વધુ પોલીસ જવાનો, AI ટેક્નોલોજી, ડાર્ક વેબ મોનિટરિંગ અને AI વોઈસ બોટ જેવી આધુનિક વ્યવસ્થાઓ સાથે રથયાત્રા શાંતિપૂર્ણ અને સુરક્ષિત રીતે યોજાશે.

30 હજાર જવાનો રથયાત્રાની સુરક્ષા (Rath Yatra) માટે તૈનાત 

ભગવાન જગન્નાથજીની 149મી રથયાત્રાની સુરક્ષાને લઈ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી (Harsh Sanghavi)એ જણાવ્યું હતું કે ભગવાન જગન્નાથજીની 149મી રથયાત્રા દરમિયાન અંદાજે 2.5 કિલોમીટર લાંબા રૂટ પર 30 હજાર જેટલા પોલીસ જવાનો, SRP, RAF સહિતના સુરક્ષા દળો અને ઉચ્ચ પોલીસ અધિકારીઓ તૈનાત રહેશે. સમગ્ર રૂટ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

પ્રથમ વખત AI ટેક્નોલોજીનો ઉપયોગ

આ વર્ષે રથયાત્રામાં પ્રથમ વખત આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) આધારિત ફેશિયલ રેકગ્નિશન ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવશે. ભીડભાડ દરમિયાન સક્રિય થઈ શકે તેવા આશરે 65 હજાર હિસ્ટ્રીશીટરો અને પિકપોકેટરોની ઝડપી ઓળખ માટે આ સિસ્ટમ કાર્યરત રહેશે.

સોશિયલ મીડિયા અને ડાર્ક વેબ પર પણ નજર

નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું કે માત્ર મેદાનમાં જ નહીં, પરંતુ સોશિયલ મીડિયા અને ડાર્ક વેબ પર પણ સાયબર ક્રાઇમ ટીમ સતત નજર રાખશે. કોઈ અફવા ફેલાવવાનો પ્રયાસ કે કાયદો-વ્યવસ્થાને અસર પહોંચાડે તેવી પ્રવૃત્તિ સામે તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવશે.

યાત્રાળુઓ માટે AI વોઈસ બોટ

ભાવિકોની સુવિધા માટે ખાસ AI વોઈસ બોટ તૈયાર કરવામાં આવ્યો છે, જેના માધ્યમથી યાત્રાળુઓને જરૂરી માહિતી અને મદદ સરળતાથી મળી શકશે. ઉપરાંત, લોકોને જર્જરિત ઇમારતો, ધાબા અને છત પર ઊભા ન રહેવાની અપીલ પણ કરવામાં આવી છે.

ગજરાજ માટે પણ વિશેષ વ્યવસ્થા

રથયાત્રામાં પરંપરાગત રીતે જોડાનારા ગજરાજોની સુરક્ષા, આરોગ્ય અને સુખાકારીને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે વિશેષ વ્યવસ્થા ગોઠવી છે. હાથીઓની સતત દેખરેખ માટે અનુભવી પશુચિકિત્સકો, વન્યજીવ નિષ્ણાતો અને વન વિભાગની વિશેષ ટીમો તૈનાત રહેશે. યાત્રા દરમિયાન હાથીઓની તબિયતમાં કોઈ ફેરફાર જણાય તો તાત્કાલિક સારવાર મળી રહે તે માટે જરૂરી દવાઓ, તબીબી સાધનો અને ઈમરજન્સી વ્યવસ્થા પણ ઉપલબ્ધ રાખવામાં આવશે. ઉપરાંત, હાથીઓને ભીડ, ગરમી અથવા અન્ય કોઈ કારણસર તકલીફ ન પડે તે માટે સમગ્ર રૂટ પર તેમની સતત મોનિટરિંગ કરવામાં આવશે.

અમિત શાહ અને ભૂપેન્દ્ર પટેલ રહેશે હાજર

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ (Amit Shah)મંગળવારે વહેલી સવારે ભગવાન જગન્નાથજીની મંગળા આરતીમાં હાજરી આપશે. ત્યારબાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પરંપરાગત પહિંદ વિધિ પૂર્ણ કરીને સવારે 7 વાગ્યે રથયાત્રાને પ્રસ્થાન કરાવશે.

ATSના ઓપરેશન અંગે પણ કરી ટિપ્પણી

રથયાત્રા પૂર્વે સિદ્ધપુરમાંથી પૂછપરછ માટે ડિટેન કરાયેલા પાંચ શકમંદો અંગે મીડિયા દ્વારા પૂછાયેલા પ્રશ્નના જવાબમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે ગુજરાત ATS અને DGPના માર્ગદર્શન હેઠળ સુરક્ષા એજન્સીઓએ સફળ ઓપરેશન પાર પાડ્યું છે. તેમણે આ કામગીરી માટે સમગ્ર ATS ટીમને અભિનંદન પાઠવ્યા હતા. સાથે જ તેમણે સ્પષ્ટ કર્યું હતું કે તપાસ હજુ પ્રાથમિક તબક્કામાં હોવાથી સમગ્ર મામલે વિગતવાર અને સત્તાવાર માહિતી યોગ્ય સમયે ATS દ્વારા જાહેર કરવામાં આવશે.


આ પણ વાંચો: અમદાવાદમાં રથયાત્રા પૂર્વે મુસ્લિમ સમાજે અર્પણ કર્યો એકતા રથ, ભાઈચારાનો આપ્યો સંદેશ

આ પણ વાંચો:અમદાવાદ રથયાત્રા 2026: CM ભૂપેન્દ્ર પટેલે સુરક્ષા તૈયારીઓની સમીક્ષા કરી

આ પણ વાંચો:હર્ષ સંઘવીએ રથયાત્રા પૂર્વે સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરી