Gujarat Weather:રાજ્યમાં ગરમીનો પારો ઝડપથી વધી રહ્યો છે અને કેટલાક વિસ્તારોમાં હીટવેવ જેવી સ્થિતિ જોવા મળી રહી છે, ત્યારે હવામાન વિભાગે (IMD) ખેડૂતોની ચિંતા વધારી દીધી છે.વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે આગામી 19 એપ્રિલથી 21 એપ્રિલ દરમિયાન ગુજરાતના વિવિધ ભાગોમાં કમોસમી વરસાદ (Unseasonal Rain) અને ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ પડવાની શક્યતા છે.હાલમાં રાજ્યમાં મોટા ભાગે સૂકું અને ગરમ વાતાવરણ જોવા મળી રહ્યું છે.

તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસની આસપાસ અને કેટલાક વિસ્તારોમાં તેનાથી વધુ પણ નોંધાઈ રહ્યું છે. તેની વચ્ચે આ વરસાદી સિસ્ટમ સક્રિય થતાં વાતાવરણમાં મોટો પલટો આવવાની આગાહી છે. આ સિસ્ટમ મુખ્યત્વે મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર વિસ્તારને અસર કરશે.અરવલ્લી વિસ્તારમાં મહીસાગર, દાહોદ, છોટા ઉદેપુર તેમજ સૌરાષ્ટ્રના અમરેલી અને ભાવનગર જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદ (Unseasonal Rain) અથવા વરસાદ સાથે ગાજવીજની શક્યતા છે.

સૌરાષ્ટ્રના અમરેલી અને ભાવનગરમાં વરસાદી માહોલ યથાવત રહી શકે છે. દક્ષિણ ગુજરાતના તાપી અને ડાંગ જિલ્લામાં પણ હળવાથી મધ્યમ વરસાદ (Unseasonal Rain) સાથે ગાજવીજ પડવાની આગાહી છે.અમરેલી અને ભાવનગર ઉપરાંત ભરૂચ અને સુરત જિલ્લામાં કમોસમી વરસાદની શક્યતા છે. રાજ્યના અન્ય વિસ્તારોમાં મોટા ભાગે વાદળછાયું અથવા સૂકું વાતાવરણ રહેવાની સંભાવના છે.વરસાદ સાથે તોફાની પવન અને ગાજવીજની પણ આગાહી છે, જેનાથી વાતાવરણમાં અસ્થિરતા જોવા મળી શકે છે. વરસાદ પછી તાપમાનમાં ૨થી ૩ ડિગ્રીનો ઘટાડો થઈ શકે છે, જે ગરમીથી કેટલીક રાહત આપી શકે છે.
