Unseasonal Rain Gujarat: એપ્રિલ મહિનામાં જાણે કુદરત બેવડી ઋતુનો ખેલ ખેલી રહી હોય તેમ લાગી રહ્યું છે. એક તરફ ગુજરાતના મોટાભાગના શહેરોમાં પારો 40 ડિગ્રીને પાર પહોંચતા લોકો કાળઝાળ ગરમી અને અસહ્ય ઉકળાટથી તોબા પોકારી ઉઠ્યા છે, ત્યારે બીજી તરફ હવામાન વિભાગે ફરી એકવાર રાજ્યમાં કમોસમી વરસાદની (Unseasonal Rain) આગાહી કરીને ખેડૂતોના જીવ અધ્ધર કરી દીધા છે. 18મી એપ્રિલ સુધી ભારે ડિસકમ્ફર્ટ કન્ડિશન રહ્યા બાદ રાજ્યના કેટલાક જિલ્લાઓમાં ગાજવીજ સાથે માવઠું પડવાની શક્યતા છે.
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતા બદલાશે વાતાવરણ
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, હાલમાં પાકિસ્તાન અને રાજસ્થાનની આસપાસ એક ‘અપર એર સર્ક્યુલેશન’ સક્રિય થયું છે. આ સાથે જ 15મી એપ્રિલની રાતથી પશ્ચિમ હિમાલયના પ્રદેશોમાં એક નવું ‘વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ’ પણ સક્રિય થવા જઈ રહ્યું છે. આ સિસ્ટમોની અસર હેઠળ ગુજરાતના વાતાવરણમાં પલટો આવશે અને ગરમીની વચ્ચે વરસાદી માહોલ સર્જાશે.

19 અને 20 એપ્રિલે અહીં પડશે વરસાદ
હવામાન વિભાગે ગાજવીજ અને તેજ પવનો સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે:
19મી એપ્રિલ: સૌરાષ્ટ્રના અમરેલી અને ભાવનગર તેમજ ઉત્તર ગુજરાતના સાબરકાંઠા, અરવલ્લી, દાહોદ અને મહીસાગર જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ વરસાદ પડી શકે છે.
20મી એપ્રિલ: સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં માવઠાની શક્યતા યથાવત રહેશે. ખાસ કરીને સાબરકાંઠા અને મહીસાગર પંથકમાં વરસાદી છાંટા પડવાની સંભાવના છે.
ભારે ઉકળાટ અને અસ્વસ્થતા નો અનુભવ થશે
વરસાદી આગાહી છતાં આગામી સાત દિવસ દરમિયાન તાપમાનમાં કોઈ મોટો ઘટાડો જોવા મળશે નહીં. સૌરાષ્ટ્ર-કચ્છમાં પારો 40 ડિગ્રીની ઉપર જ રહેશે. દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમ અને ભેજવાળા પવનોને કારણે 18મી એપ્રિલ સુધી લોકોએ પરસેવે રેબઝેબ થવું પડશે અને ભારે અસ્વસ્થતા અનુભવવી પડશે.
ખેડૂતો અને માર્કેટ યાર્ડ માટે એલર્ટ
ઉનાળાના પાક જેવા કે ઉનાળુ બાજરી, મગ અને તલના પાક માટે આ કમોસમી વરસાદ નુકસાનકારક સાબિત થઈ શકે છે. ઉપરાંત, માર્કેટ યાર્ડમાં ખુલ્લામાં પડેલી જણસીઓને બચાવવા માટે પણ વેપારીઓ અને ખેડૂતોએ સતર્ક રહેવું પડશે. હવામાનમાં આવતા આ વારંવારના પલટાને કારણે ડબલ સીઝન જેવો અનુભવ થતા રોગચાળો ફેલાવાની પણ ભીતિ સેવાઈ રહી છે.
