Ahmedabad News: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં (AMC) કાર્યક્ષમતા અને શિસ્ત અંગે છેલ્લા કેટલાક સમયથી ઉઠતા સવાલોને ધ્યાનમાં રાખીને હવે કડક પગલાં લેવાની તૈયારી શરૂ થઈ ગઈ છે. રાજ્ય સરકાર દ્વારા અમલમાં મૂકાયેલા “ઓપરેશન ગંગાજળ” (Operation Gangajal)ના ધોરણે હવે મ્યુનિસિપલ તંત્રમાં પણ બિનકાર્યક્ષમ અને શંકાસ્પદ વર્તન ધરાવતા કર્મચારીઓ સામે કાર્યવાહી હાથ ધરાશે.
કામચોરી અને ભ્રષ્ટાચાર સામે કડક વલણ
સરકારી નોકરી (Government job)ને સામાન્ય રીતે સ્થિર અને સુરક્ષિત માનવામાં આવે છે, પરંતુ આ સુરક્ષાને ઢાલ બનાવી કેટલાક કર્મચારીઓ દ્વારા કામચોરી અને પદનો દુરુપયોગ થતો હોવાના આક્ષેપો સમયાંતરે સામે આવતા રહ્યા છે. અમદાવાદ મ્યુનિ. (AMC)માં પણ આવી ફરિયાદો વધતા તંત્ર હવે એક્શનમાં આવ્યું છે. ખાસ કરીને કાર્યક્ષમતા ઘટતી હોવાના મુદ્દે અનેક વિભાગોમાં આંતરિક ચર્ચાઓ ચાલી રહી હતી, જેના પગલે હવે વ્યવસ્થિત સમીક્ષા પ્રક્રિયા અમલમાં મુકવામાં આવી રહી છે.
50 થી 55 વર્ષની વયના કર્મચારીઓ પર ફોકસ
નવા પ્રસ્તાવ મુજબ, મ્યુનિ.માં વર્ગ 1 થી 4 સુધીના કર્મચારીઓ અને અધિકારીઓની કામગીરીનું મૂલ્યાંકન કરવામાં આવશે. ખાસ કરીને 50 થી 55 વર્ષની વય વચ્ચેના કર્મચારીઓની કામગીરી, વર્તણૂક અને શિસ્તનો વિગતવાર અભ્યાસ કરાશે. જો કોઈ કર્મચારી સતત બિનકાર્યક્ષમ, બેદરકાર અથવા ભ્રષ્ટાચાર સાથે જોડાયેલ જણાશે તો તેને અપરિપક્વ નિવૃત્તિ (Premature Retirement) આપવામાં આવી શકે છે.
10 વર્ષના રેકોર્ડ આધારિત નિર્ણય
દરેક કર્મચારીની સમીક્ષા માટે છેલ્લા 10 વર્ષના ખાનગી અહેવાલો (Confidential Reports), ચાલુ ખાતાકીય તપાસ, અગાઉ લેવાયેલા શિસ્તભંગના પગલાં, પ્રામાણિકતા તેમજ શારીરિક અને માનસિક ક્ષમતાને ધ્યાનમાં લેવામાં આવશે. સંબંધિત વિભાગના વડા દ્વારા તૈયાર કરાયેલ આ અહેવાલ “અપરિપક્વ નિવૃત્તિ સેલ”ને મોકલવામાં આવશે, જ્યાં વિશેષ સમિતિ દ્વારા અંતિમ નિર્ણય લેવામાં આવશે.
નિમણૂકની ઉંમર પ્રમાણે અલગ માપદંડ
જેઓની પ્રથમ નિમણૂક 35 વર્ષની ઉંમર પછી થઈ હોય, તેમની સમીક્ષા 55 વર્ષની ઉંમરે કરવામાં આવશે. જ્યારે અન્ય તમામ કર્મચારીઓ માટે આ પ્રક્રિયા 50 વર્ષની વય બાદ શરૂ થઈ શકે છે. નોંધનીય છે કે, જેમની નિવૃત્તિમાં માત્ર એક વર્ષનો સમય બાકી હશે, તેમને આ પ્રક્રિયામાંથી મુક્ત રાખવામાં આવશે.
પારદર્શિતા અને જવાબદારી તરફ પગલું
આ સમગ્ર પ્રક્રિયાનો મુખ્ય ઉદ્દેશ મ્યુનિસિપલ (AMC) તંત્રમાં પારદર્શિતા વધારવાનો અને જવાબદારી નિર્ધારિત કરવાનો છે. કાર્યક્ષમ અને પ્રામાણિક કર્મચારીઓને પ્રોત્સાહન મળે અને બિનકાર્યક્ષમ તત્વોને બહાર કરવાનો પ્રયાસ છે. આ નિર્ણયથી મ્યુનિસિપલ (AMC) તંત્રમાં કાર્યક્ષમતા વધવાની સાથે સામાન્ય નાગરિકોને મળતી સેવાઓમાં પણ સુધારો થવાની અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે.
આ પણ વાંચો:અમદાવાદનો નવો મેયર કોણ? AMCમાં સત્તાના ટોચના પદ માટે દોડ તેજ
આ પણ વાંચો:અમદાવાદ AMC માં ભાજપનો દબદબો, 11 વોર્ડમાં આખી પેનલનો વિજય
આ પણ વાંચો:અમદાવાદ AMC ચૂંટણી: ‘પાકિસ્તાન એન્ટ્રી’ નિવેદનથી વિવાદ, ભૂષણ ભટ્ટ બોલ્યા-ખાડિયા અખંડ રહેશે
