Ahmedabad News: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામોએ અમદાવાદની રાજનીતિમાં ફરી એકવાર સ્પષ્ટ સંદેશ આપ્યો છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) પર ભાજપે સતત પાંચમી ટર્મ માટે પોતાનો દબદબો જાળવી રાખ્યો છે. કુલ 192 બેઠકોમાંથી આશરે 160 બેઠકો જીતતા ભાજપે પ્રચંડ બહુમતી સાથે સત્તા કબજે કરી છે. ગત ટર્મની સરખામણીએ ભાજપે પોતાની સ્થિતિ વધુ મજબૂત બનાવી છે, જ્યારે કોંગ્રેસે થોડો વધારો નોંધાવ્યો હોવા છતાં સત્તાથી દૂર રહી છે. આ પરિણામો બાદ હવે સૌથી મોટો સવાલ એ છે કે શહેરના મહત્વના હોદ્દાઓ પર કોણ બેસશે.
જીત પછી હવે AMC હોદ્દા માટે લોબિંગ તેજ
ચૂંટણી જીત્યા બાદ હવે સત્તાના કેન્દ્રસ્થાન એવા હોદ્દાઓ માટે દોડધામ શરૂ થઈ ગઈ છે. મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન, શાસક પક્ષના નેતા અને દંડક સહિતના પદો માટે આંતરિક લોબિંગ તેજ બન્યું છે.
પાર્ટીના ચૂંટાયેલા પ્રતિનિધિઓએ પોતાના રાજકીય સંપર્કો સક્રિય કર્યા છે અને સંગઠનના વરિષ્ઠ નેતાઓ સુધી પહોંચવાની કોશિશો શરૂ કરી દીધી છે. શહેરના રાજકીય વર્તુળોમાં હાલ સૌથી વધુ ચર્ચા મેયર અને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનના નામોને લઈને ચાલી રહી છે.

મેયર પદ માટે કોણ આગળ?
આ ટર્મના પ્રથમ અઢી વર્ષ માટે મેયર પદ ઓબીસી પુરુષ વર્ગ માટે અનામત છે. આ સમીકરણને ધ્યાનમાં રાખીને કેટલાક નામો મોખરે આવી રહ્યા છે.
હિતેશ બારોટ, ધરમશી દેસાઈ આ બન્ને નેતાઓનો અનુભવ મજબૂત છે, પરંતુ તેઓને અગાઉ મહત્વના હોદ્દા મળ્યા હોવાથી આ વખતે પાર્ટી નવી પસંદગી કરે તેવી સંભાવનાઓ પણ ચર્ચાઈ રહી છે.
આ વચ્ચે જશુ ઠાકોર ‘ડાર્ક હોર્સ’ તરીકે ઉભરી રહ્યા છે. તેઓ સંગઠન સાથે નજીકથી જોડાયેલા છે અને તેમની પસંદગી રાજકીય રીતે મોટો સંદેશ આપી શકે છે.
સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન માટે સ્પર્ધા
સ્ટેન્ડિંગ કમિટી એ AMCનું સૌથી મહત્વનું નિર્ણયકારક અંગ માનવામાં આવે છે. આ પદ માટે પણ કેટલીક મજબૂત દાવેદારી સામે આવી રહી છે. દેવાંગ દાણી,જૈનિક વકીલ,જો દેવાંગ દાણી આ પદે રિપીટ ન થાય, તો તેમને શાસક પક્ષના નેતા તરીકે નવી જવાબદારી મળી શકે છે તેવી ચર્ચા છે.
ડેપ્યુટી મેયર માટે મહિલા ચહેરા ચર્ચામાં ડેપ્યુટી મેયરનું પદ મહિલા માટે અનામત હોવાથી અહીં પણ રસપ્રદ સ્પર્ધા જોવા મળી રહી છે.
ડૉ. ચાંદની પટેલ, જયમીન દવે આ નામો હાલમાં ચર્ચામાં છે અને પાર્ટી અંતિમ નિર્ણય લે ત્યારે અનેક રાજકીય અને સામાજિક પરિબળો મહત્વના બનશે.
રાજકીય સમીકરણો બનશે નિર્ણાયક
લગભગ 20 હજાર કરોડના વાર્ષિક બજેટ ધરાવતા એએમસીના વહીવટ માટે યોગ્ય નેતૃત્વ પસંદ કરવું પાર્ટી માટે મોટો પડકાર રહેશે. શહેરના વિવિધ વિસ્તારો, સામાજિક સમીકરણો અને આગામી વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને નિર્ણય લેવામાં આવશે. હવે નજર પ્રદેશ ભાજપની બેઠકો પર છે, જ્યાં ટૂંક સમયમાં તમામ હોદ્દેદારોના નામોને અંતિમ સ્વરૂપ આપવામાં આવશે. અમદાવાદના નવા મેયર તરીકે કોણ પસંદ થાય છે તે જાણવા રાજકીય વર્તુળોમાં ઉત્સુકતા વધી રહી છે.
આ પણ વાંચો:‘સૂકો-ભીનો કચરો અલગ આપો’ નહીં તો 10 દિવસ બાદ કચરો ઉપાડવાનું બંધ થશે, AMCનો કડક આદેશ
આ પણ વાંચો:અમદાવાદ AMC ચૂંટણી: ‘પાકિસ્તાન એન્ટ્રી’ નિવેદનથી વિવાદ, ભૂષણ ભટ્ટ બોલ્યા-ખાડિયા અખંડ રહેશે
