Amreli News: ગુજરાત સરકાર એક તરફ એશિયાટિક સિંહોના સંવર્ધન અને સુરક્ષા માટે કરોડો રૂપિયાનું બજેટ ફાળવી રહી છે, ત્યારે બીજી તરફ અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના બાબરકોટ દરિયાઈ પટ્ટી વિસ્તારમાં સિંહો (Save Lion)ના અસ્તિત્વ સામે ખતરો ઉભો થયો હોવાના આક્ષેપો થઈ રહ્યા છે.
બાબરકોટ નજીક આવેલી લગભગ 75 હેક્ટર રિઝર્વ ફોરેસ્ટ જમીન ખાનગી કંપનીને માઇનિંગ માટે સોંપવાની ચર્ચાએ પર્યાવરણપ્રેમીઓ, સિંહપ્રેમીઓ અને સ્થાનિકોમાં ભારે રોષ ફેલાવ્યો છે. વર્ષોથી સિંહોના કાયમી નિવાસસ્થાન તરીકે ઓળખાતી આ જમીન અંગે વન વિભાગની અંદર ચાલી રહેલી હિલચાલ હવે વિવાદનું કેન્દ્ર બની છે.

Save Lion: શું છે સમગ્ર મામલો?
ધારી ગીર પૂર્વ ડિવિઝન હેઠળ આવતી બાબરકોટની અનામત જંગલ જમીન પર એક ખાનગી કંપની છેલ્લા ઘણા વર્ષોથી નજર ગાડીને બેઠી હોવાનું કહેવાય છે. 2016થી અત્યાર સુધી અનેક વન અધિકારીઓએ સિંહો (Save Lion)ના હિતને ધ્યાનમાં રાખીને આ પ્રોજેક્ટને મંજૂરી આપી નહોતી. જોકે, તાજેતરમાં વન વિભાગના ઉચ્ચ અધિકારીઓ દ્વારા આ પ્રોજેક્ટ માટે હકારાત્મક અભિપ્રાય આપવામાં આવ્યો હોવાની ચર્ચાએ મામલો ગરમાવ્યો છે. સ્થાનિક સ્તરે એવો દાવો થઈ રહ્યો છે કે ટૂંક સમયમાં જ આ જમીન માઇનિંગ માટે સોંપી દેવામાં આવી શકે છે.
50થી વધુ સિંહોનું રહેઠાણ
વન વિભાગના આંકડાઓ મુજબ બાબરકોટ અને આસપાસનો વિસ્તાર સિંહોની અવરજવર માટે અત્યંત મહત્વનો માનવામાં આવે છે. છેલ્લા અવલોકન મુજબ આ વિસ્તારમાં 50થી વધુ સિંહો (Save Lion) વિચરણ કરી રહ્યા છે. આ વિસ્તાર ‘રાજુલા-બાબરકોટ કોસ્ટલ હાઈવે કોરિડોર’ તરીકે ઓળખાય છે, જે સિંહોના કુદરતી માર્ગ તરીકે નોંધાયેલો છે. જો અહીં માઇનિંગ શરૂ થશે તો સિંહોના રહેઠાણ, અવરજવર અને પર્યાવરણને ભારે નુકસાન થવાની ભીતિ વ્યક્ત થઈ રહી છે.

હજારો વૃક્ષો કપાવાની ભીતિ
પર્યાવરણપ્રેમીઓના મતે માઇનિંગને મંજૂરી મળશે તો અંદાજે 5500 જેટલા વૃક્ષોનું નિકંદન નીકળી શકે છે. સાથે જ દરિયાઈ પટ્ટી વિસ્તારમાં ખેતીલાયક જમીનમાં ખારાશ વધવાની પણ શક્યતા વ્યક્ત થઈ રહી છે.સિંહપ્રેમીઓનું કહેવું છે કે જો આ વિસ્તાર નષ્ટ થશે તો સિંહ અને માનવ વચ્ચેના ઘર્ષણમાં પણ વધારો થઈ શકે છે.
સ્થાનિકોમાં ઉગ્ર વિરોધ
બાબરકોટ ગામના સ્થાનિક આગેવાનો અને સરપંચ પ્રતિનિધિઓએ આ મુદ્દે રાજ્ય સરકાર સમક્ષ વિરોધ નોંધાવ્યો છે. તેમનું કહેવું છે કે વિસ્તારમાં મોટી સંખ્યામાં સિંહો રહે છે અને આ જમીન કંપનીને સોંપવાથી પર્યાવરણ તથા ગામડાં બંને માટે જોખમ ઉભું થશે.સ્થાનિકોએ મુખ્યમંત્રી સમક્ષ રજૂઆત કરી છે કે સિંહોના હિતને ધ્યાનમાં રાખીને આ જમીન માઇનિંગ માટે ન સોંપવામાં આવે.

સરકાર સામે ઉઠ્યા સવાલો
એક તરફ ‘Save Lion’ના નારા અને બીજી તરફ સિંહોના રહેઠાણ વિસ્તારમાં માઇનિંગની ચર્ચા,આ મામલે સરકારની નીતિ સામે અનેક સવાલો ઉઠી રહ્યા છે. જોકે, રાજ્યના મંત્રી અર્જૂન મોઢવાડિયાએ સ્પષ્ટતા કરી છે કે સરકાર પાસે આવો કોઈ સત્તાવાર પ્રસ્તાવ આવ્યો નથી અને રિઝર્વ ફોરેસ્ટમાં માઇનિંગને મંજૂરી આપવામાં નહીં આવે. હવે જોવાનું રહેશે કે સરકાર સિંહોના હિતમાં કડક નિર્ણય લે છે કે વિકાસના નામે ઉદ્યોગોને પ્રાધાન્ય આપે છે.
આ પણ વાંચો:કેસર કેરીની વાડીમાં સિંહ પરિવાર બન્યો ચોકીદાર
આ પણ વાંચો:ગીરમાં ‘ખૌફનાક’ દ્રશ્યો! સિંહે શિકાર છોડી માસૂમ બાળકી પાછળ દોટ મૂકી, ગામમાં ચીસાચીસ
આ પણ વાંચો:જંગલના રાજા સિંહને નજીકથી જોવા છે? આ 5 નેશનલ પાર્ક છે વન્યજીવ પ્રેમીઓની પહેલી પસંદ
