IPL 2026/ RCB ના હેડ કોચને અમ્પાયર સાથેની ‘દાદાગીરી’ પડી ભારે, ગુસ્સે ભરાયેલા BCCI એ ફટકાર્યો આકરો દંડ

IPL 2026 માં RCB vs MI મેચમાં અમ્પાયર સાથે ઉગ્ર બોલાચાલી કરવા બદલ BCCI એ રોયલ ચેલેન્જર્સ બેંગલુરુના હેડ કોચ એન્ડી ફ્લાવર પર 15% મેચ ફીનો દંડ ફટકાર્યો છે.

Top Stories Sports
RCB vs MI IPL 2026

RCB vs MI IPL 2026: રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) એ 10 મે 2026 ના રોજ રમાયેલી રોમાંચક મેચમાં મુંબઈ ઈન્ડિયન્સ (MI) ને હરાવીને ભલે પોઈન્ટ ટેબલમાં ટોચનું સ્થાન મેળવી લીધું હોય, પરંતુ આ મેચ RCB ના હેડ કોચ માટે મુશ્કેલી લઈને આવી છે. મેચ દરમિયાન RCB ના હેડ કોચ એન્ડી ફ્લાવરે એવી એક મોટી ભૂલ કરી બેઠી, જેના કારણે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ તેમના વિરુદ્ધ લાલ આંખ કરી છે અને કડક એક્શન લીધા છે.

અમ્પાયર સાથે કરી હતી ઉગ્ર બોલાચાલી

મેચની બીજી ઇનિંગ્સમાં 18મી ઓવર દરમિયાન મેદાન પર ભારે હાઈવોલ્ટેજ ડ્રામા જોવા મળ્યો હતો. મુંબઈના ફિલ્ડર નમન ધીરે બાઉન્ડ્રી લાઇન પર શાનદાર ફિલ્ડિંગ કરીને બોલને અંદર ફેંક્યો હતો અને બાઉન્ડ્રી બચાવી હતી. અમ્પાયરે રિપ્લે ચેક કરીને RCB ને બાઉન્ડ્રી (ચોગ્ગો) આપવાનો ઇનકાર કર્યો હતો.

આ નિર્ણયથી નારાજ થઈને RCB ના હેડ કોચ એન્ડી ફ્લાવર અને બેટિંગ કોચ દિનેશ કાર્તિક સીધા ચોથા અમ્પાયર પાસે પહોંચી ગયા હતા અને તેમની સાથે ઉગ્ર દલીલો કરવા લાગ્યા હતા. અમ્પાયર સાથે ગેરવર્તન કરતી આ ઘટના કેમેરામાં પણ કેદ થઈ ગઈ હતી.

BCCI એ એન્ડી ફ્લાવર સામે લીધા આકરા પગલાં

મેદાન પર અમ્પાયરના નિર્ણયનો વિરોધ કરવા બદલ BCCIએ મીડિયા એડવાઈઝરી જારી કરીને આકરા પગલાં લીધા છે, જેમાં BCCI ના જણાવ્યા અનુસાર, એન્ડી ફ્લાવરે IPL કોડ ઓફ કન્ડક્ટ (આચારસંહિતા) ના આર્ટિકલ 2.3 નું ઉલ્લંઘન કર્યું છે, જે મેચ દરમિયાન ખોટી ભાષા, અપશબ્દો કે આક્રમક ઈશારાઓના ઉપયોગ સાથે સંબંધિત છે. આ વર્તન બદલ મેચ રેફરી અમિત શર્માએ RCB ના હેડ કોચ એન્ડી ફ્લાવર પર તેમની મેચ ફી ના 15% રકમનો દંડ ફટકાર્યો છે. જોકે, આ વિવાદમાં સામેલ દિનેશ કાર્તિક સામે BCCI એ કોઈ એક્શન લીધા નથી અને એન્ડી ફ્લાવરે પોતાની ભૂલનો સ્વીકાર કરી લીધો હોવાથી આ મામલે આગળ કોઈ સુનાવણી થશે નહીં.

છેલ્લા બોલ સુધી રમાઈ હતી રોમાંચક મેચ

મુંબઈ ઈન્ડિયન્સે પ્રથમ બેટિંગ કરતા RCB ને જીતવા માટે 167 રનનો ટાર્ગેટ આપ્યો હતો. લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી RCB ની ટીમ શરૂઆતમાં સંઘર્ષ કરતી જોવા મળી હતી. આ શ્વાસ થંભાવી દેનારો મુકાબલો છેક છેલ્લા બોલ સુધી ગયો હતો, જેમાં RCB એ 2 વિકેટે શાનદાર જીત નોંધાવી હતી. આ હાર સાથે જ હાર્દિક પંડ્યાની આગેવાની વાળી મુંબઈ ઈન્ડિયન્સ પ્લેઓફની રેસમાંથી સત્તાવાર રીતે બહાર થઈ ગઈ છે, જ્યારે બેંગલુરુની ટીમ પોઈન્ટ ટેબલમાં નંબર 1 પર આવી ગઈ છે.


આ પણ વાંચો : રાજસ્થાન રોયલ્સના માલિક બદલાયા, IPL ઈતિહાસની બીજી સૌથી મોટી ડીલ, જાણો કોણ છે નવા માલિક?

આ પણ વાંચો : આ સીઝન અમારી નથી’ – હાર્દિક પંડ્યાએ તોડ્યું મૌન, મુંબઈ ઈન્ડિયન્સની હાર પાછળના 5 મોટા કારણો

આ પણ વાંચો : રાજસ્થાન રોયલ્સમાં ફરી વિવાદ, અનુશાસન મામલે ઉઠ્યા પ્રશ્નો