Ahmedabad News/ અમદાવાદમાં દારૂબંધીના લીરેલીરા! જશોદાનગર રોડ પર વહી ‘દેશી દારૂ’ની નદી

Ahmedabadના જશોદાનગર-હાથીજણ રોડ પર બુટલેગરની ટ્રકમાંથી હજારો લીટર દેશી દારૂ રોડ પર ઢોળાતા દારૂબંધીના લીરેલીરા ઉડ્યા છે. હાઈવે પર તીવ્ર દુર્ગંધ ફેલાતા વાહનચાલકો પરેશાન.

Top Stories Ahmedabad Gujarat
Ahmedabad Desi Daru Spilled Truck

Ahmedabad Desi Daru Spilled Truck : ગુજરાતમાં કાગળ પર અમલી દારૂબંધીના ધજાગરા ઉડાવતી એક ચોંકાવનારી ઘટના સ્માર્ટ સિટી અમદાવાદમાંથી સામે આવી છે. શહેરના વ્યસ્ત ગણાતા જશોદાનગરથી હાથીજણ જવાના મુખ્ય માર્ગ પર હજારો લીટર દેશી દારૂની રેલમછેલ જોવા મળી છે. એક બુટલેગરની ટ્રકમાંથી દારૂનો જથ્થો બારોબાર રસ્તા પર ખાબકતાં અમદાવાદમાં ચાલતા ગેરકાયદેસર દારૂના નેટવર્કની પોલ ખુલ્લેઆમ ચૌટે ચડી છે.

રસ્તા પર પથરાઈ ગઈ દારૂની પોટલીઓ

પ્રાપ્ત વિગતો અનુસાર, જશોદાનગર-હાથીજણ રોડ પરથી એક શંકાસ્પદ ટ્રક પૂરપાટ ઝડપે પસાર થઈ રહી હતી. આ દરમિયાન અકસ્માતે કે કોઈ ગફલતના કારણે ટ્રકમાંથી દેશી દારૂનો જથ્થો અચાનક નીચે રોડ પર ખાબક્યો હતો.

બપોરના સમયે ટ્રાફિક અને સામાન્ય નાગરિકોની ભારે અવરજવર વચ્ચે જ રોડ પર દારૂની હજારો પોટલીઓ ફાટી ગઈ હતી અને ડામરના રોડ પર દારૂની નદીઓ વહેવા લાગી હતી. સ્માર્ટ સિટીના હાઈવે પર આ પ્રકારના દ્રશ્યો જોઈને ત્યાંથી પસાર થતા વાહનચાલકો અને રાહદારીઓ પણ એક ક્ષણ માટે સ્તબ્ધ થઈ ગયા હતા.

Ahmedabad : સમગ્ર હાઈવે પર ફેલાઈ તીવ્ર દુર્ગંધ

હજારો લીટર દેશી દારૂ રસ્તા પર ઢોળાઈ જવાને કારણે થોડી જ મિનિટોમાં સમગ્ર જશોદાનગર-હાથીજણ હાઈવે પર અસહ્ય અને તીવ્ર દુર્ગંધ ફેલાઈ ગઈ હતી. દારૂની આ ભયંકર વાસના કારણે ત્યાંથી પસાર થતા બાઇક સવારો અને અન્ય વાહનચાલકો તોબા પોકારી ઉઠ્યા હતા અને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. આ અજીબોગરીબ ઘટનાને પગલે રસ્તા પર લોકોના ટોળેટોળા એકઠા થઈ ગયા હતા.

કાયદો અને વ્યવસ્થા સામે મોટા સવાલો

મુખ્ય માર્ગ પર આ પ્રકારે દેશી દારૂનો જથ્થો ઢોળાવવાની ઘટનાએ અમદાવાદ પોલીસની કામગીરી અને કાયદો-વ્યવસ્થાની સ્થિતિ સામે ગંભીર સવાલો ઊભા કર્યા છે. ચર્ચા છે કે આટલી મોટી માત્રામાં દારૂ ભરેલી ટ્રક પોલીસની નજર બહાર કેવી રીતે પસાર થઈ રહી હતી?


આ પણ વાંચો : અમદાવાદમાં મંદિર પરિસરમાં અસામાજિક તત્વોનો અડ્ડો?દારૂ ગાંજાની મહેફિલ

આ પણ વાંચો : અમદાવાદમાં હાઇપ્રોફાઇલ દારૂ પાર્ટી પર પોલીસનો દરોડો, 4 યુવતી સહિત 21 ઝડપાયા

આ પણ વાંચો : અમદાવાદના SP રિંગ રોડ પર SMCનો સપાટો. 1.20 કરોડનો દારૂ પકડાયો