Breaking News: રાજકોટમાં ચાંદીના મોટા જથ્થાને લઈને અનેક તપાસ એજન્સીઓ સક્રિય બની ગઈ છે. હિરાસર ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ગુપ્ત ઇનપુટના આધારે હાથ ધરાયેલા ઓપરેશન દરમિયાન મોટી માત્રામાં ચાંદીનો જથ્થો ઝડપાતા વેપારી વર્તુળોમાં ખળભળાટ મચી ગયો છે.
મળતી માહિતી મુજબ, વારાણસીથી વાયા મુંબઈ થઈ રાજકોટ પહોંચેલા ચાંદીના જથ્થાની તપાસ દરમિયાન 150 કિલોથી વધુ ચાંદી મળી આવી હોવાનું સામે આવ્યું છે. આ જથ્થો કોણે મંગાવ્યો અને તેના પાછળનો હેતુ શું હતો તે અંગે સેન્ટ્રલ એજન્સીઓ દ્વારા ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
GST અને DRI એક્શનમાં
આ મામલે ત્રણ જેટલા વેપારીઓની પૂછપરછ શરૂ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. બીજી તરફ, અમદાવાદથી રાજકોટ જતી બસમાંથી પણ સ્ટેટ GST દ્વારા આશરે 100 કિલો ચાંદીનો જથ્થો ઝડપાયો છે. પ્રાથમિક તપાસમાં આ જથ્થાના મોટા ભાગ માટે પૂરતા દસ્તાવેજો અથવા બિલ ઉપલબ્ધ ન હોવાનું સામે આવ્યું છે.હવે તપાસ એ દિશામાં આગળ વધી રહી છે કે એરપોર્ટ પર ઝડપાયેલા ચાંદીના જથ્થા અને બસમાંથી મળેલી ચાંદી વચ્ચે કોઈ સંબંધ છે કે નહીં. સમગ્ર મામલે DRI, CGST, સ્ટેટ GST અને અન્ય સેન્ટ્રલ એજન્સીઓ પણ જોડાઈ છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, આ મામલે ટેક્સ ચોરી અથવા ગેરરીતિથી કિંમતી ધાતુના વ્યવહારો થવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. રાજકોટના સામાકાંઠા વિસ્તારમાં આવેલી ચાંદી બજારમાં પણ આ કાર્યવાહી બાદ ભારે ચિંતા અને ફફડાટનો માહોલ જોવા મળી રહ્યો છે.તપાસ દરમિયાન બિલિંગ, ટ્રાન્સપોર્ટેશન અને વ્યવહારોની વિગતો ચકાસવામાં આવી રહી છે. અધિકારીઓ હવે અગાઉ પણ આવા વ્યવહારો થયા હતા કે નહીં અને તેમાં કોઈ ગેરરીતિ હતી કે નહીં તે દિશામાં તપાસ કરી રહ્યા છે.
આ ઘટનાને કારણે સોના-ચાંદીના વેપાર સાથે જોડાયેલા વર્તુળોમાં ચર્ચાઓ તેજ બની ગઈ છે. બીજી તરફ, કેન્દ્ર સરકારે તાજેતરમાં ચાંદીની કેટલીક કેટેગરીની આયાત પર નિયંત્રણો કડક કર્યા હોવાથી સમગ્ર મામલો વધુ ચર્ચામાં આવ્યો છે.
આ પણ વાંચો:સુરત ઝવેરી બજારમાં ₹600 કરોડનો બિન હિસાબી વેપાર, ₹18 કરોડની GST ચોરી, DGGIનો મોટો દરોડો
આ પણ વાંચો:ભાવનગરમાં પરફ્યુમના શોરૂમ પર CGSTની કાર્યવાહી
આ પણ વાંચો:અમદાવાદની ધારા ફાર્મા ગ્રુપ સામે ₹20.68 કરોડની GST કરચોરી, 11 સંસ્થાઓની સંડોવણી, 2ની ધરપકડ
