Saint and King Inspirational Story: પ્રાચીન સમયની આ એક પ્રેરણાદાયક લોકકથા છે, જે સમજાવે છે કે સાચો વૈરાગ્ય અને મનની શાંતિ કોઈ ચોક્કસ સ્થાન પર આધારિત નથી, પરંતુ વ્યક્તિની આંતરિક સ્થિતિ પર નિર્ભર છે. એક સંત(Saint) અને રાજાના પ્રસંગ દ્વારા સમજાવવામાં આવ્યું છે કે કેવી રીતે મહેલની ભૌતિક સુખ-સુવિધાઓ વચ્ચે પણ વ્યક્તિ સંયમિત અને અનાસક્ત રહી શકે છે.
રાજાનો સંતને પ્રશ્ન
એક વખત એક સંત(Saint) ફરતા ફરતા એક રાજ્યમાં પહોંચ્યા. રાજાએ તેમનો આદર સત્કાર કર્યો અને મહેલમાં પોતાના જેવી જ તમામ સુખ-સુવિધાઓ પૂરી પાડી. સંતે પણ કોઈ વિરોધ વિના તે વ્યવસ્થા સ્વીકારી લીધી અને શાંતિથી રહેવા લાગ્યા. થોડા દિવસો પછી રાજાએ સંતને કહ્યું કે, “ગુરુદેવ, પહેલા તમે જંગલમાં સાદું જીવન જીવતા હતા, પણ હવે તો તમે મહેલના શાહી સુખ ભોગવી રહ્યા છો, એટલે હવે આપણે બંને સમાન થઈ ગયા છીએ.” સંત માત્ર હસ્યા પરંતુ તે સમયે તેમણે કોઈ જવાબ ન આપ્યો.
જંગલમાં જવાની શરત
બીજા દિવસે સંતે રાજાને કહ્યું કે ચાલો આપણે બંને જંગલમાં જઈએ અને થોડા દિવસ ત્યાં રહીને સાધના કરીએ. રાજા માની ગયા અને બંને ગાઢ જંગલમાં પહોંચ્યા. ત્યાં પહોંચીને સંતે કહ્યું કે હવે આપણે બંને સમાન સ્થિતિમાં છીએ, તો અહીં જ રોકાઈએ અને ધ્યાન કરીએ. આ સાંભળીને રાજા ગભરાઈ ગયા અને બોલ્યા કે, “ગુરુદેવ, હું જંગલમાં ન રહી શકું, મારું રાજ્ય અને વ્યવસ્થા બગડી જશે.” રાજા તરત જ પાછા મહેલમાં ફરવાની જીદ કરવા લાગ્યા.
Saint નો અદભુત બોધપાઠ
ત્યારે સંતે(Saint) રાજાને શાંતિથી સમજાવ્યું કે વ્યક્તિનું સ્તર તેની બાહ્ય સ્થિતિથી નહીં, પણ આંતરિક સ્થિતિથી નક્કી થાય છે. રાજાનું મન સુખ-સુવિધાઓ અને મોહમાં બંધાયેલું હતું, તેથી તે જંગલમાં રહી શકતા ન હતા. જ્યારે સંતનું મન આ બધાથી મુક્ત હતું, તેથી તેઓ મહેલમાં પણ ભક્તિ કરી શકતા હતા અને જંગલમાં પણ. સંતે સ્પષ્ટ કર્યું કે જો કોઈ જંગલમાં રહીને પણ લોભ અને મોહમાં ડૂબેલો રહે તો તેનું તપ વ્યર્થ છે, અને જો કોઈ ગૃહસ્થ રહીને પણ મોહ-માયાથી દૂર રહે તો તે જ સાચો યોગી છે.
આ પ્રેરક પ્રસંગની મુખ્ય શીખ
વ્યક્તિની સફળતા કે નિષ્ફળતા બાહ્ય વાતાવરણ પર નહીં, પરંતુ મનની શાંત સ્થિતિ પર આધાર રાખે છે.
અતિશય સુખ-સુવિધાઓ પ્રત્યેનો લગાવ વ્યક્તિને નબળો પાડે છે. મન બંધાયેલું હોય તો યોગ્ય નિર્ણય લઈ શકાતો નથી.
રાજા જંગલમાં અસ્વસ્થ હતા, જ્યારે સંત બધે સમાન રહી શકતા હતા. જીવનમાં બદલાવ બાહ્ય નહીં, પરંતુ આંતરિક વિચારસરણીથી આવે છે.
ગૃહસ્થ જીવનમાં પણ જો વ્યક્તિ મોહ-માયા, ક્રોધ અને લોભથી દૂર રહે, તો તે સાધુ સમાન આધ્યાત્મિક અને સફળ જીવન જીવી શકે છે.
આ પણ વાંચો: માતા કેમ મહાન છે? સ્વામી વિવેકાનંદે પથ્થરના ઉદાહરણ દ્વારા સમજાવ્યો અનોખો મહિમા
આ પણ વાંચો: જીવનની સમસ્યાઓથી કંટાળી ગયા છો? સંત અને યુવકની આ વાર્તા તમને નવો માર્ગ બતાવશે
આ પણ વાંચો: જ્યારે મન અશાંત હોય ત્યારે વાંચો શેઠ અને ગરીબ વૃદ્ધની આ વાર્તા, મળશે સાચી માનસિક શાંતિ


