New Delhi News : ગુરુવારે એર ઇન્ડિયાની દિલ્હીથી બેંગલુરુ જઈ રહેલી ફ્લાઇટ AI2651 લેન્ડિંગ દરમિયાન અકસ્માત (Accident)નો શિકાર બની હતી. લેન્ડિંગ સમયે વિમાનનો પાછળનો ભાગ રનવેને સ્પર્શી ગયો હતો, જેને એવિએશન ભાષામાં ‘ટેલ સ્ટ્રાઈક’ કહેવામાં આવે છે. ઘટનાના ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે, જેમાં વિમાનના નીચેના ભાગ પર સ્ક્રેચ જોવા મળી રહ્યા છે.
તમામ મુસાફરો અને ક્રૂ સભ્યો સુરક્ષિત
અકસ્માત (Accident)ની આ ઘટનામાં કોઈ મુસાફર કે ક્રૂ સભ્યને ઈજા પહોંચી હોવાના અહેવાલ નથી. ફ્લાઇટને સુરક્ષિત રીતે ઉતારવામાં આવી હતી અને તમામ યાત્રીઓને સલામત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા. ઘટનાના કારણે મુસાફરોમાં થોડીવાર ગભરાટ ફેલાયો હતો.
પાયલટે ‘ગો-અરાઉન્ડ’ પ્રક્રિયા અપનાવી
સૂત્રો અનુસાર પાયલટને લેન્ડિંગ દરમિયાન સમસ્યાનો અંદાજ આવી ગયો હતો. જેના કારણે તેણે નિયમો મુજબ ‘ગો-અરાઉન્ડ’ પ્રક્રિયા અપનાવી હતી. આ પ્રક્રિયામાં પાયલટ વિમાનને ફરી હવામાં લઈ જઈને સ્થિતિ સામાન્ય થયા બાદ ફરી લેન્ડિંગ કરવાનો પ્રયાસ કરે છે.
DGCAને જાણ, વિમાન તપાસ માટે ગ્રાઉન્ડ
ઘટના બાદ એર ઇન્ડિયાએ વિમાનને તપાસ માટે ગ્રાઉન્ડ કરી દીધું છે. એરલાઇન તેમજ એરપોર્ટ અધિકારીઓએ સુરક્ષા તપાસ શરૂ કરી છે. નાગરિક ઉડ્ડયન નિયામક DGCAને પણ ઘટનાની માહિતી આપવામાં આવી છે.
પરત ફ્લાઇટ AI2652 રદ
અકસ્માત (Accident)ની આ ઘટનાના પગલે બેંગલુરુથી દિલ્હી જતી એર ઇન્ડિયાની પરત ફ્લાઇટ AI2652 રદ કરવામાં આવી છે. એરલાઇને પ્રભાવિત મુસાફરો માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવાની ખાતરી આપી છે. બેંગલુરુ એરપોર્ટ પર ગ્રાઉન્ડ સ્ટાફ મુસાફરોને સહાયતા આપી રહ્યો છે.
