US Bangladesh Port Deal: બંગાળની ખાડી અને હિંદ મહાસાગર ક્ષેત્રમાં એક બહુ મોટી ભૌગોલિક-વ્યૂહાત્મક (Geo-political) હલચલ સામે આવી છે. બાંગ્લાદેશે(Bangladesh) અમેરિકાને તેના બે અત્યંત મહત્વપૂર્ણ બંદરોનો ઉપયોગ કરવાની સત્તાવાર મંજૂરી આપવાનો ઐતિહાસિક નિર્ણય કર્યો છે. આ સાથે જ બંને દેશો વચ્ચે સૈન્ય સ્તરે ગુપ્ત માહિતી શેર કરવા અંગે પણ એક મોટો કરાર થયો છે. સંરક્ષણ નિષ્ણાતોના મતે, આ કરારો પછી દક્ષિણ એશિયા અને બંગાળની ખાડી ક્ષેત્રમાં અમેરિકાની સૈન્ય ઉપસ્થિતિ અને પ્રભાવમાં અભૂતપૂર્વ વધારો થશે, જેની સીધી અસર ચીન પર પડશે.
Bangladesh અને અમેરિકા વચ્ચે થયા 3 મોટા કરારો
અમેરિકા અને બાંગ્લાદેશ(Bangladesh ) વચ્ચે સંરક્ષણ અને દરિયાઈ સુરક્ષાને મજબૂત કરવા માટે મુખ્યત્વે 3 મોટા કરારો પર સહમતિ બની છે:
આ કરાર હેઠળ અમેરિકી નૌકાદળ (US Navy) અને સૈન્ય જહાજોને બાંગ્લાદેશના ચિટગાંવ (Chittagong) અને મતારવાડી (Matarbari) બંદરો સુધી સીધી પહોંચ મળશે. અમેરિકાના યુદ્ધ જહાજો અહીં સરળતાથી અવર-જવર કરી શકશે. ભૌગોલિક દ્રષ્ટિએ ચિટગાંવ બંદર ભારતનાં આંદામાન-નિકોબાર ક્ષેત્રથી માત્ર 1100 કિમી દૂર છે.
બંને દેશો હવેથી સૈન્ય અને આંતરરાષ્ટ્રીય સુરક્ષા સંબંધિત અતિ સંવેદનશીલ ગુપ્ત માહિતીઓ એકબીજા સાથે શેર કરશે. દરિયાઈ ક્ષેત્રમાં થતી તમામ શંકાસ્પદ હિલચાલ પર બંને દેશો સાથે મળીને નજર રાખશે.
બંગાળની ખાડી(Bangladesh ) અને વૈશ્વિક વેપારના મુખ્ય કેન્દ્ર ગણાતા ‘મલક્કા સ્ટ્રેટ’ (Strait of Malacca) ક્ષેત્રમાં અમેરિકાની સૈન્ય હાજરી વધારવા, મેરિટાઇમ મોનિટરિંગ અને વ્યૂહાત્મક ભાગીદારીને મજબૂત કરવા પર બંને દેશો સહમત થયા છે.
અમેરિકાની ખાસ નજર ‘મલક્કા સ્ટ્રેટ’ પર કેમ છે?
મલક્કા સ્ટ્રેટને આખી દુનિયાના દરિયાઈ વેપારની ‘લાઇફલાઇન’ માનવામાં આવે છે. દુનિયાનો અંદાજે 60% દરિયાઈ વેપાર, જેમાં કાચું તેલ, ગેસ, ઈલેક્ટ્રોનિક્સ અને ભારે મશીનરી સામેલ છે, તે આ જ સાંકડા દરિયાઈ માર્ગેથી પસાર થાય છે. આ વિસ્તારમાં પોતાની સૈન્ય પકડ મજબૂત કરીને અમેરિકા સીધું જ ચીનની દરિયાઈ હિલચાલ પર ચોકસાઈથી નજર રાખવા માંગે છે.
ચીન માટે કેમ આ સૌથી મોટી નબળાઈ છે?
મલક્કા સ્ટ્રેટ ચીન માટે સૌથી મોટી વ્યૂહાત્મક નબળાઈ (Strategic Vulnerability) ગણાય છે. ચીનની અર્થવ્યવસ્થા માટે જરૂરી એવા કુલ તેલની આશરે 80% આયાત આ જ માર્ગેથી થાય છે. ચીન લાંબા સમયથી આ રૂટ પરની પોતાની નિર્ભરતાને એક મોટો ખતરો માને છે, જેને પૂર્વ ચીની રાષ્ટ્રપતિ હુ જિન્તાઓએ ‘મલક્કા ડિલેમા’ (Malacca Dilemma) નામ આપ્યું હતું. આ જ કારણ છે કે ચીને તાજેતરમાં આ વિસ્તારની આસપાસ દરિયાઈ મેપિંગ અને મોનિટરિંગ પ્રવૃત્તિઓ ખૂબ વધારી દીધી છે.
ભારત માટે શું છે મલક્કાનું મહત્વ?
ભારત માટે પણ મલક્કા સ્ટ્રેટ અત્યંત મહત્વપૂર્ણ છે, કારણ કે ભારતનો લગભગ 55% વેપાર આ જ માર્ગેથી અને સિંગાપોર ક્ષેત્રમાંથી પસાર થાય છે. ભારતની ભૌગોલિક સ્થિતિ આ વિસ્તારમાં તેને કુદરતી વ્યૂહાત્મક લાભ આપે છે. ભારતનું આંદામાન અને નિકોબાર ટાપુ સમૂહ આ સ્ટ્રેટના પશ્ચિમી મુખ પર જ આવેલું છે, જ્યાં પોર્ટ બ્લેરથી માત્ર 24 કલાકમાં પહોંચી શકાય છે. આ ઉપરાંત કેમ્પબેલ બે માં આવેલું ભારતનું ‘INS બાઝ’ (INS Baaz) એર સ્ટેશન આ સમગ્ર વિસ્તારની કડક દેખરેખ રાખવામાં અને દરિયાઈ ટ્રાફિક પર નજર રાખવામાં અત્યંત નિર્ણાયક ભૂમિકા ભજવે છે.
શું ભારત-અમેરિકાનો સહયોગ વધશે?
સંરક્ષણ નિષ્ણાતોના મતે, જો અમેરિકા બાંગ્લાદેશના(Bangladesh) પોર્ટ્સ દ્વારા મલક્કા અને બંગાળની ખાડીમાં પોતાની ભૂમિકા વધારશે, તો ભારતની ભાગીદારી વધુ મહત્વની બનશે. સિંગાપોરે પણ પહેલીવાર આ ક્ષેત્રમાં ભારતના હિતો અને રુચિને સત્તાવાર રીતે સ્વીકારી છે, જે પ્રાદેશિક સહયોગ વધવાના સંકેત આપે છે.
જોકે, આ વિસ્તારમાં અમેરિકા માટે બધું સરળ નહીં હોય. ઇન્ડોનેશિયા અને મલેશિયા આ દરિયાઈ વિસ્તારને લઈને ખૂબ સંવેદનશીલ છે અને પોતાની સાર્વભૌમત્વ (Sovereignty) બાબતે કોઈ સમાધાન કરવા માંગતા નથી. બીજી તરફ સિંગાપોર ભલે નાનો દેશ હોય, પરંતુ ગ્લોબલ શિપિંગમાં તેનું બંદર તેની અર્થવ્યવસ્થાની કરોડરજ્જુ હોવાથી તે આ આંતરરાષ્ટ્રીય જળમાર્ગમાં કોઈપણ પ્રકારની અસ્થિરતા કે તણાવ ઈચ્છતું નથી.
આ પણ વાંચો :ઈરાન સાથે યુદ્ધ વચ્ચે ટ્રમ્પ પરિવારમાં લગ્નની શરણાઈઓ, ટ્રમ્પ જુનિયર બહામાસમાં કરશે લગ્ન
આ પણ વાંચો :શું ડોનાલ્ડ ટ્રમ્પ ઈઝરાયલના વડાપ્રધાન બની શકે? જાણો ઈઝરાયલના કાયદા શું કહે છે
આ પણ વાંચો :થાઈલેન્ડની મજા માણવા ઈચ્છતા ગુજરાતીઓ માટે મોટો આંચકો, સરકારે વિઝા નીતિમાં કર્યો ફેરફાર
