Mahisagar Nal Se Jal Scam CID Crime: મહીસાગર જિલ્લામાં આચરાયેલા રૂ. 123 કરોડના ગંભીર અને બહુચર્ચિત ‘નલ સે જલ’ યોજના કૌભાંડમાં સીઆઈડી ક્રાઈમ બ્રાન્ચ (CID Crime) ને વધુ એક મોટી સફળતા મળી છે. સીઆઈડી ક્રાઈમે કડક કાર્યવાહી કરી કૌભાંડમાં સીધી સંડોવણી ધરાવતા એક સરપંચ કમ કોન્ટ્રાક્ટર અને એક સરપંચ પતિ સહિત વધુ બે શખ્સોની ધરપકડ કરી લીધી છે. આ સાથે જ આ કરોડોના ભ્રષ્ટાચારમાં અત્યાર સુધી જેલના સળિયા પાછળ ધકેલાયેલા આરોપીઓનો કુલ આંકડો 31 પર પહોંચી ગયો છે.
Mahisagar : ભ્રષ્ટાચારમાં ભાજપ કનેક્શન અને સરપંચોનો ખેલ બહાર આવ્યો
મળતી વિગતો મુજબ, આ કરોડોના ભ્રષ્ટાચારમાં સત્તાધારી પક્ષ ભાજપનું વધુ એક કનેક્શન સત્તાવાર રીતે બહાર આવ્યું છે. સીઆઈડી દ્વારા જેની ધરપકડ કરવામાં આવી છે, તે સરપંચ કમ કોન્ટ્રાક્ટર નરેન્દ્ર મંગળભાઈ પટેલ ભાજપના સક્રિય કાર્યકર અને તાલુકા એટીવીટી (ATVT) સમિતિના સભ્ય છે. નરેન્દ્ર પટેલ કોઠંબા તાલુકાના વાળીનાથ ગામના સરપંચ પણ છે.
તપાસમાં ખુલાસો થયો છે કે, આ સરપંચ કમ કોન્ટ્રાક્ટર પાસેથી સરકારે કુલ રૂ. 1,11,78,772 (1.11 કરોડથી વધુ) ની વસૂલાત કરવાની બાકી છે. નરેન્દ્ર પટેલે જિલ્લાના બેડીયા, ચાવડીયા, છેલા બારીયાના મુવાડા, હડમતીયા, જુની સિગ્નલી, ટીંબા, વાળીનાથ અને વરઘરી જેવા અનેક ગામોની નલ સે જલ યોજનાઓમાં મોટી ગેરરીતિ આચરી હોવાનું બહાર આવ્યું છે.
સરકારી બેંક ખાતામાંથી પોતાના નામે ઉપાડી લીધા રૂ. 35.85 લાખ
આ ઉપરાંત, સીઆઈડી ક્રાઈમે કોઠંબા તાલુકાના જ સિગ્નલી ગામના સરપંચ જશીબેન બાબુસિંહ રાઠોડના પતિ બાબુસિંહ રાઠોડની પણ ધરપકડ કરી છે. તપાસમાં બહાર આવ્યું છે કે, સરપંચ પતિ બાબુસિંહ રાઠોડે વાસ્મો (WASMO) અંતર્ગત અલગ-અલગ પાણી સમિતિના બનેલા સરકારી બેંક એકાઉન્ટ્સમાંથી પોતાના અંગત નામે રૂ. 35.85 લાખ જેવી માતબર રકમ ઉપાડી લીધી હતી. સીઆઈડી દ્વારા જોખા, શિવરાજપુર અને છના બારીયાના મુવાડા ગામની પાણી સમિતિઓના સરકારી ખાતામાંથી આ નાણાં અંગત સ્વાર્થ માટે ઉપાડી લેવાયા હોવાનું પુરવાર થયું છે.

5 સરકારી કર્મચારી અને 20 કોન્ટ્રાક્ટર સહિત 31 જેલ ભેગા
આ હાઈપ્રોફાઈલ કૌભાંડમાં હાલમાં પકડાયેલા આ બે આરોપીઓ સહિત અત્યાર સુધીમાં કુલ 31 કૌભાંડીઓ જેલના સળિયા પાછળ ધકેલાઈ ચૂક્યા છે, જેમાં 05 તત્કાલીન સરકારી કર્મચારીઓ, 20 ભ્રષ્ટ કોન્ટ્રાક્ટરો, 04 ફરિયાદ સિવાયના અન્ય કર્મચારીઓ અને 02 પાણી સમિતિના સરપંચ અથવા હોદ્દેદારોનો સમાવેશ થાય છે.
નોંધનીય છે કે, આ આખા કૌભાંડમાં અત્યાર સુધીમાં ભાજપના ચાર મોટા નેતાઓની સંડોવણી સપાટી પર આવી ચૂકી છે. કોન્ટ્રાક્ટરો અને તત્કાલીન કર્મચારીઓ બાદ હવે વચેટિયા સરપંચોની ધરપકડનો દોર શરૂ થતાં જિલ્લાના ગ્રામ્ય રાજકારણમાં ભારે અફરાતફરી અને દોડધામ મચી ગઈ છે. સીઆઈડી દ્વારા અન્ય કેટલાક શંકાસ્પદ સરપંચોને પણ પૂછપરછ માટે સમન્સ પાઠવ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે, જેને પગલે પાણી સમિતિ બનાવીને સરકારી નાણાં ઓહિયાં કરી જનારા ભ્રષ્ટ તત્વોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.
આ પણ વાંચો: મહીસાગરમાં ‘નલ સે જલ’ યોજનામાં મોટાપાયે ભ્રષ્ટાચારનો પર્દાફાશઃ 27 કોન્ટ્રાક્ટરો બ્લેકલિસ્ટ
આ પણ વાંચો: ‘નલ સે જલ’ અભિયાન અંતર્ગત રાજ્યનાં ૯૬.૫૦ ટકા ઘરોમાં નળ જોડાણ સંપન્ન
આ પણ વાંચો: નલ સે જલ યોજનાથી રાપરનું બેલા ગામ વંચિત, પીવાના પાણી માટે વલખાં
