Ebola Virus Gujarat Alert: આફ્રિકન દેશોમાં ઈબોલા વાયરસના (Ebola Virus) વધી રહેલા કેસોને પગલે ગુજરાત સરકારનું આરોગ્ય તંત્ર સંપૂર્ણપણે એલર્ટ થઈ ગયું છે. કેન્દ્ર સરકારના આરોગ્ય વિભાગ દ્વારા જાહેર કરાયેલી માર્ગદર્શિકા અને સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર (SOP) ના ચુસ્ત પાલન માટે રાજ્ય સરકારે સુવ્યવસ્થિત આયોજન કરી દીધું છે. જોકે, આરોગ્ય રાજ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ નાગરિકોને આશ્વસ્ત કરતા જણાવ્યું છે કે, ગુજરાત કે ભારતમાં હાલની સ્થિતિએ ઈબોલા વાયરસનો એક પણ કેસ નથી, તેથી જનતાએ સહેજ પણ ગભરાવવાની જરૂર નથી.
Ebola Virus : ગાંધીનગરમાં યોજાઈ ઉચ્ચ સ્તરીય સમીક્ષા બેઠક
કોંગો, યુગાન્ડા અને સાઉથ સુદાન જેવા આફ્રિકન દેશોમાં ઈબોલા વાયરસના કેસો જોવા મળી રહ્યા છે. જેને પગલે આજે સ્વર્ણિમ સંકુલ-2, ગાંધીનગર ખાતે આરોગ્ય રાજ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાની અધ્યક્ષતામાં આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારીઓની એક મહત્વની સમીક્ષા બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં સંભવિત ખતરાને પહોંચી વળવા માટે રાજ્યની સજ્જતા અને આગોતરા વહીવટી આયોજન અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.
અમદાવાદ એરપોર્ટ પર પ્રવાસીઓનું સઘન સ્ક્રીનિંગ શરૂ
આરોગ્ય મંત્રીએ માહિતી આપતા ઉમેર્યું હતું કે, સૌથી વધુ પ્રભાવિત આફ્રિકન દેશોમાંથી આવતા મુસાફરો પર ખાસ નજર રાખવામાં આવી રહી છે. અમદાવાદ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ (Ahmedabad International Airport) પર સાંજના 6 વાગ્યાથી લઈને સવારના 10 વાગ્યા સુધીના સમયગાળા દરમિયાન યુગાન્ડા, કોંગો અને સાઉથ સુદાનથી આવતા તમામ પેસેન્જરોનું સઘન તબીબી સ્ક્રીનિંગ કરવામાં આવી રહ્યું છે. મંત્રીએ સ્પષ્ટ કર્યું કે આ વિશેષ સ્ક્રીનિંગ માત્ર અસરગ્રસ્ત દેશોમાંથી આવતા મુસાફરો માટે જ છે, અન્ય દેશોના મુસાફરો કે સામાન્ય નાગરિકો માટે ચિંતાનું કોઈ કારણ નથી.

સિવિલ અને SVP હોસ્પિટલમાં અલાયદા આઇસોલેશન વોર્ડ
કોઈપણ કટોકટીની સ્થિતિને પહોંચી વળવા માટે પ્રશાસન દ્વારા તબીબી માળખું સજ્જ કરી દેવામાં આવ્યું છે, જેમાં અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે 32 બેડની ડેઝીગ્નેટેડ એપેક્સ હોસ્પિટલ કાર્યરત કરાઈ છે અને સુરત સિવિલ હોસ્પિટલ ખાતે 10 બેડની વિશેષ વ્યવસ્થા ઊભી કરાઈ છે. આ ઉપરાંત, અમદાવાદની SVP હોસ્પિટલ ખાતે શંકાસ્પદ દર્દીઓની તાત્કાલિક સારવાર માટે 60 બેડનો અલાયદો આઇસોલેશન વોર્ડ (Isolation Ward) પણ તૈયાર રાખવામાં આવ્યો છે.
જો કોઈ મુસાફર સ્ક્રીનિંગ દરમિયાન શંકાસ્પદ જણાશે, તો ભારત સરકારની ગાઈડલાઈન મુજબ તાત્કાલિક આઇસોલેટ કરીને તેની સારવાર શરૂ કરી શકાય તેવી રાજ્ય સરકારની પૂરી તૈયારી છે.
આ પણ વાંચો: નવો વાયરસ 100માંથી 90ના જીવ લઈ લેશે, એટલો ખતરનાક કે લોહીની ઉલ્ટીઓ થશે
આ પણ વાંચો: મંકીપોક્સથી મારબર્ગ સુધી… કોરોના મહામારી પછી આ ખતરનાક વાયરસ દુનિયાને ડરાવે છે
આ પણ વાંચો: કોરોના બાદ મારબર્ગ વાયરસનું ટેન્શન, તેના લક્ષણો અને નિવારક પગલાં જાણો
