Banaskantha News: બનાસકાંઠાના દાંતા તાલુકા પંચાયત (Danta Taluka Panchayat)માં પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી દરમિયાન ભારે રાજકીય નાટક બાદ આખરે ભાજપે સત્તા કબજે કરી લીધી છે. કોંગ્રેસ અને ભાજપ (BJP) બંને પક્ષોને સમાન 10-10 બેઠકો મળતાં શરૂઆતથી જ ટક્કર કાંટાની બની હતી. પરંતુ અંતિમ ક્ષણે કોંગ્રેસ (Congress )ના એક સભ્યની ગેરહાજરી ભાજપ માટે સૌથી મોટો ટર્નિંગ પોઈન્ટ સાબિત થઈ.
કોંગ્રેસના સભ્યની ગેરહાજરી ભાજપ માટે ફાયદાકારક
દાંતા તાલુકા પંચાયત (Danta Taluka Panchayat)ની ચૂંટણી દરમિયાન કુલ 20 સભ્યોમાંથી 19 સભ્યો હાજર રહ્યા હતા. કોંગ્રેસનો એક સભ્ય ગેરહાજર રહેતા પક્ષનું આખું ગણિત બગડી ગયું હતું. આ પરિસ્થિતિનો સીધો લાભ ભાજપને મળ્યો અને ભાજપે વર્ષોથી કોંગ્રેસના ગઢ તરીકે ઓળખાતી તાલુકા પંચાયત પર સત્તા મેળવી લીધી.
Danta Taluka Panchayat: 31 વર્ષ બાદ ભાજપે મેળવ્યો કબજો
ચૂંટણી બાદ પ્રમુખ પદે ભાજપના પિન્કીબેન અશ્વિનકુમાર ચૌધરી વિજેતા જાહેર થયા હતા, જ્યારે ઉપપ્રમુખ તરીકે ભાજપના ભરતકુમાર સ્વરૂપભાઈ રાણા ચૂંટાયા હતા. બંને પદ પર ભાજપની જીત સાથે 31 વર્ષ બાદ દાંતા તાલુકા પંચાયત પર ભગવો લહેરાયો છે.
રાજકીય વર્તુળોમાં ગરમ ચર્ચા
રાજકીય વર્તુળોમાં ચર્ચા ચાલી રહી છે કે સમાન બેઠકો હોવા છતાં કોંગ્રેસના આંતરિક અસંતોષ અને સભ્યની ગેરહાજરીએ આખી બાજી પલટી નાખી. ભાજપે અંતિમ ક્ષણ સુધી રાજકીય મેનેજમેન્ટ કરીને સત્તા હાંસલ કરી હોવાનું માનવામાં આવી રહ્યું છે.
કોંગ્રેસના ગંભીર આક્ષેપ
ચૂંટણી બાદ કોંગ્રેસ તરફથી ચૂંટણી પ્રક્રિયા સામે ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે. કોંગ્રેસના તાલુકા પ્રમુખ ઝાકીરભાઈ અથાણીયાએ આરોપ લગાવ્યો હતો કે ચૂંટણી લોકશાહી પદ્ધતિથી નહીં પરંતુ દબાણ અને રાજકીય કાવાદાવા દ્વારા યોજાઈ હતી.તેમણે એવો પણ આક્ષેપ કર્યો કે કોંગ્રેસના સભ્યને “ઉપાડી જવાની” ઘટના બની હતી અને ચૂંટણી અધિકારીઓ સમક્ષ રજૂઆત છતાં કોઈ કાર્યવાહી થઈ નથી.
દાંતા તાલુકા પંચાયતનું બદલાયેલું રાજકીય સમીકરણ
દાંતા તાલુકા પંચાયત (Danta Taluka Panchayat) વર્ષોથી કોંગ્રેસનો મજબૂત ગઢ માનવામાં આવતો હતો. પરંતુ આ વખતે બદલાયેલા રાજકીય સમીકરણો અને અંતિમ ક્ષણના વળાંકોને કારણે ભાજપે સત્તા પર કબજો જમાવ્યો છે. હવે આગામી સમયમાં બનાસકાંઠાના સ્થાનિક રાજકારણ પર તેની મોટી અસર જોવા મળી શકે છે.
આ પણ વાંચો:ગુજરાતની તાલુકા પંચાયતોમાં સત્તા માટે અનોખા ગઠબંધનો: ક્યાંક ભાજપ-કોંગ્રેસ સાથે, તો ક્યાંક AAPનો ટેકો
આ પણ વાંચો:મતદાન પહેલા જ દાંતામાં ભાજપનો વિજય! કોંગ્રેસ ઉમેદવારે ફોર્મ પરત ખેંચી ધારણ કર્યો કેસરીયો
આ પણ વાંચો:ચૂંટણી હાર્યા બાદ ઉમેદવારોનો ગુસ્સો આસમાને
