Gujarat News : ચૂંટણી(Elections)માં જીત-હાર સામાન્ય વાત છે, પણ કેટલાક ઉમેદવારો હાર સ્વીકારી શક્યા નથી. દાહોદ અને ભરૂચ જિલ્લામાં એવા બનાવો સામે આવ્યા છે જ્યાં હાર્યા બાદ કેટલાક ઉમેદવારોએ ગુસ્સામાં અણઘડ વર્તન કર્યું હોવાના વીડિયો ચર્ચામાં છે.
ચૂંટણી(Elections)માં હારેલા ઉમેદવારનો વીડિયો વાયરલ થયો
ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકામાં એક બેઠક પર હારેલા ઉમેદવારનો વીડિયો વાયરલ થયો છે. વીડિયોમાં તેઓ ખુલ્લી તલવાર સાથે ગામમાં પાણી પુરવઠો બંધ કરવાની ચેતવણી આપતા દેખાય છે. તેમની સાથે પરિવારના સભ્ય પણ જોવા મળે છે. જીતેલા ઉમેદવાર આમ આદમી પાર્ટીના હોવાનું કહેવાય છે, જ્યારે હારેલા ઉમેદવારનો ગુસ્સો સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બન્યો છે.
દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના કદવાળ ગામમાં પણ એક વીડિયો સામે આવ્યો છે, જેમાં સોલાર સ્ટ્રીટ લાઈટના થાંભલા તોડવામાં આવતા દેખાય છે. સ્થાનિક સ્તરે એવું કહેવામાં આવી રહ્યું છે કે તાલુકા પંચાયતની ચૂંટણીમાં હાર બાદ આ ઘટનાને અંજામ આપવામાં આવ્યો. જોકે, વાયરલ વીડિયોની સત્તાવાર પુષ્ટિ હજુ સુધી થઈ નથી.

બીજી તરફ બનાસકાંઠાના દાંતા તાલુકામાં રાજકીય અદાવતનો અલગ જ મામલો સામે આવ્યો છે. અહીં દૂધ મંડળી દ્વારા કેટલાક ખેડૂતોનું દૂધ લેવા ઇન્કાર કરાયો હોવાનો આક્ષેપ છે. જેના કારણે ખેડૂતો દૂધ લઈને સીધા પોલીસ સ્ટેશન પહોંચ્યા અને ન્યાયની માંગ કરી. ગામમાં મોટાભાગના વોટ એક પક્ષને મળ્યા હોવા છતાં આ પ્રકારનો વ્યવહાર કેમ થયો તે અંગે લોકો સવાલો ઉઠાવી રહ્યા છે.
ચૂંટણી(Election) પૂર્ણ થયા બાદ આવી ઘટનાઓ અનેક પ્રશ્નો ઉભા કરે છે. હાર પછી પ્રતિક્રિયા તરીકે આક્રમકતા કેમ? સામાન્ય નાગરિકોને મળતી સુવિધાઓમાં રાજકીય ભેદભાવ કેમ? અંતે તો જનતા કામના આધારે નિર્ણય લે છે – દબાણ કે ધમકીથી નહીં.
