Danta Taluka Panchayat Election: ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાના છેલ્લા દિવસે બનાસકાંઠાના દાંતા તાલુકામાં મોટો રાજકીય ધડાકો થયો છે. દાંતા તાલુકા પંચાયતની સીટ નંબર 7 પર કોંગ્રેસના ઉમેદવારે છેલ્લી ઘડીએ ખેલ પાડીને ફોર્મ પરત ખેંચી લેતા ભાજપના ઉમેદવાર બિનહરીફ વિજેતા જાહેર થયા છે. આ ઘટના બાદ કોંગ્રેસના ઉમેદવારે કેસરીયો ધારણ કરી લેતા કોંગ્રેસ છાવણીમાં સોપો પડી ગયો છે.
Danta : કોંગ્રેસના ઉમેદવારે સ્વૈચ્છિક રીતે ફોર્મ ખેંચ્યું
દાંતા તાલુકા પંચાયતની સીટ નંબર 7 પરથી કોંગ્રેસે ચિરાગ રાણાને મેદાનમાં ઉતાર્યા હતા. જોકે, ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિવસે ચિરાગ રાણાએ અચાનક ચૂંટણી કચેરી પહોંચી પોતાની ઉમેદવારી પાછી ખેંચી લીધી હતી. મીડિયા સાથેની વાતચીતમાં તેમણે સ્પષ્ટ કર્યું હતું કે, તેમણે કોઈના પણ દબાણ વગર સ્વૈચ્છિક રીતે આ નિર્ણય લીધો છે.
ભાજપના ભરત રાણા બિનહરીફ વિજેતા
કોંગ્રેસના ઉમેદવારે મેદાન છોડતા જ ભાજપના ઉમેદવાર ભરત રાણા બિનહરીફ વિજેતા જાહેર થયા છે. મતદાન પહેલા જ ભાજપે એક બેઠક અંકે કરી લેતા ભાજપના કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. દાંતા તાલુકા પંચાયતમાં ભાજપ માટે આ એક મોટી જીત માનવામાં આવી રહી છે.
ફોર્મ ખેંચીને સીધા ભાજપમાં જોડાયા
માત્ર ફોર્મ ખેંચીને અટક્યા નહીં, ચિરાગ રાણા સીધા દાંતા ભાજપ કાર્યાલય પહોંચ્યા હતા. ત્યાં ભાજપના આગેવાનો દ્વારા તેમને કેસરીયો સાફો અને ખેસ પહેરાવી પક્ષમાં વિધિવત રીતે આવકારવામાં આવ્યા હતા. ભાજપ કાર્યાલય ખાતે ચિરાગ રાણાનું ભવ્ય સન્માન કરવામાં આવ્યું હતું.
દાંતામાં ભાજપનો ઉત્સવનો માહોલ
એક તરફ કોંગ્રેસના ઉમેદવાર તૂટીને ભાજપમાં જોડાયા અને બીજી તરફ બેઠક બિનહરીફ થઈ, આ બંને ખુશીના સમાચાર મળતા જ દાંતા ભાજપમાં ઉત્સવનો માહોલ જોવા મળ્યો હતો. આ ઘટનાએ સાબિત કરી દીધું છે કે દાંતા પંથકમાં કોંગ્રેસના પાયા નબળા પડી રહ્યા છે.
આ પણ વાંચો: સુરતમાં આપના ઉમેદવારનું અપહરણ કરી ડરાવવા-ધમકાવવામાં આવ્યાનો આરોપ
આ પણ વાંચો: કોંગ્રેસ બાદ હવે આપના ઉમેદવારો અજ્ઞાત સ્થળે
