Gujarat Local Body Election 2026/ સુરતમાં આપના ઉમેદવારનું અપહરણ કરી ડરાવવા-ધમકાવવામાં આવ્યાનો આરોપ

સુરતમાં AAPના ઉમેદવારને ભાજપના લોકો ગાડીમાં બેસાડીને લઈ જતા હોવાનો આક્ષેપ આમ આદમી પાર્ટીના આગેવાન રજનીકાંત વાઘાણી દ્વારા કરવામાં આવ્યો છે.

Top Stories Gujarat Surat Breaking News

Surat News: સુરતમાં AAPના ઉમેદવારને ભાજપના લોકો ગાડીમાં બેસાડીને લઈ જતા હોવાનો આક્ષેપ આમ આદમી પાર્ટીના આગેવાન રજનીકાંત વાઘાણી દ્વારા કરવામાં આવ્યો છે.  સુરતમાં આમ આદમી પાર્ટીએ તમામ ઉમેદવારોને એક જગ્યાએ ભેગા થવા સૂચના આપી છે. તમામ ઉમેદવારોને એક જગ્યાએ સાંજ સુધી રાખવામાં આવશે. ઉમેદવારો સાથે નેતાઓ સંવાદ કરશે. મોટા નેતાઓની નજર હેઠળ ઉમેદવારો આખો દિવસ રહેશે. કોઈ ઉમેદવાર ફોર્મ પરત ખેંચે નહીં તેનું ધ્યાન રખાયું હતું.

સુરતના વોર્ડ 18ના ઉમેદવાર ગૌતમ પટેલને રાતભર ડરાવ્યા ધમકાવ્યા અને કોર્ડન કરાયા હોવાનો આક્ષેપ આમ આદમી પાર્ટીના નેતા રજની વાઘાણીએ કર્યો છે. તેઓએ જણાવ્યું છે કે સવારે AAPના ઉમેદવારને ભાજપના લોકો ગાડીમાં બેસાડીને લઈ જતા હતા ત્યારે બચાવવામાં આવ્યા છે. AAP નેતા રજનીકાંત વાઘાણી અને બીજા પદાધિકારીઓએ સ્થળે પહોંચી ગૌતમ પટેલને છોડાવ્યા હતા.

ઉલ્લેખનીય છે કે 15મી એપ્રિલ ઉમેદવારીપત્ર પરત ખેંચવાનો અંતિમ દિવસ હોવાથી ભાજપ બને તેટલા ઉમેદવારોને બિનહરીફ કરવા એડીચોટીનું જોર લગાવી રહ્યું છે. ગઈ ચૂંટણીમાં ભાજપે 239 ઉમેદવારો બિનહરીફ કર્યા હતા. આ ચૂંટણીમાં અત્યાર સુધીમાં તે 150 જેટલા ઉમેદવારોને બિનહરીફ કરી ચૂક્યુ છે. તેથી તે વધુને વધુ ઉમેદવારોને બિનહરીફ કરીને અગાઉનો રેકોર્ડ તોડવાની ફિરાકમાં લાગેલું છે.

તેની સામે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વધુને વધુ ઉમેદવારોને જાળવી રાખીને તેમનો ગઢ બચાવવા અને રાજકીય કદ વધારવા માટે પ્રયત્નશીલ છે. કોંગ્રેસે તો તેના ઉમેદવારોને બચાવવા મિશન અજ્ઞાત આદર્યુ છે. તેમા કેટલાય ઉમેદવારોને અજ્ઞાત સ્થળે લઈ જવામાં આવ્યા છે. આમ વિધાનસભા કે લોકસભાના સમયનું રિસોર્ટ પોલિટિક્સ હવે છેક સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી સુધી પહોંચ્યું છે.


આ પણ વાંચો:સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઃ ભરૂચમાં સ્થાનિકો સાથે ચા-નાસ્તાની મજા માણતા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી

આ પણ વાંચો: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે ભાજપના વલસાડ જિલ્લા-તાલુકા પંચાયત અને નપાના ઉમેદવાર જાહેર