Gujarat Local Body Election 2026/ કોંગ્રેસ બાદ હવે આપના ઉમેદવારો અજ્ઞાત સ્થળે

આમ આદમી પાર્ટી(Aap) નો આક્ષેપ છે કે ભાજપ ઉમેદવારોને ડરાવી-ધમકાવી કે લોભ-લાલચ આપી ફોર્મ પરત ખેંચાવવા દબાણ કરી રહી છે

Gujarat Rajkot
કોંગ્રેસ બાદ હવે આમ આદમી પાર્ટી(Aap)એ પણ પોતાના અનેક ઉમેદવારોને સુરક્ષાના કારણોસર અજ્ઞાત સ્થળે ખસેડ્યા છે

Rajkot News : રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણી પહેલાં રાજકીય ગરમાવો વધ્યો છે. ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાની અંતિમ તારીખ નજીક આવતાં કોંગ્રેસ બાદ હવે આમ આદમી પાર્ટી(Aap)એ પણ પોતાના અનેક ઉમેદવારોને સુરક્ષાના કારણોસર અજ્ઞાત સ્થળે ખસેડ્યા છે. આમ આદમી પાર્ટી (Aap)નો આક્ષેપ છે કે ભાજપ ઉમેદવારોને ડરાવી-ધમકાવી કે લોભ-લાલચ આપી ફોર્મ પરત ખેંચાવવા દબાણ કરી રહી છે.

આપ(Aap)ના 40થી વધુ ઉમેદવારોને તાત્કાલિક સુરક્ષિત સ્થળે રાખવામાં આવ્યા

આપ(Aap)ના શહેર પ્રમુખ દિનેશ જોષીના જણાવ્યા મુજબ, પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને 40થી વધુ ઉમેદવારોને તાત્કાલિક સુરક્ષિત સ્થળે રાખવામાં આવ્યા છે અને ફોર્મ પરત ખેંચવાની સમયમર્યાદા પૂર્ણ થયા બાદ જ તેમને પાછા લાવવામાં આવશે. તેમણે ભાજપ પર સત્તાનો દુરુપયોગ કરીને લોકશાહી પ્રણાલી પર અસર કરવાનો પણ આક્ષેપ કર્યો હતો.

બીજી તરફ, કોંગ્રેસે પણ સમાન ચિંતા વ્યક્ત કરી છે. શહેર કોંગ્રેસ પ્રમુખ ડો. રાજદીપસિંહ જાડેજાએ જણાવ્યું કે ભાજપના નેતાઓ દ્વારા ઉમેદવારોને દબાવવાના પ્રયાસો થતા હોવાના ઇનપુટ મળ્યા બાદ પાર્ટીએ સતર્કતા વધારી છે. કોંગ્રેસના કેટલાક ઉમેદવારોને અજ્ઞાત સ્થળે ખસેડવામાં આવ્યા છે, જ્યારે કેટલાક પ્રચારમાં સક્રિય છે. કોંગ્રેસનો દાવો છે કે આ વખતે કોઈપણ ઉમેદવાર દબાણમાં આવી ફોર્મ પરત ખેંચશે નહીં.

આ આક્ષેપોને ભાજપે સંપૂર્ણપણે નકારી કાઢ્યા છે. શહેર ભાજપ પ્રમુખ ડો. માધવ દવેએ કહ્યું કે પાર્ટી માત્ર વિકાસની રાજનીતિમાં વિશ્વાસ રાખે છે અને અન્ય પક્ષોના ઉમેદવારોને સંપર્ક કરવાની કે દબાણ કરવાની કોઈ જરૂર નથી. તેમણે કહ્યું કે ભાજપ મજબૂત સંગઠન અને જનસમર્થન ધરાવે છે, જ્યારે કોંગ્રેસહારનો ભય હોવાથી ખોટા આક્ષેપો કરી રહી છે.

આ સમગ્ર ઘટનાક્રમે ચૂંટણી પહેલાં રાજકીય વાતાવરણ વધુ તંગ બન્યું છે અને પક્ષો વચ્ચે આરોપ-પ્રત્યારોપનો દોર તેજ થયો છે.


આ પણ વાંચો:સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઃ ભરૂચમાં સ્થાનિકો સાથે ચા-નાસ્તાની મજા માણતા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી

આ પણ વાંચો: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે ભાજપના વલસાડ જિલ્લા-તાલુકા પંચાયત અને નપાના ઉમેદવાર જાહેર