Gujarat News: ગુજરાતની તાલુકા પંચાયતો (Gujarat Panchayat Politics)માં પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી બાદ રાજ્યના રાજકારણમાં ચોંકાવનારા સમીકરણો સામે આવ્યા છે. અનેક જગ્યાએ બહુમતી હોવા છતાં અનામત અને રોટેશનના ગણિતને કારણે પક્ષોને સત્તા બચાવવા નવા રાજકીય દાવ રમવા પડ્યા હતા. ક્યાંક ભાજપે કોંગ્રેસ સાથે હાથ મિલાવ્યો, તો ક્યાંક આમ આદમી પાર્ટીના ઉમેદવારને ટેકો આપવો પડ્યો. આ સમગ્ર રાજકીય ખેલ હવે રાજ્યભરમાં ચર્ચાનો વિષય બન્યો છે.
ધાનપુરમાં પ્રમુખ AAPના, ઉપપ્રમુખ ભાજપના
દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકા પંચાયત (Gujarat Panchayat Politics)માં પ્રમુખ અને ઉપપ્રમુખ બંને પદ માટે ટક્કર એટલી કઠિન બની કે બંને પક્ષોને સરખા મત મળ્યા હતા. આખરે ચિઠ્ઠી ઉછાળીને નિર્ણય લેવાયો. પ્રમુખ પદ આમ આદમી પાર્ટીના ફાળે ગયું જ્યારે ઉપપ્રમુખ પદ ભાજપે જીત્યું. આ પરિણામે ધાનપુરમાં અનોખું સત્તા સમીકરણ રચાયું.
Gujarat Panchayat Politics: લાઠીમાં ભાજપે AAPના ઉમેદવારને આપ્યો ટેકો
અમરેલી જિલ્લાના લાઠી તાલુકા પંચાયતમાં ભાજપ પાસે બહુમતી હોવા છતાં અનામતના કારણે પોતાનો ઉમેદવાર ઉભો રાખી શક્યો નહોતો. પરિણામે ભાજપે AAPમાંથી જીતેલા સભ્યને પ્રમુખ પદ માટે સમર્થન આપ્યું. સ્થાનિક સ્તરે આ નિર્ણયે ભારે રાજકીય ચર્ચા જગાવી છે.
મેઘરજમાં કોંગ્રેસને અંદરથી ઝટકો
અરવલ્લીના મેઘરજ તાલુકા પંચાયતમાં કોંગ્રેસ પાસે વધુ બેઠકો હોવા છતાં સત્તા ભાજપે કબજે કરી લીધી. કોંગ્રેસના બે સભ્યોએ ભાજપને ટેકો આપતા સત્તાનું પલ્લું ભાજપ તરફ વળી ગયું હતું. આખરે ભાજપ સમર્થિત ઉમેદવાર પ્રમુખ બન્યા હતા.
કોડીનારમાં કોંગ્રેસની સત્તા
ગીર સોમનાથના કોડીનાર તાલુકા પંચાયતમાં અપક્ષ સભ્યના સમર્થનથી કોંગ્રેસે સત્તા મેળવી લીધી છે. ભાજપના ગઢ તરીકે ઓળખાતા વિસ્તારમાં કોંગ્રેસની જીતે સ્થાનિક રાજકારણ ગરમાવી દીધું છે.
ભરૂચમાં ભાજપ-કોંગ્રેસનું અનોખું ગઠબંધન
ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકા પંચાયતમાં AAPને સત્તાથી દૂર રાખવા ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ગઠબંધન થયું હોવાનું ચર્ચાઈ રહ્યું છે. પ્રમુખ પદ ભાજપને મળ્યું જ્યારે ઉપપ્રમુખ પદ કોંગ્રેસના ફાળે ગયું. આ રાજકીય સમીકરણને લઈને સોશિયલ મીડિયામાં પણ ભારે ચર્ચા ચાલી રહી છે.
વડગામ અને દાંતામાં ભારે હોબાળો
બનાસકાંઠાના વડગામ અને દાંતા તાલુકા પંચાયતમાં ચૂંટણી દરમિયાન ભારે બબાલ અને ધક્કામુક્કીના દૃશ્યો સર્જાયા હતા. કોંગ્રેસના આંતરિક ભંગાણ અને અપક્ષના સમર્થનથી ભાજપે બંને જગ્યાએ સત્તા કબજે કરી લીધી હોવાનું સામે આવ્યું છે.
આણંદમાં હાઈકોર્ટ સુધી પહોંચ્યો મામલો
આણંદ જિલ્લા પંચાયત પ્રમુખપદની ચૂંટણીમાં ભાજપના ઉમેદવારનું ફોર્મ રદ થતાં મામલો હાઈકોર્ટ સુધી પહોંચ્યો હતો. બાદમાં કોર્ટના નિર્ણય પછી ભાજપના ઉમેદવારનું ફોર્મ માન્ય રાખવામાં આવ્યું અને ભાજપે સત્તા જાળવી રાખી.
આ પણ વાંચો:આજે 17 જિલ્લા પંચાયતોની સામાન્ય સભા, પ્રમુખ-ઉપપ્રમુખના નામોની થશે જાહેરાત
આ પણ વાંચો:ગુજરાત ભાજપમાં મોટા ફેરફાર, 15 મે બાદ નગરપાલિકા અને પંચાયતોના નવા હોદ્દેદારો થશે જાહેર
