Gandhinagar News/ ગુજરાત ભાજપમાં મોટા ફેરફાર, 15 મે બાદ નગરપાલિકા અને પંચાયતોના નવા હોદ્દેદારો થશે જાહેર

ગુજરાત BJP પાર્લામેન્ટરી બોર્ડની બેઠકમાં મોટો નિર્ણય. 15 મે બાદ ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતના હોદ્દેદારોના નામ થશે જાહેર.12-13 મેના રોજ સૌરાષ્ટ્ર-વડોદરા માટે મળશે બેઠક.

Gujarat Gandhinagar Top Stories
Gujarat BJP Parliamentary Board Meeting

Gujarat BJP Parliamentary Board Meeting: ગુજરાત ભાજપના રાજકારણમાં હાલ ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે. રાજ્યની નગરપાલિકાઓ, જિલ્લા-તાલુકા પંચાયતો અને મહાનગરપાલિકાઓના નવા હોદ્દેદારોની નિમણૂકને લઈને ભાજપ પાર્લામેન્ટરી બોર્ડની બેઠકમાંથી મોટા સમાચાર સામે આવ્યા છે. લાંબા સમયથી જેની રાહ જોવાઈ રહી હતી તે હોદ્દેદારોના નામ હવે આગામી 15 મે બાદ સત્તાવાર રીતે જાહેર કરવામાં આવશે.

BJP : 6 થી 8 મેની બેઠકમાં મંથન પૂર્ણ

તાજેતરમાં 6 મે થી 8 મે સુધી ગાંધીનગર કમલમ ખાતે પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ ત્રણ દિવસીય બેઠકમાં ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના વિવિધ જિલ્લાઓ અને તાલુકાઓના હોદ્દેદારોના નામો પર ગહન મંથન કરવામાં આવ્યું છે.

15 મે બાદ આ વિસ્તારોના નામ થશે જાહેર

સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, પાર્લામેન્ટરી બોર્ડની આ બેઠકમાં જે નામો પર સહમતિ બની છે, તેમની જાહેરાત 15 મે પછી કરવામાં આવશે. જેમાં ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતની નગરપાલિકા, જિલ્લા-તાલુકા પંચાયત અને મનપાના નવા હોદ્દેદારો (પ્રમુખ, ઉપપ્રમુખ વગેરે) ને તેમની જવાબદારી સોંપવામાં આવશે.

PM મોદી પ્રવાસને લઇને સૌરાષ્ટ્ર-વડોદરા અંગે મંથન બાકી

એક તરફ ત્રણ ઝોનનું મંથન પૂર્ણ થઈ ગયું છે, ત્યારે સૌરાષ્ટ્ર અને વડોદરા ઝોનના હોદ્દેદારોના નામ હજુ નક્કી કરવાના બાકી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગુજરાત પ્રવાસ અને અન્ય વ્યસ્તતાઓને ધ્યાનમાં રાખીને આ બે ઝોનની ચર્ચા હાલ પૂરતી મોકૂફ રાખવામાં આવી હતી.

હવે 12 અને 13 મેના રોજ ફરી મળશે બેઠક

સૌરાષ્ટ્ર અને વડોદરાના હોદ્દેદારોની પસંદગી માટે પીએમ મોદીના પ્રવાસ બાદ ફરી એકવાર પાર્લામેન્ટરી બોર્ડની બેઠક બોલાવવામાં આવી છે. હવે આગામી 12 અને 13 મેના રોજ આ બેઠક યોજાશે, જેમાં બાકી રહેલા નામો પર અંતિમ મહોર મારવામાં આવશે. આમ, પીએમ મોદીના પ્રવાસ બાદ સમગ્ર રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓને તેમના નવા સુકાનીઓ મળી જશે.


આ પણ વાંચો: ગુજરાત ભાજપનો મોટો સંગઠનાત્મક નિર્ણય, ત્રણ જિલ્લાઓમાં નવા પ્રમુખની વરણી

આ પણ વાંચો: ગુજરાત ભાજપ સંગઠનમાં નવા જુનીના એંધાણ, CM,DyCMની PM સાથે દિલ્હી બેઠક

આ પણ વાંચો: જગદીશ વિશ્વકર્માએ સંભાળી ગુજરાત ભાજપની કમાન