india news/ છૂટાછેડા લીધેલ દીકરી મૃત દીકરી કરતાં ઘણી સારી, સુપ્રીમ કોટૅમાં બોલ્યા તુષાર મહેતા

Twisha Sharma Death Case News: ભોપાલના હાઈ-પ્રોફાઈલ ટ્વિશા શર્મા મોત કેસની સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ. સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કહ્યું- ‘છૂટાછેડા લીધેલ દીકરી મૃત દીકરી કરતાં સારી છે’. તપાસ CBI ને સોંપાઈ.

Top Stories NATIONAL India
Twisha Sharma Death Case Supreme Court

Twisha Sharma Death Case Supreme Court: મધ્ય પ્રદેશના ભોપાલના બહુચર્ચિત હાઈ-પ્રોફાઈલ ટ્વિશા શર્મા મોત મામલે દેશની સર્વોચ્ચ અદાલત (Supreme Court) માં સુનાવણી હાથ ધરવામાં આવી છે. આ હાઈ-પ્રોફાઈલ કેસની ગંભીરતાને જોતાં સુપ્રીમ કોર્ટે પોતે આ મામલાની સ્વેચ્છાએ સંજ્ઞાન (Suo Motu) લીધું છે. ચીફ જસ્ટિસ સૂર્યકાંત, જસ્ટિસ જોયમાલ્યા બાગચી અને જસ્ટિસ વી. એમ. પંચોલીની ત્રણ ન્યાયાધીશોની બેન્ચ સમક્ષ આ કેસની સુનાવણી થઈ હતી. આ સુનાવણી દરમિયાન દેશના સોલિસિટર જનરલ તુષાર મહેતાએ સમાજની આંખો ખોલતી એક અત્યંત મહત્વની અને સંવેદનશીલ ટિપ્પણી કરી છે કે, “એક છૂટાછેડા લીધેલ દીકરી, મૃત દીકરી કરતાં ઘણી સારી છે.”

Twisha Sharma Death Case : ‘પ્રી-મેચ્યોર નિવેદનબાજી બંધ કરો’

સુનાવણી દરમિયાન ચીફ જસ્ટિસ (CJI) એ કેસની આસપાસ ચાલી રહેલા મીડિયા ટ્રાયલ અને નિવેદનબાજી અંગે નારાજગી વ્યક્ત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, “કેટલીક બિનજરૂરી કાયૅવાહીઓ અને વાતોથી અમને થોડી પીડા થઈ છે. અમે અમારા મીડિયા મિત્રોને નમ્ર વિનંતી કરીએ છીએ કે તેઓ પીડિત પરિવાર કે આરોપી પક્ષના પરિવારોના પર્સનલ નિવેદનો ન લે. આખા મામલાને કાયદા અને યોગ્ય ન્યાયિક પ્રક્રિયા અનુસાર જ આગળ વધવા દેવામાં આવે. અમને પૂરો વિશ્વાસ છે કે પીડિત અને આરોપી બંને પક્ષ તપાસમાં સહયોગ કરશે.”

આ સાથે જ કોર્ટે સત્તાવાર નોંધ લીધી હતી કે હવે આ હાઈ-પ્રોફાઈલ કેસની તપાસ સીબીઆઈ (CBI) ને સોંપી દેવામાં આવી છે અને સીબીઆઈ પોતાની જવાબદારી ખૂબ જ સક્ષમતાથી નિભાવશે.

પુરાવા સાથે છેડછાડના આક્ષેપ

સુનાવણી દરમિયાન સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કોર્ટને જણાવ્યું કે, “મૃતકા (ટ્વિશા) વિશે બહાર અનેક પ્રકારના નિવેદનો આપવામાં આવ્યા છે. આ કેસમાં તેની સાસે તપાસમાં બિલકુલ સહયોગ આપ્યો નથી અને પોતાનું સત્તાવાર નિવેદન નોંધાવવામાં પણ આનાકાની કરી છે.”

સામે પક્ષે આરોપી ગિરિબાલા સિંહના વકીલે આ દલીલનો સખત વિરોધ કરતા કહ્યું કે, “આ વાત ખોટી છે અને આવી વાતો કોર્ટ સમક્ષ ન કરવી જોઈએ, તેમણે તપાસમાં પૂરતો સહયોગ આપ્યો છે અને નિવેદન પણ રેકોર્ડ કરાવ્યું છે.”

બીજી તરફ, પીડિત પરિવાર વતી હાજર રહેલા વરિષ્ઠ એડવોકેટ સિદ્ધાર્થ લૂથરાએ ગંભીર આક્ષેપ કરતા કહ્યું કે, શરૂઆતના તબક્કે સ્થાનિક સ્તરે પુરાવાઓને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જોકે, સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું કે તેઓ હાલ આ તબક્કે કોઈ પણ પક્ષના આક્ષેપો પર કોઈ ટિપ્પણી નહીં કરે, કારણ કે CBI આ કેસની તટસ્થ તપાસ કરવા માટે સંપૂર્ણ સક્ષમ છે.

“દીકરીઓની ફરિયાદ પર ધ્યાન આપો”

કેસની કાનૂની ગૂંચવણો વચ્ચે સોલિસિટર જનરલ તુષાર મહેતાએ ભારતીય સમાજની માનસિકતા પર પ્રહાર કરતો એક મોટો સંદેશ આપ્યો હતો. તેમણે કોર્ટરૂમમાં ભારપૂર્વક કહ્યું કે, એક છૂટાછેડા લીધેલ દીકરી હંમેશા મૃત દીકરી કરતાં સારી હોય છે. લગ્ન બાદ દીકરીઓ સાસરીમાં જે પણ તકલીફો ભોગવતી હોય છે, તેના પરિવારે તેની ફરિયાદો અને માનસિક સ્થિતિ પર સમય રહેતા જ ગંભીરતાથી ધ્યાન આપવું જોઈએ, જેથી કોઈ દીકરીએ પોતાનો જીવ ગુમાવવો ન પડે.


આ પણ વાંચો : ટ્વિશા શર્મા મોત મામલે મોટો વણાંક, MP સરકારે કેન્દ્ર પાસે કરી CBI તપાસની માંગ

આ પણ વાંચો : ટ્વિશા શર્માના શવનું થશે બીજું પોસ્ટમોર્ટમ, હાઈકોર્ટે આપી મંજૂરી અને પતિ સમર્થ સિંહ કરશે સરેન્ડર

આ પણ વાંચો : છેલ્લા 5 વર્ષમાં 23 વિમાન ક્રેશ, કેન્દ્ર સરકારે સંસદમાં રજૂ કર્યો અકસ્માતોનો ચોંકાવનારો રિપોર્ટ