Gandhinagar News: ગુજરાતની રાજકીય ગલિયારીઓમાં ફરી એકવાર ચર્ચાઓનો માહોલ ગરમાયો છે. ગાંધીનગરથી લઈને સૌરાષ્ટ્ર સુધી અનેક રાજકીય કિસ્સાઓ હાલ સત્તાના વર્તુળોમાં ચર્ચાનો વિષય બન્યા છે. પેટ્રોલ-ડીઝલ (Petrol-Diesel)ની કરકસરથી લઈને વિદેશ પ્રવાસના મુદ્દે IAS-IPS અધિકારીઓના પરિવારોમાં મતભેદ ઉભા થયા હોવાની ચર્ચાઓ વચ્ચે હવે ભાજપના એક કદાવર નેતાની નજર પૂર્વ મુખ્યમંત્રીના ખાનગી બંગલા પર હોવાનું પણ રાજકીય વર્તુળોમાં ચર્ચાઈ રહ્યું છે.
Petrol-Dieselની કરકસરથી અધિકારીઓ મુશ્કેલીમાં
વૈશ્વિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા પેટ્રોલ-ડીઝલ (Petrol-Diesel )ના ખર્ચમાં કરકસર લાવવાના સંકેતો આપવામાં આવ્યા છે. જેના પગલે IAS અને IPS અધિકારીઓ માટે અનેક મર્યાદાઓ ઉભી થઈ છે. સરકારી વાહનોનો પરિવારજનો દ્વારા ઉપયોગ ન કરવા સૂચનાઓ આપવામાં આવતા અધિકારીઓના પરિવારોમાં નારાજગી જોવા મળી રહી છે.ચર્ચા એવી પણ છે કે અનેક અધિકારીઓના પરિવારજનો શોપિંગ કે અન્ય કામ માટે સરકારી વાહનોનો ઉપયોગ કરતા હતા, જે હવે લગભગ બંધ થયો છે.
વિદેશ પ્રવાસ મુદ્દે પરિવારમાં મતભેદ
પ્રધાનમંત્રી દ્વારા વિદેશ પ્રવાસ ટાળવા કરાયેલી અપીલ બાદ ઘણા IAS-IPS અધિકારીઓ પરિવાર સાથે વેકેશન માણવા જઈ શક્યા નથી. જેના કારણે કેટલાક અધિકારીઓના ઘરમાં તણાવની સ્થિતિ ઉભી થઈ હોવાનું ચર્ચાઈ રહ્યું છે.એક સિનિયર અધિકારીએ પોતાના પરિવારને આગામી નાતાલ વેકેશનમાં યુરોપ લઈ જવાનું આશ્વાસન આપ્યું હોવાનું કહેવાય છે. જ્યારે કેટલાક હોશિયાર અધિકારીઓએ અગાઉથી ટિકિટ બુક હોવાનો હવાલો આપીને વિદેશ પ્રવાસ કરી લીધો હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે.
પૂર્વ મુખ્યમંત્રીના બંગલા પર ભાજપના નેતાની નજર?
રાજકીય ગલિયારીઓમાં સૌથી વધુ ચર્ચાનો વિષય એક પૂર્વ મુખ્યમંત્રીનો ખાનગી બંગલો બન્યો છે. ચર્ચા મુજબ ભાજપ (BJP)ના સૌરાષ્ટ્રના એક પ્રભાવશાળી નેતાને આ બંગલો ખૂબ પસંદ આવ્યો છે અને તેઓ તેને ખરીદવાની તૈયારીમાં છે.સૂત્રો મુજબ આ બંગલો કરોડો રૂપિયાની કિંમતનો છે અને તેમાં વિશાળ લાઇબ્રેરી પણ બનાવવામાં આવી હતી. રાજકીય વર્તુળોમાં એવી પણ ચર્ચા છે કે ડીલ લગભગ ફાઈનલ થઈ ચૂકી છે, પરંતુ સત્તાવાર જાહેરાત હજુ સુધી કરવામાં આવી નથી.
ગુજરાતના નેતાઓ હવે બન્યા હેલ્થ કોન્શિયસ
ગુજરાતના નેતાઓમાં હવે આરોગ્ય પ્રત્યે જાગૃતિ વધતી જોવા મળી રહી છે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ (Chief Minister Bhupendra Patel) સાદું અને સાત્વિક ભોજન લેવાનું પસંદ કરે છે, જ્યારે ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા વર્ષોથી સાંજે 7 વાગ્યા પછી ભોજન લેતા નથી.હવે ઘણા ધારાસભ્યો પણ આ જીવનશૈલી અપનાવી રહ્યા હોવાનું ચર્ચાઈ રહ્યું છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ દૂધ અને ખાંડવાળી ચા છોડ્યાની ચર્ચા છે.
રમણલાલ વોરાના નામે અનોખો રેકોર્ડ
ગુજરાત વિધાનસભા (Gujarat Assembly)ના પૂર્વ અધ્યક્ષ રમણલાલ વોરાએ ફરી એકવાર ચર્ચામાં સ્થાન મેળવ્યું છે. વિધાનસભાના પૂર્વ અધ્યક્ષ હોવા છતાં તેઓ હવે એક મહત્વપૂર્ણ સમિતિના અધ્યક્ષ બન્યા છે. આ પ્રકારની ઘટના ગુજરાત વિધાનસભાના ઈતિહાસમાં પ્રથમવાર બની હોવાનું કહેવાઈ રહ્યું છે.
હર્ષ સંઘવીનું ટેકનોલોજી પર ફોકસ
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી (Deputy Chief Minister Harsh Sanghvi) હવે ગૃહ વિભાગમાં વધુ ટેકનોલોજીનો ઉપયોગ કરવા જઈ રહ્યા છે. સચિવાલયમાં જનસેવા કેન્દ્ર શરૂ કરવાની યોજના પર કામ ચાલી રહ્યું છે, જ્યાં અરજદારો સીધા વીડિયો કોન્ફરન્સ દ્વારા પોતાની રજૂઆતો કરી શકશે.આ વ્યવસ્થાથી લોકોની ફરિયાદોનું મોનિટરિંગ સીધું ગાંધીનગરથી થઈ શકશે અને અરજદારોને ધક્કા ખાવાની જરૂર નહીં રહે.
આ પણ વાંચો:આજે Petrol-Diesel ભાવ કોઈ ફેરફાર નહીં, મે મહિનામાં ₹7.50 પ્રતિ લિટર સુધીનો વધારો
આ પણ વાંચો:Petrol-Diesel ફરી મોંઘું, 10 દિવસમાં ચોથી વખત ભાવ વધારો, જાણો નવા દર
આ પણ વાંચો:શું દેશમાં Petrol-Dieselની અછત છે? ભીડ અને અફરાતફરી વચ્ચે IOCL એ જાહેર કર્યું મોટું નિવેદન
