Gujarat Heatstroke Deaths NCRB: ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી કાળઝાળ ગરમી અને ગરમ પવનોના કારણે જનજીવન પ્રભાવિત થયું છે. દિવસ દરમિયાન જ નહીં પરંતુ મોડી રાત સુધી પણ ગરમીનો પ્રકોપ યથાવત રહેતા લોકો ભારે પરેશાન થઈ રહ્યા છે. આ દરમિયાન ગરમીના કારણે સ્વાસ્થ્ય સંબંધિત ગંભીર પરિસ્થિતિઓ પણ સામે આવી રહી છે. તાજેતરમાં જાહેર થયેલા આંકડા મુજબ ગુજરાતમાં વર્ષ 2024 દરમિયાન હિટ સ્ટ્રોક અને સન સ્ટ્રોકના કારણે 15 લોકોનાં મોત નોંધાયા છે.
એક વર્ષમાં Heatstrokeથી 15 લોકોનાં મોત
જાહેર માહિતી અનુસાર હિટ સ્ટ્રોકથી મોતને ભેટનારા લોકોમાં 14 પુરુષ અને એક મહિલાનો સમાવેશ થાય છે.અગાઉના વર્ષોની સરખામણીમાં આ આંકડો ચિંતાજનક રીતે વધ્યો છે. વર્ષ 2021માં હિટ સ્ટ્રોકના કારણે 8 લોકોનાં મોત થયા હતા, જ્યારે વર્ષ 2022માં 5 અને વર્ષ 2023માં 2 લોકોનાં મોત નોંધાયા હતા.જોકે માત્ર વર્ષ 2024માં જ 15 લોકોનાં મોત થતાં ગરમીનો ખતરો વધુ ગંભીર બન્યો હોવાનું માનવામાં આવી રહ્યું છે.
દેશમાં પણ વધી રહ્યા છે કેસ
એનસીઆરબીના આંકડા મુજબ દેશમાં વર્ષ 2024 દરમિયાન ગરમીના કારણે કુલ 1832 લોકોનાં મોત થયા છે.આમાં સૌથી વધુ બિહારમાં 422 લોકોનાં મોત નોંધાયા હતા. ઉત્તર પ્રદેશમાં 352 અને પંજાબમાં 183 લોકો ગરમીના કારણે જીવ ગુમાવી ચૂક્યા છે.

મજૂરી કરતા લોકો સૌથી વધુ અસરગ્રસ્ત
નિષ્ણાતોના જણાવ્યા મુજબ બાંધકામ ક્ષેત્ર, ખેતી, ટ્રાન્સપોર્ટ અને ખુલ્લા તડકામાં કામ કરતા મજૂરો સૌથી વધુ જોખમમાં રહે છે.ભરબપોરે લાંબા સમય સુધી તડકામાં કામ કરવાથી શરીરમાં પાણીની ઉણપ, ચક્કર, ભારે થાક અને બેભાન થવાની સમસ્યાઓ વધી રહી છે. તબીબો સલાહ આપે છે કે તીવ્ર ગરમી દરમિયાન શક્ય હોય ત્યાં સુધી બપોરે બહાર નીકળવાનું ટાળવું જોઈએ અને શરીરમાં પૂરતું પાણી જળવાઈ રહે તે માટે ખાસ કાળજી રાખવી જોઈએ.
10 દિવસમાં 765 ઈમરજન્સી કોલ્સ
તાજેતરમાં ગુજરાતમાં માત્ર 10 દિવસ દરમિયાન ગરમી સંબંધિત બીમારીઓ માટે 108 એમ્બ્યુલન્સ સેવા પર 765 ઈમરજન્સી કોલ્સ નોંધાયા હતા. આ કેસોમાં ભારે તાવના 660થી વધુ કેસ સામે આવ્યા હતા. આ ઉપરાંત ડિહાઈડ્રેશન, બેભાન થઈ જવું, ઝાડા-ઉલટી, માથાનો દુખાવો અને પેટમાં દુખાવા જેવા કેસ પણ નોંધાયા હતા.
નિષ્ણાતોની સલાહ
ડોક્ટરો અને આરોગ્ય નિષ્ણાતો લોકોને ગરમીથી બચવા માટે હળવા કપડાં પહેરવા, પૂરતું પાણી પીવાનું, સીધી ધુપથી બચવાનું અને વૃદ્ધો તેમજ બાળકોની ખાસ કાળજી રાખવાની સલાહ આપી રહ્યા છે. સાથે જ બહાર કામ કરતા લોકોને નિયમિત આરામ અને પાણી પીતા રહેવા માટે પણ અપીલ કરવામાં આવી છે.
આ પણ વાંચો: રાજયભરમાં ગરમીનું તાંડવ, ખેંચ, ગભરામણ અને હિટસ્ટ્રોકથી 15 લોકોના થયા મોત
આ પણ વાંચો: રાજ્યમાં સંભવિત હિટવેવની અસર સામે આગોતરા આયોજનની તૈયારી
આ પણ વાંચો: હવામાન વિભાગે હિટવેવને લઇને આ રાજ્યો માટે કરી આ મોટી આગાહી,જાણો
