Ahmedabad News : અમદાવાદ એરપોર્ટ પર ગુરુવારે ફ્લાઈટમાં બોમ્બની ધમકી મળતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. લખનૌથી દમામ જઈ રહેલી ઈન્ડિગોની ફ્લાઈટ (IndiGo Flight)માં બોમ્બની ધમકી આપતી ચિઠ્ઠી મળી આવતાં ફ્લાઈટનું અમદાવાદ એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ (Emergency Landing)કરાવવામાં આવ્યું હતું. ઘટનાને પગલે એરપોર્ટ પર સુરક્ષા વ્યવસ્થા વધુ કડક કરવામાં આવી હતી.
મળતી માહિતી પ્રમાણે, લખનૌથી દમામ જઈ રહેલી ઈન્ડિગોની ફ્લાઈટ (IndiGo Flight)માં કુલ 107 મુસાફરો સવાર હતા. ફ્લાઈટમાં બોમ્બની ધમકીની ચિઠ્ઠી મળી આવતાં પાયલટ દ્વારા સંબંધિત તંત્રને જાણ કરવામાં આવી હતી. ત્યારબાદ તકેદારીના ભાગરૂપે ફ્લાઈટને અમદાવાદ એરપોર્ટ તરફ ડાયવર્ટ કરીને ઈમરજન્સી લેન્ડિંગ (Emergency Landing)કરાવવામાં આવ્યું હતું.
ફ્લાઈટ અમદાવાદ એરપોર્ટ પર પહોંચ્યા બાદ સુરક્ષા એજન્સીઓ અને એરપોર્ટ સિક્યુરિટી ટીમ દ્વારા જરૂરી તપાસ હાથ ધરવામાં આવી હતી. ફ્લાઈટમાં સવાર તમામ 107 મુસાફરો તેમજ 6 ક્રૂ મેમ્બરની પૂછપરછ કરવામાં આવી હતી. ધમકીની ચિઠ્ઠી ક્યાંથી મળી અને તેને કોણે મૂકી હતી તે અંગે પણ તપાસ શરૂ કરવામાં આવી છે.
આ ઘટનાની જાણ થતાં એરપોર્ટ પોલીસ પણ સક્રિય થઈ હતી. પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે અને ધમકીની ચિઠ્ઠી પાછળનું કારણ તેમજ જવાબદાર વ્યક્તિ અંગે માહિતી મેળવવાના પ્રયાસો શરૂ કર્યા છે.
ઉલ્લેખનીય છે કે, ફ્લાઈટમાં બોમ્બની ધમકી મળવાની ઘટનાઓ અગાઉ પણ સામે આવી ચૂકી છે. આવી ઘટનાઓને કારણે મુસાફરોની સુરક્ષા માટે એરપોર્ટ તંત્ર અને સુરક્ષા એજન્સીઓ દ્વારા પ્રોટોકોલ મુજબ સઘન તપાસ કરવામાં આવે છે. અમદાવાદ એરપોર્ટ પર પણ હાલ સમગ્ર મામલે તપાસ ચાલી રહી છે.
