Himmatnagar News : હિંમતનગર (Himmatnagar) શહેરમાં રખડતા ઢોર (Stray Cattle)નો ત્રાસ ફરી ચર્ચામાં આવ્યો છે. બેરણા રોડ પર રસ્તા પરથી પસાર થઈ રહેલા હરેશભાઈ શર્મા પર અચાનક આખલાએ હુમલો (Bull Attack)કર્યો હતો. સમગ્ર ઘટના નજીકના CCTVમાં કેદ થઈ હોવાનું સામે આવ્યું છે. વીડિયોમાં આખલો યુવકને એક નહીં પરંતુ ત્રણ વખત શિંગડા વડે પછાડતો જોવા મળે છે.
આ હુમલામાં હરેશભાઈને ગંભીર ઈજાઓ થઈ હોવાનું પરિવારજનોનું કહેવું છે. તેમના જમણા હાથમાં ફ્રેક્ચર થયું છે, જ્યારે ડાબા હાથના પંજાની આંગળીઓમાં પણ ફ્રેક્ચર થયું હોવાનું જણાવાયું છે. આ ઉપરાંત કમરના પાછળના ભાગે ગંભીર ઈજા થતાં 16 ટાંકા લેવા પડ્યા હતા.
પરિવારજનોના જણાવ્યા પ્રમાણે ઈજાગ્રસ્ત હરેશભાઈને 108 મારફતે હિંમતનગર સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. સારવાર દરમિયાન ઓર્થોપેડિક તબીબની રાહ જોવી પડી હોવાના પરિવારજનોના જણાવ્યા બાદ અંતે ખાનગી હોસ્પિટલમાં સારવાર લેવી પડી હતી.
અલગ-અલગ વિસ્તારોમાં પણ ઢોરના હુમલા

આ ઘટના બાદ શહેરમાં રખડતા ઢોરનો મુદ્દો ફરી ગંભીર બન્યો છે. ગોકુલેશ્વર મહાદેવ મંદિર પાસે એક આખલાએ વૃદ્ધ મહિલાને ઈજા પહોંચાડી હતી. ત્યારબાદ ગોકુલનગર રેલવે ફાટક પાસે રોડ પરથી પસાર થતી બીજી મહિલાને પણ ઢોરે અડફેટે લીધી હતી.
પોલોગ્રાઉન્ડ વિસ્તારમાં ટ્યુશનથી ઘરે પરત ફરી રહેલી કિશોરીને ગાયે અડફેટે લેતાં તેના પેટ, હાથ અને પગના ભાગે ઈજાઓ થઈ હોવાનું સામે આવ્યું છે. આમ, અલગ-અલગ ઘટનાઓમાં ચાર શહેરીજનો રખડતા ઢોરના કારણે ઈજાગ્રસ્ત બન્યા છે.
200થી વધુ આખલા પકડ્યાનો પાલિકાનો દાવો
રખડતા ઢોરના મુદ્દે હિંમતનગર નગરપાલિકા (Himmatnagar Municipality) દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી હોવાનો દાવો કરવામાં આવ્યો છે. પાલિકાના જણાવ્યા પ્રમાણે છેલ્લા એક મહિનામાં 200થી વધુ આખલા પકડવામાં આવ્યા છે.
હાલમાં દિવસ દરમિયાન ઢોર પકડવાની કામગીરી બંધ રાખીને રાત્રિના સમયે કામગીરી કરવામાં આવી રહી હોવાનું પાલિકા તરફથી જણાવાયું છે. જોકે, શહેરના રસ્તાઓ પર હજુ પણ મોટી સંખ્યામાં રખડતા ઢોર જોવા મળતાં પાલિકાની કામગીરીની અસરકારકતા અંગે સવાલો ઉભા થયા છે.
પાલિકાની કામગીરી છતાં ઢોરનો આતંક કેમ?
જો છેલ્લા એક મહિનામાં 200થી વધુ આખલા પકડવામાં આવ્યા હોય, તો શહેરના વિવિધ વિસ્તારોમાં ફરી રખડતા ઢોરનો પ્રશ્ન કેમ યથાવત્ છે તે સૌથી મોટો સવાલ છે. એક તરફ પાલિકા કાર્યવાહીનો દાવો કરી રહી છે, તો બીજી તરફ CCTV Video (CCTV Video)માં લોકો પર થતા હુમલાના દૃશ્યો સામે આવી રહ્યા છે.
શહેરીજનોમાં હવે ભયનો માહોલ છે કે રસ્તા પર રખડતા ઢોરના કારણે કોઈ મોટી દુર્ઘટના ન સર્જાય. તંત્ર દ્વારા ઢોર પકડવાની કામગીરી વધુ અસરકારક બનાવવામાં આવે અને શહેરના રસ્તાઓ પરથી રખડતા ઢોરનો કાયમી ઉકેલ લાવવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે.
હવે જોવાનું એ રહેશે કે હિંમતનગરમાં ઢોરનો આતંક (Cattle Menace) ક્યારે અટકે છે અને નગરપાલિકાની કામગીરીનો અસર રસ્તાઓ પર ક્યારે જોવા મળે છે.
