બનાસકાંઠા થરાદનાં વાડિયા ગામે આજે સરણાઈનાં સુર વાગી રહ્યાં છે સામાજિક સંસ્થાઓનાં પ્રયત્નથી આ ગામમાં ખૂબ જ પરિવર્તન આવ્યુ છે અને આજે સામાજીક સેવિકાની હાજરીમાં ગામની એક યુવતિનાં લગ્ન થયાં હતાં. જે લગ્ન રંગેચંગે કરાયા હતાં.

વાડિયા ગામ જે નામ સાંભળતા જ લોકોનાં મનમાં એક જ સવાલ ઉભો થાય જે દેહવ્યાપાર. છોકરીઓનાં દેહવ્યાપાર માટે જાણીતા આ ગામનાં લોકોમાં હવે ઘણા પરિવર્તન જોવા મળી રહ્યા છે. સતત સામાજિક સંસ્થાઓનાં પ્રયત્નથી વાડિયા ગામમાં ખૂબ જ પરિવર્તન આવ્યુ છે. બનાસકાંઠા જીલ્લાનાં છેવાડે આવેલ થરાદનાં અંતરિયાળ વિસ્તારમાં આવેલુ વાડિયા ગામ છે. આ ગામ દેહવ્યાપાર તરીકે સમગ્ર દેશમાં બદનામ થયુ હતુ ત્યારે આ ગામમાં સુધારો લાવવા સરકારે અનેક પ્રયત્નો કર્યા હતાં. વર્ષો પહેલા રાજય સરકારનાં મંત્રી અશોક ભટ્ટએ આ ગામને દત્તક લઇ ગામની મહિલાઓને બહેન બનાવી ગામમાં પાણીનો બોર બનાવી આપી ખેતી તરફ વળવા પ્રયત્ન કર્યો હતો પણ સરકારનાં પ્રયત્નો સફળ થયાં નહીં પરંતુ વર્ષ 2006માં વિચરતી વિમુકતિ સમુદાય મંચનાં ચેરમેન મિત્તલબેન પટેલએ ગામનાં લોકોમાં પરિવર્તન લાવવા પ્રયત્ન શરૂ કર્યા અને પ્રથમ 2012 માં આ ગામમાં સમૂહ લગ્ન થયાં અને બાદમાં હવે ગામમાં લગ્ન થવા લાગ્યા છે.

ગામની દીકરીઓને હવે દેહવ્યાપારમાં ધકેલવાની જગ્યાએ ઉંમર થતા લગ્ન કરાવી દેવામાં આવે છે. વાડિયા ગામમાં એક દિકરીનાં લગ્ન થઈ રહ્યાં હતાં જયાં મિત્તલબેન પટેલ દ્રારા સતત આ ગામની મહિલાઓ અને દીકરીઓને વ્યવસાય માટે ભેંસો લઇને આપી, અન્ય ગામની મહિલાઓને પણ વ્યવસાય માટે રૂપિયા 80 લાખની લોન પણ વિચરતી વિમુકતિ સમુદાય મંચ દ્રારા અપાઈ છે. અને હાલ આ ગામની મહિલાઓ અને દીકરીઓ ખેતી અને પશુપાલન કરી પરિવારનું ગુજરાન ચલાવી રહ્યાં છે.

વાડિયા ગામની મહિલાઓ પણ આ સંસ્થા સાથે જોડાઇ છે અને ગામની મહિલાઓ લગ્ન કરવા ગામની દિકરીઓને તૈયાર કરે છે દિકરી ઉંમર થતા જ ગામની મહિલાઓ પરિવારને સમજાવી દિકરીનાં લગ્ન કરાવી દે છે. જો કે આ ગામની મહિલાઓ આજે આ સંસ્થાનાં સંચાલકોનો ખૂબ જ આભાર વ્યકત કરે છે. ગામને બદનામીમાંથી બહાર કાઢવાનું અને સાથે મદદ કરવાનું કામ પણ આ સંસ્થા કરી રહી છે. ગામની મહિલાઓ આભાર માનતા કહે છે કે, બહેને આવીને સહયોગ કર્યો, અગાઉ સમૂહ લગ્ન કર્યા, ભેંસો લાવવા લોન આપી, ખેતી કરીયે છીયે, અત્યારે પાંચ દિકરીઓનાં લગ્ન કરાવ્યા, પહેલા અમારી છાપ ખરાબ હતી, પણ હવે આવુ નથી, અમારા ગામમાં ખૂબ જ સુધારો આવ્યો છે. અગાઉની સરકારો આ ગામને બદનામીમાંથી બહાર લાવવા ઘણા પ્રયત્નો કર્યા પણ ગામનાં લોકોની જરૂરિયાત મુજબ કામો થયા જ નહીં જેથી ગામની મહિલાઓ પોતાના વ્યવસાયથી હટી નહીં આજે પણ આ ગામને સુધારવા સામાજીક સંસ્થાનો સાથ મળ્યો છે બાકી આ ગામમાં આજે પણ અનેક ઘરોમાં લાઈટ નથી તો ગામની મહિલાઓ આજે પણ પાણી માટે ફાંફાં મારી રહી છે.
