Rajkot News : રાજકોટમાં મકરસંક્રાતિની મોડી રાત્રે 1 વાગ્યા આસપાસ ભગતસિંહ ગાર્ડન પાસે નકળંગ ચાની દુકાન પર પેટ્રોલ બોમ્બ બનાવીને ફેંક્યાના ચકચારી બનાવમાં સંડોવાયેલા એક સગીર સહિત 3 આરોપીની પોલીસે ધરપકડ કરી છે, જયારે ફરાર એક આરોપીની શોધખોળ હાથ ધરી છે. હોટલ ખાતે રૂપિયાની લેતી-દેતી મામલે બોલાચાલી થતા મામલો મારામારી સુધી પહોંચ્યો હતો અને બાદમાં રોષે ભરાયેલ યુવાનો ઇન્સ્ટાગ્રામમાં રીલ જોઈ પેટ્રોલ બોમ્બ બનાવવાનું શીખી બાદમાં વાહનમાંથી પેટ્રોલ કાઢી પેટ્રોલ બોમ્બ બનાવી હોટલ પર ફેંકી સળગાવવાનો પ્રયાસ કર્યો હતો.
પોલીસે આજરોજ બંને આરોપીને હોટલ ખાતે ઘટના સ્થળ પર લઇ જઈ સમગ્ર ઘટનાને કેવી રીતે અંજામ આપ્યો હતો તે અંગે પંચોની હાજરીમાં રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું..રાજકોટ શહેરના યુનિવર્સિટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આકાશવાણી ચોક નજીક ભગતસિંહ ગાર્ડન પાસે 3 દિવસ પૂર્વે નકળંગ ટી સ્ટોલ ખાતે 100 રૂપિયાની લેતીદેતી મામલે બોલાચાલી કરી બાદમાં પેટ્રોલ બોમ્બ મારફત દુકાન સળગાવવા પ્રયત્ન કરવા કેસમાં રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ગઇકાલે આરોપી ચિરાગ શૈલેષભાઇ જલાલજી (ઉ.વ.20)ની ધરપકડ કરી યુનિવર્સિટી પોલીસને સોંપવામાં આવ્યો હતો.
જયારે અન્ય એક આરોપી જયદેવ રામાવત અને તેની સાથે એક સગીર આરોપીને યુનિવર્સિટી પોલીસે ઝડપી પાડી તેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જયારે હજુ એક અન્ય આરોપી ફરાર હોય જેને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે.પોલીસ તપાસમાં આરોપી પ્રથમ નકળંગ હોટલ ખાતે ગયા હોય જ્યાં રૂપિયાની લેતીદેતી મામલે બોલચાલ થતા હોટલ સંચાલકે તેને માર માર્યો હોવાથી યુવક રોષે ભરાયા હતા. બાદમાં ત્યાંથી નાસી જઈ ઇન્સ્ટાગ્રામમાં રીલ મારફત પેટ્રોલ બોમ્બ બનાવવાનું શીખ્યા હતા અને વાહનમાંથી પેટ્રોલ કાઢી બોટલમાં ભરી હોટલની સામે ઉભા રહી હોટલ પર ફેંકવામાં આવી હતી.
જે સમગ્ર ઘટનાના CCTV ફૂટેજ પણ સામે આવ્યા હતા. આરોપીઓની ધરપકડ બાદ આજ રોજ બપોરના સમયે યુનિવર્સિટી પોલીસ બંને આરોપી જયદેવ અને ચિરાગને ઘટના સ્થળ પર લઇ જઇ સમગ્ર ઘટનાને કેવી રીતે અંજામ આપ્યો હતો? તે અંગે પંચોની હાજરીમાં રિકંસ્ટ્રક્શન કરાવ્યું હતું.ઉલ્લેખનીય છે કે, આરોપીઓની પુછપરછ કરતા તેમને કબૂલાત આપી હતી કે, સમગ્ર ઘટનામાં બોલાચાલી થયા બાદ હોટલના સંચાલક દ્વારા માર મારી પાઇપ વડે હુમલો કરવામાં આવ્યો હતો.
જેથી, આ મામલે નકળંગ હોટલ સંચાલક મુન્નાભાઈ ભરવાડ અને સાહિલ ભરવાડ વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે. જેમાં મારામારી, મદદગારી તેમજ જાનથી મારી નાખવાની ધમકી સહિતની કલમ હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ફરિયાદમાં હોટલ સંચાલક આરોપીઓ દ્વારા જયદેવ રામાવતને ટી સ્ટોલ ખાતે લોખંડના પાઇપ તેમજ ઢીકા પાટુ વડે માર મારવામાં આવ્યો હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
આ પણ વાંચો: આખલાની લડાઈમાં બેંક ઓફ બરોડાને લાગ્યો ચૂનો! બરાબરની કરાઈ તોડફોડ
આ પણ વાંચો: હૈદરાબાદમાં ઓસ્માનિયા યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ અભિનેતા અલ્લુ અર્જુનના ઘરની બહાર તોડફોડ કરી
આ પણ વાંચો: ઈન્દોરમાં ફટાકડા ફોડવા મામલે હિંસા ફાટી નીકળી, વાહનોમાં તોડફોડ અને આગ ચાંપવાના બનાવો
