Vadodara News : આધુનિક જીવનશૈલી, રોજગાર માટેનું સ્થળાંતર અને બદલાતા કૌટુંબિક માળખાને કારણે સંયુક્ત પરિવારો (Joint Family)નું પ્રમાણ સતત ઘટી રહ્યું છે. તેના પરિણામે વડીલો (Elder)માં એકલતા અને સંભાળ સંબંધિત પડકારો વધી રહ્યા છે. વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની ફેકલ્ટી ઓફ ફેમિલી એન્ડ કોમ્યુનિટી સાયન્સિસ દ્વારા કરવામાં આવેલા તાજેતરના અભ્યાસમાં આ ચિંતાજનક વલણ સામે આવ્યું છે.
અભ્યાસ મુજબ, વડોદરા (Vadodara)ના નાગરિકોમાં વડીલો (Elder)ની સંભાળ અંગે પરંપરાગત માન્યતાઓમાં નોંધપાત્ર પરિવર્તન જોવા મળી રહ્યું છે. મોટાભાગના લોકો હવે માને છે કે માતા-પિતાની સેવા માત્ર પુત્રવધૂની જવાબદારી નથી, પરંતુ પુત્ર અને પુત્રવધૂ બંનેની સમાન ફરજ છે. એટલું જ નહીં, પરણિત દીકરી અને જમાઈ પણ વડીલોની યોગ્ય રીતે સંભાળ રાખી શકે છે તેવો સ્વીકાર સમાજમાં ઝડપથી વધી રહ્યો છે.
વડીલોમાં એકલતા વધવાના મુખ્ય કારણો
અભ્યાસમાં સામેલ મધ્યમ વયના લોકોનું માનવું છે કે સંતાનો નોકરી કે વ્યવસાય માટે અન્ય શહેરો અથવા વિદેશમાં સ્થાયી થતા હોવાથી વડીલો એકલતા અનુભવે છે. બીજી તરફ, વૃદ્ધોએ પેઢીગત વિચારોના તફાવત અને જનરેશન ગેપને પોતાની એકલતાનું મુખ્ય કારણ ગણાવ્યું છે.
‘સેન્ડવિચ જનરેશન’ પર વધતું દબાણ
35 થી 60 વર્ષની વયજૂથને અભ્યાસમાં ‘સેન્ડવિચ જનરેશન’ તરીકે ઓળખાવવામાં આવી છે. આ વર્ગ એક તરફ પોતાના બાળકો અને બીજી તરફ વૃદ્ધ માતા-પિતાની જવાબદારીઓ વચ્ચે સંતુલન સાધવાનો પ્રયાસ કરે છે. સર્વેમાં સામેલ 92.6 ટકા લોકોએ સ્વીકાર્યું કે વડીલો (Elder)ની સંભાળ અને વ્યવસાયિક જવાબદારીઓ વચ્ચે સતત સંઘર્ષ રહે છે.
જોકે 77.5 ટકા લોકો વડીલોની સેવા કરીને આત્મિક સંતોષ અનુભવે છે, તેમ છતાં લગભગ 74 ટકા લોકોએ સ્વીકાર્યું કે બેવડી જવાબદારીઓના કારણે તેઓ માનસિક અને શારીરિક રીતે થાકી જાય છે.
વૃદ્ધાશ્રમ પ્રત્યે બદલાતો અભિગમ

બદલાતા સામાજિક માળખા વચ્ચે વૃદ્ધાશ્રમ અને કેર સેન્ટર અંગે લોકોના વિચારોમાં પણ પરિવર્તન જોવા મળી રહ્યું છે. અભ્યાસમાં જાણવા મળ્યું કે મધ્યમ વયના 25 ટકા લોકો ભવિષ્યમાં જરૂર પડ્યે આવી સંસ્થાઓમાં રહેવા તૈયાર છે, જ્યારે વૃદ્ધોમાં આ સ્વીકાર માત્ર 8.8 ટકા જ છે.
તેમ છતાં, મોટાભાગના લોકો હજુ પણ પરંપરાગત વૃદ્ધાશ્રમ અને આધુનિક રિહેબિલિટેશન અથવા કેર સેન્ટર વચ્ચેનો તફાવત સમજી શકતા નથી, જે જાગૃતિની જરૂરિયાત દર્શાવે છે.
હોમ-બેઝ્ડ કેર બની શકે છે ભવિષ્યનો વિકલ્પ
અભ્યાસ સૂચવે છે કે વડીલોની સંભાળ માટે માત્ર વૃદ્ધાશ્રમ જ એકમાત્ર વિકલ્પ નથી. ભવિષ્યમાં ‘હોમ-બેઝ્ડ કેર’ એટલે કે પોતાના ઘરમાં રહીને મેડિકલ અને કેરિંગ સેવાઓ મેળવવાનો વિકલ્પ વધુ લોકપ્રિય બની શકે છે. નિષ્ણાતોના મતે, આવી સેવાઓને વડીલોના ત્યાગ તરીકે નહીં પરંતુ વ્યાવસાયિક અને જરૂરી સહાય તરીકે જોવાની જરૂર છે.
એમ.એસ. યુનિવર્સિટીના આ સંશોધનથી સ્પષ્ટ થાય છે કે બદલાતી જીવનશૈલી અને પરિવાર વ્યવસ્થાને કારણે વડીલોની સંભાળ માટે સમાજે નવા વિકલ્પો અને નવી વિચારસરણી અપનાવવાની જરૂર છે. વડીલોને સુરક્ષિત, સન્માનજનક અને લાગણીસભર જીવન મળી રહે તે માટે પરિવાર, સમાજ અને સંસ્થાઓએ સંયુક્ત પ્રયાસો કરવાની જરૂરિયાત વધુ સ્પષ્ટ બની છે.
