Surat News : સુરત (Surat)માં છેલ્લા કેટલાક દિવસોથી ચર્ચાનું કેન્દ્ર બનેલા ‘ભૂતીયા ડિમોલિશન‘ (Ghost Demolition)મામલે હવે નવા સવાલો ઉભા થયા છે. આ કાર્યવાહી બાદ અનેક પરિવારો બેઘર બન્યા હોવાનો દાવો કરી રહ્યા છે, જ્યારે બીજી તરફ સુરત મહાનગરપાલિકા (Surat Municipal Corporation) ના વિવિધ અધિકારીઓના નિવેદનોમાં મોટો વિરોધાભાસ સામે આવતા સમગ્ર ઘટનાક્રમ વધુ વિવાદાસ્પદ બન્યો છે.
ઘટનાના 12 દિવસ બાદ મનપા તંત્ર દ્વારા ડિમોલિશન સંપૂર્ણપણે કાયદાકીય પ્રક્રિયા મુજબ થયું હોવાનો દાવો કરવામાં આવ્યો છે. જોકે આ દાવા સાથે જ કેટલાક મહત્વપૂર્ણ પ્રશ્નો પણ ઉભા થયા છે. સ્થાનિક લોકો અને અસરગ્રસ્ત પરિવારોનું કહેવું છે કે ડિમોલિશન પહેલાં તેમને કોઈ સત્તાવાર નોટિસ આપવામાં આવી નહોતી, જેના કારણે તેઓ પોતાની રજૂઆત પણ કરી શક્યા નહોતા.
ભૂતીયા ડિમોલિશન‘ (Ghost Demolition)મામલે અધિકારીઓ અને કમિશનરના નિવેદનોમાં વિરોધાભાસ
મામલો ત્યારે વધુ ગૂંચવાયો જ્યારે મનપાના કેટલાક અધિકારીઓએ કાર્યવાહી નિયમો મુજબ થઈ હોવાનું જણાવ્યું, જ્યારે અગાઉ મનપા કમિશનરે જાહેરમાં એવું કહ્યું હતું કે ડિમોલિશન કોણે અને કઈ પરિસ્થિતિમાં કર્યું તેની તપાસ ચાલી રહી છે. હવે મનપા તરફથી જ ડિમોલિશન કાયદેસર હોવાનો દાવો થતા બંને નિવેદનો વચ્ચે સ્પષ્ટ વિરોધાભાસ જોવા મળી રહ્યો છે.
આ વિરોધાભાસને કારણે સ્થાનિક નાગરિકો અને રાજકીય વર્તુળોમાં અનેક સવાલો ઉઠી રહ્યા છે. જો કાર્યવાહી સંપૂર્ણ કાયદેસર હતી તો તેની જવાબદારી કોણે સંભાળી? અને જો તમામ નિયમોનું પાલન થયું હતું તો અસરગ્રસ્તોને અગાઉથી જાણ કેમ કરવામાં આવી નહોતી?
હાઇલેવલ બેઠકમાં ચર્ચા
વિવાદ વધતા સુરત મહાનગરપાલિકા (Surat Municipal Corporation)ના તાપી ભવન ખાતે કમિશનર સહિતના ઉચ્ચ અધિકારીઓની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ રહી છે. આ બેઠકમાં સમગ્ર ઘટનાક્રમની સમીક્ષા સાથે આગામી કાર્યવાહી અંગે ચર્ચા કરવામાં આવી રહી હોવાનું જાણવા મળી રહ્યું છે.
લોકોમાં રોષ, પારદર્શિતાની માંગ
ડિમોલિશનથી અસરગ્રસ્ત પરિવારોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. લોકોનું કહેવું છે કે તંત્ર તરફથી સ્પષ્ટ જવાબ મળતો નથી અને અલગ-અલગ નિવેદનોને કારણે ગૂંચવણ વધી રહી છે. અસરગ્રસ્તો સમગ્ર મામલે નિષ્પક્ષ તપાસ અને જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી કરવાની માંગ કરી રહ્યા છે.
હાલ સમગ્ર શહેરની નજર મનપાની તપાસ અને આગામી નિર્ણય પર ટકેલી છે. હવે જોવાનું એ રહેશે કે આ વિવાદમાં જવાબદારી નક્કી થાય છે કે નહીં અને બેઘર બનેલા પરિવારોને ન્યાય મળે છે કે નહીં.
