Surat Fake Demolition News: ગુજરાતના આર્થિક પાટનગર ગણાતા સુરત શહેરમાંથી એક સનસનાટીભર્યો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. સુરતના વેડ દરવાજા વિસ્તારમાં આવેલા નાસિર નગરમાં ગરીબ અને મધ્યમવર્ગીય પરિવારોના વર્ષો જૂના મકાનો પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું. ચોંકાવનારી વાત એ છે કે, આ કાર્યવાહી સુરત મહાનગરપાલિકા (SMC) દ્વારા કરવામાં આવી હોવાનું કહીને મકાનો તોડી પડાયા હતા, પરંતુ હવે પાલિકાએ આ આખા મામલે પોતાના હાથ ખંખેરી લીધા છે. મ્યુનિસિપલ કોર્પોરેશને સ્પષ્ટ કર્યું છે કે તેમણે આવું કોઈ ડિમોલિશન કર્યું જ નથી, જેના કારણે સુરતમાં ‘નકલી ડિમોલિશન’નો આ મોટો સ્કેમ ચર્ચાના કેન્દ્રમાં આવ્યો છે.
Surat :રોડ પહોળો કરવાના બહાને ગરીબોના આશિયાના છીનવાયા
મળતી માહિતી અનુસાર, વેડ દરવાજા સ્થિત નાસિર નગરમાં વર્ષોથી વસવાટ કરતા સ્થાનિકોના કાચા-પાકા મકાનોને અચાનક તોડી પાડવામાં આવ્યા હતા. જે તે સમયે તંત્ર વતી આવેલા લોકોએ એવી રજૂઆત કરી હતી કે રોડ પહોળો કરવાના પ્રોજેક્ટ અંતર્ગત આ લાઈન દોરીનું ડિમોલિશન કરવું અનિવાર્ય છે. પોતાના ઘર તૂટતા જોઈને લાચાર બનેલા સ્થાનિકોએ વહીવટી આદેશ સમજીને વિરોધ કરવાનું ટાળ્યું હતું.
SMC ના જવાબથી અધિકારીઓ અને નેતાઓ સ્તબ્ધ!
આ ડિમોલિશન બાદ જ્યારે અસરગ્રસ્તો અને સ્થાનિક કોંગ્રેસના અગ્રણીઓએ આ મામલે સુરત મહાનગરપાલિકાની કચેરી ખાતે જઈને ઉચ્ચ અધિકારીઓ સમક્ષ રજૂઆત કરી અને ન્યાયની માંગણી કરી, ત્યારે પાલિકા તરફથી મળેલા જવાબથી સૌ કોઈના હોશ ઉડી ગયા હતા. પાલિકાના અધિકારીઓએ ખુલાસો કરતા સ્પષ્ટ જણાવ્યું કે, “નાસિર નગરમાં મહાનગરપાલિકા દ્વારા કોઈપણ પ્રકારનું ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું નથી અને આ કાર્યવાહી સાથે પાલિકાને કોઈ લેવાદેવા નથી.” અધિકારીઓએ ઉમેર્યું કે તે દિવસે ઘટનાસ્થળે પાલિકાની સેન્ટ્રલ ઝોન કે અન્ય કોઈ ટીમનો એક પણ માણસ હાજર નહોતો.
જો પાલિકા નહોતી, તો પોલીસ પ્રોટેક્શન સાથે બુલડોઝર કોણે ફેરવ્યું?
પાલિકાના આ ગોળ-ગોળ જવાબોએ અનેક ગંભીર સવાલો ઊભા કર્યા છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ, જ્યારે મકાનો તોડવામાં આવ્યા ત્યારે ઘટનાસ્થળે પૂરતો પોલીસ બંદોબસ્ત હાજર હતો અને લોકોએ સ્પષ્ટ જોયું હતું કે ખાખી વર્દીમાં પોલીસ જવાનો અને વાદળી શર્ટ પહેરેલા લાઈન દોરીના અધિકારીઓ ત્યાં તૈનાત રહીને મકાનો તોડાવી રહ્યા હતા. ત્યારે સૌથી મોટો સવાલ એ ઊભો થાય છે કે જો મ્યુનિસિપલ કોર્પોરેશને આ ઓપરેશન નથી કર્યું, તો પછી પોલીસ પ્રોટેક્શન મેળવીને સરકારી તંત્રના નામે આટલી મોટી ગેરકાયદેસર કાર્યવાહી કરવાની હિંમત સુરતમાં કોણે કરી?
બિલ્ડરને આર્થિક ફાયદો કરાવવા મિલીભગતની પ્રબળ આશંકા
સ્થાનિક સૂત્રોના જણાવ્યા અનુસાર, નાસિર નગરમાં જે જગ્યાએ આ ડિમોલિશન કરવામાં આવ્યું છે, તેની બિલકુલ બાજુમાં જ એક જાણીતા ખાનગી બિલ્ડરનો મોટો નિર્માણાધીન પ્રોજેક્ટ (Construction Project) ચાલી રહ્યો છે. આથી અસરગ્રસ્તોમાં એવી પ્રબળ આશંકા સેવાઈ રહી છે કે તે બિલ્ડરના પ્રોજેક્ટને આર્થિક અને ભૌગોલિક લાભ પહોંચાડવા માટે, રોડ પહોળો કરવાના બહાને આ કાવતરું ઘડવામાં આવ્યું છે. શું કોઈ ખાનગી બિલ્ડરના ઇશારે આખું સરકારી તંત્ર કૂતપતળી બની ગયું હતું? શું સ્થાનિક પોલીસ અને લેન્ડ માફિયાઓની મિલીભગત વિના આટલો મોટો ધડાકો શક્ય છે?
ન્યાય માટે હવે પોલીસ કમિશનરના દ્વાર ખખડાવવામાં આવશે
આ અત્યંત ગંભીર અને ભ્રષ્ટાચારની ગંધ મારતા મામલે હવે કોંગ્રેસ અગ્રણીઓ અને ઘર વિહોણા બનેલા અસરગ્રસ્તો સુરત પોલીસ કમિશનરને રૂબરૂ મળીને પુરાવા સાથે લેખિત રજૂઆત કરવાના છે. જો ખરેખર સરકારી તંત્ર અને ખાખી વર્દીનો દુરુપયોગ કરીને કોઈ પ્રાઇવેટ બિલ્ડરે આ મકાનો તોડાવ્યા હશે, તો સુરત પોલીસ અને મહાનગરપાલિકા બંનેની આબરૂના લીરેલીરા ઉડી જશે. હાલ તો આ ‘નકલી ડિમોલિશન‘ના કિસ્સાએ સુરતના રિયલ એસ્ટેટ અને રાજકારણમાં ગરમાવો લાવી દીધો છે.
આ પણ વાંચો: સુરતમાં ગેરકાયદે ઝીંગા તળાવોનું ડિમોલિશન કરાયું શરૂ
આ પણ વાંચો: એરપોર્ટ પાસેની ઈમારતોનો ડિમોલિશન પહેલા એરોનોટિકલ સર્વે ફરજિયાત
આ પણ વાંચો: વિરમગામમાં હાઈવે પહોળો કરવા મેગા ડિમોલિશન, 500 પોલીસકર્મી તૈનાત
