Gandhidham BJP Leader Suicide: રાજ્યમાં વ્યાજખોરો સામે ચાલી રહેલી ઝુંબેશ વચ્ચે પણ કચ્છના ગાંધીધામમાંથી એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. ગાંધીધામ શહેર ભાજપના મંત્રી દિપેશ ત્રિપાઠીએ વ્યાજખોરોની પઠાણી ઉઘરાણી અને આર્થિક સંકળામણથી કંટાળીને ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું છે. આ મામલે મૃતકની પત્નીએ 14 વ્યાજખોરો સહિત કુલ 18 શખ્સો સામે આદિપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
Gandhidham : કેવી રીતે ફસાયા વ્યાજખોરોના ચુંગાલમાં?
મૃતક દિપેશ ત્રિપાઠી પાસે બાલાજી વેફર્સની એજન્સી હતી. પોલીસ ફરિયાદ મુજબ, ‘કટારિયા એન્ટરપ્રાઈઝ’ના કેટલાક વ્યક્તિઓ સાથેના વિખવાદને કારણે તેમનો ધંધો ખોરવાઈ ગયો હતો. ધંધો ઠપ થતાં અને આર્થિક સંકળામણ ઊભી થતાં દિપેશે ઘર ચલાવવા અને દેવું ચૂકવવા અલગ-અલગ લોકો પાસેથી વ્યાજે પૈસા લીધા હતા. ધીરે ધીરે તેઓ વ્યાજખોરોના એવા ચુંગાલમાં ફસાયા કે વ્યાજ ચૂકવવામાં જ પાયમાલ થઈ ગયા.

જાનથી મારી નાખવાની ધમકી
ફરિયાદમાં નોંધાયેલા ચોંકાવનારા આરોપો મુજબ, દિપેશે કરણ આહીર નામના શખ્સ પાસે પોતાની પત્નીના દાગીના ગીરો મૂક્યા હતા. જોકે, લીધેલી મૂડી કરતાં પણ વધુ વ્યાજ ચૂકવી દીધું હોવા છતાં, કરણ દાગીના પરત આપતો નહોતો. જ્યારે દિપેશ પોતાની અમાનત લેવા ગયા, ત્યારે કરણના પિતા અને અન્ય શખ્સોએ તેમને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ ઉપરાંત, ભચાઉ, ભુજ અને આદિપુરના અનેક વ્યાજખોરો સતત ફોન કરીને પઠાણી ઉઘરાણી કરતા હતા, જેના કારણે તેઓ ભયંકર માનસિક ત્રાસ વેઠી રહ્યા હતા.
સ્યુસાઈડ નોટ અને વીડિયો રેકોર્ડિંગમાં ખુલાસો
દિપેશે આપઘાત કરતા પહેલા એક સ્યુસાઈડ નોટ અને વીડિયો રેકોર્ડિંગ કર્યું હતું, જેમાં તેમણે પોતાની વ્યથા અને વ્યાજખોરોના નામનો ઉલ્લેખ કર્યો હોવાનું જાણવા મળે છે. પોલીસે આ પુરાવાઓના આધારે તપાસ તેજ કરી છે.
કોની સામે નોંધાઈ ફરિયાદ?
પોલીસે આ ગંભીર બાબતે ત્વરિત કાર્યવાહી કરતા કુલ 18 શખસો સામે ગુનો નોંધી કાયદેસરની તપાસ હાથ ધરી છે. આ ફરિયાદમાં જે મુખ્ય નામો સામે આવ્યા છે તેમાં કરણ આહીર અને ડાયાલાલ આહીર, ભચાઉના નુટભા સોઢા તેમજ ભુજની રોશની આનંદ ભટ્ટનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, મુકેશ અને હરેશ મિરાણી, લોન એજન્ટ તરીકે કામ કરતા પ્રકાશ મોદી, ધર્મેન્દ્રસિંહ ભાટી ઉર્ફે ધમો અને ક્રિપાલસિંહ સહિતના અન્ય વ્યાજખોરો સામે પણ પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
પરિવારમાં માતમ
5 માર્ચના રોજ બપોરે ભરેલા આ અંતિમ પગલાથી ભાજપના સ્થાનિક સંગઠન અને પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. પત્નીએ હિંમત દાખવીને પોલીસમાં તમામના નામ આપ્યા છે, જેથી અન્ય કોઈ આ વ્યાજખોરોનો શિકાર ન બને.
આ પણ વાંચો:રાજકોટમાં વ્યાજખોરોના ત્રાસથી પોલીસ એક્શનમાં આવી, જીવલેણ હુમલાના આરોપીને ઝડપ્યો
આ પણ વાંચો: પોરબંદરમાં 28 લાખ પર એક કરોડ ચૂકવવા છતાં ધમકી આપનારા વ્યાજખોરોની ધરપકડ
આ પણ વાંચો:મારી પાસે હવે પૈસા નથી થાક્યો વ્યાજખોરોના ત્રાસથી રાજકોટમાં યુવકે વીડિયો બનાવી કર્યો આપઘાત
