Surat News: દેશના સૌથી સ્વચ્છ શહેરોમાં સ્થાન મેળવનાર સુરતમાં સ્વચ્છતા(Garbage Dump Surat) વ્યવસ્થાને લઈને ગંભીર સવાલો ઊભા થયા છે. ભટાર-બમરોલી અને પાંડેસરા વિસ્તારને જોડતી ખાડી નજીક આવેલા અંદાજે રૂ.150 કરોડના ખર્ચે નિર્માણ પામેલા એશિયાના સૌથી મોટા અર્બન ફોરેસ્ટ (PM Modi Biodiversity Park)ની સામે જ છેલ્લા કેટલાક સમયથી કચરાનો મોટો ઢગલો ઉભો થઈ ગયો છે. એક વર્ષ પહેલાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે આ પાર્કનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું, પરંતુ આજે તેની સામે જ ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે.
Garbage Dump Surat: ડ્રોન તપાસમાં સામે આવી ચોંકાવનારી હકીકત

ડ્રોન સર્વે દરમિયાન પાર્કની સામે આવેલા વિસ્તારમાં ખુલ્લેઆમ કચરાનો ઢગલો જોવા મળ્યો હતો. આશરે 87 હેક્ટરમાં ફેલાયેલા પાર્કની બાજુમાં જ મોટી માત્રામાં ઘન કચરો ફેંકવામાં આવી રહ્યો હોવાનું સામે આવ્યું છે. આ વિસ્તાર રોજ હજારો લોકો ઉપયોગમાં લે છે અને આસપાસ મોટી રહેણાંક વસાહતો આવેલી હોવા છતાં ગંદકી દૂર કરવા માટે અસરકારક કાર્યવાહી થતી ન હોવાના આક્ષેપો થઈ રહ્યા છે.
મૃત પશુઓનો પણ ખુલ્લામાં નિકાલ

તપાસ દરમિયાન માત્ર ઘરગથ્થુ કચરો જ નહીં પરંતુ મૃત પશુઓનો પણ ખુલ્લેઆમ નિકાલ થતો હોવાનું સામે આવ્યું છે. કેટલીક જગ્યાએ મૃત પશુઓ ફેંકાયેલા જોવા મળ્યા હતા, જેના કારણે દુર્ગંધ અને ચેપજન્ય રોગો ફેલાવાનો ભય વ્યક્ત કરવામાં આવી રહ્યો છે. સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ આ સ્થિતિ લાંબા સમયથી યથાવત છે.
વાહનચાલકો અને સ્થાનિકો માટે મુશ્કેલી
કચરાનો ઢગલો રોડની બાજુમાં જ હોવાથી વાહનચાલકોને અવરજવર કરવામાં મુશ્કેલી પડી રહી છે. કેટલીક જગ્યાએ સુરક્ષા માટે લગાવવામાં આવેલા પતરાં તૂટી જતાં કચરો રોડ પર ફેલાઈ રહ્યો છે. આસપાસની ઝૂંપડપટ્ટીમાં રહેતા લોકો માટે પણ દુર્ગંધ, મચ્છરો અને ગંદકીના કારણે આરોગ્ય સંબંધિત જોખમો વધી રહ્યા છે.
પાલિકાનું શું કહેવું છે?
સુરત મહાનગરપાલિકાના (Surat Municipal Corporation) આરોગ્ય વિભાગના અધિકારીઓએ જણાવ્યું કે આ સ્થળ કોઈ અધિકૃત ડમ્પિંગ સાઇટ નથી. તેમના જણાવ્યા મુજબ કેટલાક અસામાજિક તત્વો અને સ્થાનિક લોકો રાત્રિના સમયે અહીં ગેરકાયદેસર રીતે કચરો નાખી જાય છે. પાલિકા દ્વારા અગાઉ દંડની કાર્યવાહી અને ચેતવણીના બોર્ડ લગાવવામાં આવ્યા હોવાનો દાવો પણ કરવામાં આવ્યો છે.
સ્થાનિકોમાં રોષ, ઉકેલની માંગ
સ્થાનિક રહેવાસીઓનું કહેવું છે કે જો પાલિકા દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે તો કચરાનો ઢગલો દિવસેને દિવસે મોટો કેમ થઈ રહ્યો છે? લોકોનું માનવું છે કે માત્ર દંડ પૂરતો નથી, પરંતુ સતત દેખરેખ અને કડક અમલ જરૂરી છે જેથી ગંદકીનો કાયમી ઉકેલ આવી શકે.
પર્યાવરણ નિયમોના ઉલ્લંઘનના સવાલો
ખુલ્લામાં કચરો અને મૃત પશુઓનો નિકાલ થવાને કારણે Solid Waste Management Rules, 2016 અને પર્યાવરણ સુરક્ષા સંબંધિત નિયમોના અમલ અંગે પણ સવાલો ઊભા થયા છે. નિષ્ણાતોના મતે આવા કચરાનો વૈજ્ઞાનિક રીતે નિકાલ કરવો જરૂરી છે જેથી પર્યાવરણ અને જાહેર આરોગ્ય પર તેની નકારાત્મક અસર ન પડે.
સ્વચ્છતા અભિયાન વચ્ચે છબી પર પ્રશ્નચિહ્ન
એક તરફ સુરત શહેર ફરી સ્વચ્છતા સર્વેક્ષણમાં ટોચનું સ્થાન જાળવી રાખવાના પ્રયાસોમાં વ્યસ્ત છે, ત્યારે બીજી તરફ બાયોડાયવર્સિટી પાર્કની સામે જ જોવા મળેલી ગંદકી શહેરની સ્વચ્છતાની છબી પર પ્રશ્નચિહ્ન ઊભું કરી રહી છે. સ્થાનિકો હવે તાત્કાલિક સફાઈ અને કડક કાર્યવાહી કરવાની માંગ કરી રહ્યા છે.
આ પણ વાંચો: મોડાસાના મડાસણા પાસે અકસ્માત બાદ ગ્રામજનોનો ઉગ્ર વિરોધ, રાજેન્દ્ર નગર રોડ પર ચક્કાજામ
આ પણ વાંચો: અમદાવાદ-વડોદરા સહિત જિલ્લામાં 31 જુલાઈએ શાળા-કોલેજોમાં રજા, તંત્ર હાઈ એલર્ટ પર
આ પણ વાંચો: વડોદરામાં પોલીસ ભવન નજીક નર્મદા ભવનમાં ચોરી, સરકારી કચેરીમાંથી પંખા અને LED લાઇટ ચોરાઈ
