Viramgam Highway Demolition Drive: અમદાવાદ જિલ્લાના વિરમગામ ટાઉનની કનેક્ટિવિટીના મુખ્ય આધાર સમાન ડબલ લેન હાઈવેને પહોળો કરવાના મહત્વાકાંક્ષી પ્રોજેક્ટને આખરે મોટી ગતિ મળી છે. આ માર્ગ આડે અવરોધરૂપ બનતા વર્ષો જૂના ગેરકાયદે દબાણોને દૂર કરવા માટે આજે 1લી જૂનની વહેલી સવારથી જ વહીવટી તંત્ર અને પોલીસ પ્રશાસન દ્વારા એક વિશાળ ડિમોલિશન ડ્રાઈવ હાથ ધરવામાં આવી હતી. સુરક્ષા અને કાયદો-વ્યવસ્થા જળવાઈ રહે તે માટે લોખંડી પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો. કલેક્ટર, જિલ્લા પોલીસ વડા (SP), DySP અને SDM સહિતના ઉચ્ચ અધિકારીઓની સીધી દેખરેખ હેઠળ આ સમગ્ર કામગીરી કોઈ પણ જાતના વિરોધ વિના, અત્યંત શાંતિપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થઈ છે.

સઘન પ્લાનિંગ અને બેઠકો બાદ કડક એક્શન
વહીવટી સૂત્રોના જણાવ્યા અનુસાર, આ મેગા ડિમોલિશન અચાનક નહીં, પરંતુ તંત્રના સચોટ અને સુવ્યવસ્થિત આયોજનનું પરિણામ હતું. હાઈવે પહોળો કરવાની કામગીરીમાં નડતરરૂપ દબાણો હટાવવા માટે છેલ્લા બે-ત્રણ મહિનાથી વહીવટી તંત્ર અને પોલીસ દ્વારા પડદા પાછળ સઘન પ્લાનિંગ કરવામાં આવી રહ્યું હતું. આ કામગીરી પૂર્વે તમામ જરૂરી કાનૂની નોટિસો અને પ્રક્રિયાઓ પૂર્ણ કરવામાં આવી હતી. કલેક્ટર, એસપી અને સ્થાનિક એસડીએમ દ્વારા વિસ્તારના અગ્રણીઓ તેમજ સ્થાનિક આગેવાનો સાથે અગાઉથી જ અનેક રાઉન્ડની બેઠકો યોજીને તેઓને વિશ્વાસમાં લેવામાં આવ્યા હતા, જેથી ડિમોલિશન વખતે લોકોમાં કોઈ આક્રોશ ન ફેલાય.
Viramgam પોલીસ છાવણીમાં ફેરવાયું
ઓપરેશન દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન ઘટે તે માટે સમગ્ર વિરમગામ ટાઉનને જાણે પોલીસ છાવણીમાં ફેરવી દેવામાં આવ્યું હતું. આ મેગા ડ્રાઈવમાં સ્ટેટ રિઝર્વ પોલીસ (SRP)ની 2 આખી કંપનીઓ સહિત 500થી વધુ હથિયારધારી પોલીસકર્મીઓ તહેનાત કરાયા હતા. સ્થાનિક પોલીસ સ્ટેશનની ટીમો ઉપરાંત લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB), સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) અને જિલ્લાના જુદા જુદા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર્સ (PI) પણ જેસીબી મશીનો સાથે આખો દિવસ ઘટનાસ્થળે મોરચો સંભાળી રહ્યા હતા.

ટ્રાફિક સમસ્યાનો કાયમી ઉકેલ આવશે
આ મામલે અમદાવાદ રૂરલ એસપી ઓમ પ્રકાશે મીડિયાને સત્તાવાર વિગતો આપતા જણાવ્યું હતું કે, ‘વિરમગામ ટાઉનની આંતરિક અને બાહ્ય કનેક્ટિવિટી માટે આ ડબલ લેન હાઈવે બહુ જ મહત્ત્વનો પ્રોજેક્ટ છે, જેનું ગયા વર્ષે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. રોડ પહોળો થવાથી અહીંની વર્ષો જૂની ટ્રાફિક સમસ્યા કાયમી ધોરણે હલ થશે. અગાઉથી કરાયેલી કાનૂની તૈયારીઓ અને સ્થાનિક આગેવાનો સાથેની સમજાવટભરી બેઠકોના કારણે જ આજે વહીવટી તંત્ર વિરમગામના વિકાસ માટે આ ડિમોલિશનની પ્રક્રિયા કોઈ પણ વિઘ્ન વગર, ખૂબ જ શાંતિપૂર્ણ રીતે પૂરી કરી શક્યું છે.’
તંત્ર દ્વારા તમામ ગેરકાયદે દબાણોનો સફાયો કરી દેવાતાં જ હવે માર્ગ અને મકાન વિભાગ દ્વારા આ મેગા કનેક્ટિવિટી પ્રોજેક્ટને સમયસર પૂર્ણ કરવા માટે હાઈવેને પહોળો કરવાની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરી દેવામાં આવી છે.
