Ahmedabad News : અમદાવાદના ઐતિહાસિક ચંડોળા તળાવ(Chandola Lake)ને ફરીથી તેના જૂના ગૌરવ સુધી પહોંચાડવા માટે ચાલી રહેલા વિકાસકાર્યોને હવે ગતિ મળી રહી છે. તળાવ કિનારે કરાયેલા મોટા પાયાના ડિમોલિશનને એક વર્ષ પૂર્ણ થતાં તંત્ર દ્વારા બ્યુટીફિકેશન અને ડેવલપમેન્ટનું કામ યુદ્ધના ધોરણે આગળ ધપાવવામાં આવી રહ્યું છે.
ચંડોળા તળાવ(Chandola Lake)ના વિકાસને ત્રણ તબક્કામાં વહેંચવામાં આવ્યો છે. પ્રથમ તબક્કામાં ડિમોલિશન બાદ તળાવની જમીન સુરક્ષિત રહે તે માટે મજબૂત બાઉન્ડ્રી વોલનું નિર્માણ કરવામાં આવ્યું છે. સાથે જ તળાવને આકર્ષક બનાવવા માટે ગુંબજોના નિર્માણનું કામ પણ હવે પૂર્ણતાના આરે પહોંચી ગયું છે.

વિકાસના આગામી તબક્કાઓમાં ચંડોળા તળાવ(Chandola Lake)ને પર્યટન સ્થળ તરીકે વિકસાવવાની દિશામાં ખાસ ધ્યાન આપવામાં આવી રહ્યું છે. તળાવમાં પ્રવેશ માટે ચારેય બાજુ એન્ટ્રી ગેટ બનાવવામાં આવી રહ્યા છે. ઉપરાંત પર્યટકો અને સ્થાનિક નાગરિકો માટે વોક-વે અને બેસવાની સુવિધાઓ વિકસાવવામાં આવી રહી છે.
ડિમોલિશન બાદ ખાલી થયેલી વિશાળ જગ્યામાં હવે વિકાસકાર્યો સ્પષ્ટ રીતે દેખાઈ રહ્યા છે. બાકીના તબક્કાઓ પૂર્ણ થયા બાદ ચંડોળા તળાવ દક્ષિણ અમદાવાદ માટે એક નવા આકર્ષણ કેન્દ્ર તરીકે ઉભરી આવશે તેવી શક્યતા છે.
