Ahmedabad News/ ડાયરા કિંગ માયાભાઈ: હાસ્ય કલાકાર મટી વિવાદના કેન્દ્રમાં કેમ?

Mayabhai પાસે મોંઘીદાટ ગાડીઓનો કાફલો, વતનમાં ફાર્મહાઉસ અને ગાંધીનગરમાં બંગલો હોવાનું ચર્ચાય છે

Gujarat Ahmedabad
Mayabhai

Ahmedabad News : બગદાણાના નવનીત બાલધિયા પર થયેલા હુમલાના કેસમાં ડાયરા કલાકાર માયાભાઈ (Mayabhai) આહિરના પુત્ર જયરાજ આહિરની સંડોવણી હોવાના આરોપો બાદ સમગ્ર મામલો ગરમાયો છે. પોલીસ તપાસ સામે નારાજ કોળી સમાજે મોરચો માંડતા આ વિવાદે રાજકીય અને સામાજિક રંગ ધારણ કર્યો છે. હજારો લોકોને ડાયરાના મંચ પરથી હસાવનારા માયાભાઈ માટે આ પ્રકરણ નવીન લાગતું હોવા છતાં, વિવાદો સાથે તેમનો નાતો જૂનો હોવાનું રાજકીય વર્તુળોમાં ચર્ચાઈ રહ્યું છે.

જીપ ડ્રાઈવરથી ડાયરા સેલિબ્રિટી સુધી

ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના બોરડા ગામના વતની માયાભાઈ આહિર યુવાનીમાં ઢસા વિસ્તારમાં જીપ ચલાવી રોજગાર કરતા હતા. પોલીસ વિભાગ, વિદ્યુત બોર્ડ સહિતના સરકારી વિભાગોને જીપ ભાડે આપતા માયાભાઈ લોકજીવનના સૂક્ષ્મ અવલોકન અને નૈસર્ગિક હાસ્ય પ્રતિભાના જોરે ડાયરાના મંચ પર આવ્યા અને ટૂંક સમયમાં જ લોકપ્રિય બની ગયા. આજે ગુજરાતના અગ્રણી ડાયરા કલાકારોમાં તેમની ગણના થાય છે. ઊંચો ચાર્જ હોવા છતાં તેમની તારીખો મળવી મુશ્કેલ બને છે.

વૈભવ, સંત-મહંતો અને રાજકારણીઓ સાથેની નજીકતા

ડાયરાથી કરોડોની કમાણી કરનાર માયાભાઈ (Mayabhai) પાસે મોંઘીદાટ ગાડીઓનો કાફલો, વતનમાં ફાર્મહાઉસ અને ગાંધીનગરમાં બંગલો હોવાનું ચર્ચાય છે. સંતાનોના શાહી લગ્નો અને પ્રસિદ્ધ કથાકાર મોરારીબાપુ સાથેની તેમની નજીકતા પણ જાણીતી છે. રાજકારણમાં પણ તેઓ સક્રિય રહ્યાં છે. કેબિનેટ મંત્રી જીતુ વાઘાણીથી લઈ પૂર્વ કોંગ્રેસી ધારાસભ્ય અંબરિષ ડેર સુધી તેમની મિત્રતા ચર્ચાસ્પદ રહી છે. અંબરિષ ડેરને કોંગ્રેસમાંથી ભાજપમાં લાવવામાં માયાભાઈની ભૂમિકા હોવાની ચર્ચા પણ થઈ હતી. વિધાનસભાની ચૂંટણી વખતે તેમણે અંબરિષ ડેર માટે ખુલ્લેઆમ પ્રચાર કર્યો હતો.

Mayabhai ની વડાપ્રધાન સાથે મુલાકાત બાદ તરત વિવાદ

ગત મહિને માયાભાઈ (Mayabhai) એ કેબિનેટ મંત્રી અર્જુન મોઢવાડિયા અને અંબરિષ ડેર સાથે દિલ્હી જઈ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી. આ મુલાકાતની તસવીરો સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ અને માયાભાઈ (Mayabhai)નું રાજકીય વજન વધશે એવી ચર્ચા શરૂ થઈ. પરંતુ થોડા જ દિવસોમાં બગદાણા હુમલા કેસમાં તેમનું નામ જોડાતાં અનેક તર્કવિતર્કો શરૂ થયા છે.

‘પિતાની ચા કરતાં પુત્રની કિટલી વધુ ગરમ’

માયાભાઈ (Mayabjai)એ પોતાની પ્રતિભાના જોરે ઓળખ બનાવી છે, જ્યારે તેમના નાના પુત્ર જયરાજ આહિર સોશિયલ મીડિયા પર ફિલ્મસ્ટાર જેવી છબી સાથે ચર્ચામાં રહે છે. મોંઘી ગાડીઓ, રિલ્સ અને રાજકારણમાં ઝડપભેર આગળ વધવાની મહત્ત્વાકાંક્ષા કારણે તેઓ પંથકમાં વિવાદાસ્પદ બન્યા હોવાનું માનવામાં આવે છે. સંપત્તિના દેખાડા અને સેલિબ્રિટી હોવાના તોરથી અસંતોષ ફેલાયો હોવાની પણ ચર્ચા છે.

વિવાદ બાદ મૌન સમર્થકો

નવનીત બાલધિયા કેસમાં હીરાભાઈ સોલંકીએ ખુલ્લેઆમ પીડિતનું સમર્થન કરતા કોળી સમાજ એકજુટ થયો છે. બીજી તરફ, માયાભાઈ (Mayabhai) ના પક્ષમાં આહિર સમાજ કે નજીકના રાજકીય મિત્રો પૈકી કોઈએ જાહેર સમર્થન આપ્યું નથી. ભાજપના એક વરિષ્ઠ નેતા સમાધાન માટે પ્રયત્નશીલ હોવાનું કહેવાય છે, પરંતુ કોળી સમાજ સમાધાનના મૂડમાં ન હોવાનું માનવામાં આવે છે. પરિણામે મામલો વધુ ગૂંચવાયો છે અને આગામી દિવસોમાં રાજકીય ગરમી વધવાની શક્યતા છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો :ડાયરામાં દેવી દેવતાઓનું અપમાન, માયાભાઈ આહિર અને કિર્તિદાન ગઢવી વિરૂદ્ધ ફરિયાદ નોંધાઈ!

આ પણ વાંચો : બગદાણા ધામના સેવક નવનીત બાલધિયાને હોસ્પિટલમાંથી રજા અપાઈ

આ પણ વાંચો : નવનીત બાલધિયાને ન્યાય અપાવવા હવે કોળી સમાજના વકીલો મેદાનમાં