Ahmedabad News : બગદાણામાં કોળી યુવક નવનીત બાલધિયા પર થયેલા જીવલેણ હુમલા (Attack)ના કેસમાં હવે નવો વળાંક આવ્યો છે. હુમલા (Attack) ના આરોપીઓ સાથે હાસ્ય કલાકાર માયાભાઈ આહીરના પુત્ર જયરાજ આહીરનો હોવાનું કહેવાતું વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થતાં મામલો વધુ ઉગ્ર બન્યો છે. વીડિયોને લઈને દાવો કરવામાં આવી રહ્યો છે કે આ ફૂટેજ માયાભાઈના ફાર્મહાઉસનો છે અને નવનીત પર હુમલા (Attack) પહેલાંનો છે.
નવનીત બાલધિયા પર આઠ શખ્સોએ હુમલો (Attack) કર્યો હતો
આ સમગ્ર ઘટનાક્રમની શરૂઆત બગદાણાના ગુરુ આશ્રમના મેનેજિંગ ટ્રસ્ટીને લઈને માયાભાઈ આહીરે કરેલી ટિપ્પણીથી થઈ હતી. ત્યારબાદ માયાભાઈએ માફી માગી હતી. આ માફી બાદ માયાભાઈ અને તેમના પુત્ર સાથે ફોન પર વાતચીત કરનાર નવનીત બાલધિયા પર આઠ શખ્સોએ હુમલો (Attack) કર્યો હતો. ગંભીર રીતે ઘાયલ થયેલા નવનીતે હુમલા પાછળ જયરાજ આહીરનો હાથ હોવાનો આક્ષેપ કર્યો છે.
કોંગ્રેસ મેદાને, તપાસની માગ
મામલો ગરમાતા કોંગ્રેસ પણ ખુલ્લેઆમ મેદાનમાં આવી છે. ચોટીલાના પૂર્વ ધારાસભ્ય અને કોંગ્રેસના કોળી નેતા ઋત્વિક મકવાણાએ જણાવ્યું કે આ ઘટનામાં બે સંભવિત કારણો હોઈ શકે—એક તો માયાભાઈને માફી માગવી પડી તે બાબતે નારાજગી, અથવા તો બગદાણા ટ્રસ્ટીમંડળ સાથે જોડાયેલ કોઈ વિવાદ. સાચું કારણ તો તપાસ બાદ જ બહાર આવશે તેમ તેમણે કહ્યું.
ઋત્વિક મકવાણાએ વધુમાં ઉમેર્યું કે બગદાણામાં સેવકોના આશરે 1500 મંડળો કાર્યરત છે, જેમાંથી મોટા ભાગના કોળી સમાજના છે. સંચાલકમંડળ અને નિયામકમંડળમાં પ્રતિનિધિત્વની માગને લઈને પણ તણાવ ઉભો થયો હોય તે શક્યતા નકારી શકાય નહીં.
‘વીડિયો બનાવવા સુધીની હિંમત કોણે આપી?’
કોંગ્રેસના નેતાઓએ હુમલાખોરોને પકડવા સાથે સાથે વીડિયો બનાવવાની પાછળ કોનું બળ હતું, વીડિયો કોને મોકલાયો અને આ હિંમત કોણે આપી—તે તમામ બાબતોની ઊંડાણપૂર્વક તપાસની માગ કરી છે. “આવો સાહસ કોઈ નાનકડા માણસના ઈશારે તો નહીં હોય,” એવો સવાલ પણ ઉઠાવવામાં આવ્યો છે.
સરકાર અને ભાજપનો જવાબ
કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ X પર પોસ્ટ કરી કાયદો-વ્યવસ્થાને લઈને સરકાર પર પ્રહાર કર્યો હતો. તેના જવાબમાં ભાજપના મુખ્ય પ્રવક્તા અનિલ પટેલે કહ્યું કે ભૂપેન્દ્ર પટેલ અને હર્ષ સંઘવીના નેતૃત્વમાં સરકાર કડક કાર્યવાહી કરી રહી છે. સેલિબ્રિટી હોય કે સામાન્ય માણસ—ગુનેગારને કોઈ પણ પ્રકારનું રાજકીય રક્ષણ મળશે નહીં.
પોલીસ તપાસ તેજ
પોલીસે કેસમાં મુખ્ય ચાર આરોપીઓને રિમાન્ડ પર લીધા છે અને ફરિયાદમાં BNS કલમ 109 ઉમેરવામાં આવી છે. નવનીત બાલધિયાનું ફરી વિશેષ નિવેદન લેવામાં આવશે. તમામ આરોપીઓના મોબાઇલના CDR મગાવવામાં આવ્યા છે, CCTV ફૂટેજ ચકાસાશે અને મોબાઇલ FSLમાં મોકલવાની કાર્યવાહી ચાલી રહી છે.
માયાભાઈના પુત્ર જયરાજ પર થયેલા આક્ષેપોને લઈને પણ પોલીસ સઘન તપાસ કરી રહી છે. બનાવ સમયે વીડિયો કોના મોબાઇલમાં ઉતારાયો અને તે સમયે કોની સાથે વાતચીત થઈ—આ તમામ મુદ્દાઓ તપાસના કેન્દ્રમાં છે.
બગદાણા સરપંચ પર હુમલો અને રાજ્યમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ પર ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખઅમિત ચાવડાએ પ્રતિક્રિયા આપી હતી. જેમાંતેમણે જણાવ્યું હતું કે
ગુજરાતમાં ગુંડાઓને સરકારનો કોઈ ડર નથી રહ્યો રિલબાજ મંત્રી હર્ષ સંઘવીનો ડર નથી રહ્યો પોલીસ અને પ્રશાસનનો ડર નથી રહ્યો ગુજરાતમાં કોઈ પરિવાર સલામત નથી કારણ કે ગુજરાતમાં ભૂપેન્દ્ર પટેલ દાદાની નહી પણ ગુંડાઓની સરકાર ચાલી રહી છે
બગદાણામાં કોળી સમાજના યુવા સરપંચ દ્વારા એક નાની વાતની રજૂઆત કરી એ બાબતે એના પર ખુલ્લેઆમ હુમલો કરવામાં આવ્યો ગાળો બોલવામાં આવી અને આ કોણે કર્યું કોના માટે કર્યું એની ચારે તરફ ચર્ચા છે આ ઘટનામાં કોળી સમાજનો આક્રોશ ફાટી નીકળ્યો એટલે સરકારે થોડા પગલા ભર્યા
બગદાણા હોય અમદાવાદ હોય કે રાજ્યના અન્ય વિસ્તારો તમામ જગ્યાએ ગુંડાઓ જાહેરમાં હથિયારો સાથે લોકો પર હુમલા કરે, હત્યાઓ કરે અને ગુનો કરતા સમયે કોઈના ડર વગર વિડિઓ પણ ઉતારે અને વાયરલ પણ કરે છે જેનાથી સ્પષ્ટ સાબિત થાય છે કે આ ભૂપેન્દ્ર પટેલ દાદાની નહી પણ ગુંડાઓની સરકાર ચાલે છે જેને કોઈનો ડર નથી
