Junagadh News/ માંગરોળ નગરપાલિકામાં ભાજપના શાસન પર સંકટના વાદળો

BJPના 8 નારાજ સભ્યો બન્યા ‘ગેમચેન્જર’, 20 વર્ષ બાદ મળેલી સત્તા જોખમમાં

Gujarat Others
BJP

Junagadh News : જૂનાગઢ જિલ્લાના માંગરોળ નગરપાલિકામાં 20 વર્ષ બાદ સત્તામાં આવેલી ભાજપ (BJP) ની પેનલ સામે ભારે રાજકીય હલચલ સર્જાઈ છે. વહીવટી અણઆવડત, આર્થિક તંત્રના ધ્વસ્ત થવાના આક્ષેપો અને નગરપાલિકાની મિલકત જપ્ત થવાની શરમજનક સ્થિતિને મુદ્દો બનાવી કોંગ્રેસે પ્રમુખ ક્રિષ્નાબેન થાપણીયા અને ઉપપ્રમુખ સૈયદ અબ્દુલ્લાહમીયા સામે અવિશ્વાસની દરખાસ્ત રજૂ કરી છે. ભાજપના જ 8 સભ્યોની નારાજગી વચ્ચે કોંગ્રેસની આ ચાલથી માંગરોળનું રાજકારણ ગરમાયું છે.

નારાજ સભ્યોના બળવાથી કોંગ્રેસને તક

માંગરોળ નગરપાલિકામાં કુલ 36 સભ્યો છે. જેમાં ભાજપ (BJP)અને કોંગ્રેસ બંને પાસે 15-15 સભ્યો છે, જ્યારે બસપાના 4, આપનો 1 અને 1 અપક્ષ સભ્ય છે. અત્યાર સુધી ભાજપ-બસપા ગઠબંધનથી સત્તા ચાલી રહી હતી. પરંતુ આંતરિક વિખવાદ અને શાસકોની કામગીરીથી અસંતોષ ધરાવતા ભાજપના 8 સભ્યોએ બળવો કરતા હવે સત્તાનું ગણિત બદલાતું દેખાઈ રહ્યું છે. આ નારાજગી કોંગ્રેસ માટે ‘સત્તા પલટો’ કરવાનો મોટો મોકો બની છે.

અવિશ્વાસ પ્રસ્તાવ પાછળના ગંભીર આક્ષેપો

કોંગ્રેસે ચીફ ઓફિસરને પાઠવેલા પત્રમાં ગંભીર આક્ષેપો કર્યા છે. તેમાં જણાવાયું છે કે નગરપાલિકાના મહત્વના નિર્ણયો ચૂંટાયેલા પ્રતિનિધિઓ નહીં પરંતુ બિનઅધિકૃત લોકો દ્વારા લેવામાં આવી રહ્યા છે. વહીવટી નિષ્ફળતાના કારણે પાલિકાની તિજોરી ખાલી થઈ ગઈ છે અને આર્થિક તંત્ર સંપૂર્ણપણે ખાડે ગયું છે.

તાજેતરમાં કોર્ટ દ્વારા નગરપાલિકાનું ફર્નિચર, પંખા, ટેબલ અને કોમ્પ્યુટર જપ્ત કરવાની કાર્યવાહી થવી પાલિકાની પ્રતિષ્ઠા માટે મોટો ફટકો માનવામાં આવી રહી છે. ઉપરાંત પીવાનું પાણી, સ્ટ્રીટ લાઈટ અને સફાઈ જેવી મૂળભૂત સુવિધાઓ પૂરું પાડવામાં સત્તાધીશો નિષ્ફળ રહ્યા હોવાનો આક્ષેપ છે, જેના કારણે શહેરમાં રોગચાળો ફાટી નીકળવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી છે.

8 સભ્યોની નારાજગીથી ભાજપ (BJP) લઘુમતીમાં

ભાજપ (BJP)પાસે સંખ્યાબળ હોવા છતાં 8 સભ્યોની નારાજગી તેને લઘુમતીમાં મૂકી શકે છે. જો કોંગ્રેસને આ નારાજ સભ્યોનો ટેકો મળે, તો 20 વર્ષ બાદ મળેલી સત્તા ભાજપ ગુમાવવાની આરે આવી શકે છે. હાલ પ્રમુખ તરીકે ક્રિષ્નાબેન થાપણીયા અને ઉપપ્રમુખ તરીકે સૈયદ અબ્દુલ્લાહમીયા કાર્યરત છે.

ઉપપ્રમુખનો ઇનકાર: ‘આ રાજકીય પ્રોપેગેંડા છે’

બીજી તરફ ઉપપ્રમુખ સૈયદ અબ્દુલ્લાહમીયાએ કોંગ્રેસના આક્ષેપોને ફગાવી દીધા છે. તેમણે જણાવ્યું કે તેઓ બસપાના મેન્ડેટ પર ચૂંટાયા છે અને ભાજપ (BJP) ના ટેકાથી વિકાસના કામો કરી રહ્યા છે. ભૂગર્ભ ગટર, પાણી અને સફાઈ માટે પાલિકા પ્રતિબદ્ધ હોવાનું તેમણે જણાવ્યું.

તેમણે વધુમાં કહ્યું કે નારાજગીની વાત માત્ર સોશિયલ મીડિયા અને અફવાઓ પૂરતી છે. અમારી પાસે કોઈ સત્તાવાર અવિશ્વાસનો પ્રસ્તાવ આવ્યો નથી. ભ્રષ્ટાચારના આક્ષેપો પાયાવિહોણા છે અને આ માત્ર સત્તા હડપવા માટેનો રાજકીય પ્રોપેગેંડા છે.

‘વેઈટ એન્ડ વોચ’ની સ્થિતિ

કોંગ્રેસના અવિશ્વાસ પ્રસ્તાવ બાદ હવે ચીફ ઓફિસર અને કલેક્ટરની ભૂમિકા મહત્વની બની છે. જો મતદાન થશે, તો ભાજપ પોતાના નારાજ સભ્યોને મનાવવામાં સફળ થાય છે કે કોંગ્રેસ સત્તા પલટો કરે છે—તે પર સમગ્ર માંગરોળની રાજકીય નજર ટકેલી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: કોંગ્રેસને પડ્યો મોટો ફટકો,12 કાઉન્સિલરો ભાજપમાં જોડાયા

આ પણ વાંચો: બારડોલી સત્યાગ્રહ આશ્રમે હિરેન હિરપરાએ સંભાળ્યું ભાજપા કિસાન મોરચાનું પ્રદેશ અધ્યક્ષપદ

આ પણ વાંચો: જુનાગઢમાં ભાજપના જિલ્લા પંચાયત સદસ્યની દાદાગીરી, ભેસાણ તાલુકા પંચાયતના ઇજનેરને જાહેરમાં માર્યો માર